કોરોના સામેની જંગમાં આપવું હતું યોગદાન, વૃદ્ધે જે કર્યું તે જાણીને તમને પણ લાગશે નવાઈ

આજે આખો ભારત દેશ કોરોના સામે લડાઇ રહ્યો છે. દરેક વ્યક્તિ પોતપોતાની શક્તિ અનુસાર યોગદાન આપી રહી છે. આ દરમિયાન સંખ્યાબંધ લોકોએ આ લડાઇમાં આર્થિક યોગદાન આપ્યું છે. આવું જ કઈંક કર્યું છે, કોલકાતાના એક 82 વર્ષના વૃદ્ધે, જેમનાં લોકો સોશિયલ મીડિયામાં ખૂબજ વખાણ કરી રહ્યાં છે.

તાજેતરમાં જ ફેસબુક પર ચારૂદત્ત આચાર્યએ એક પોસ્ટ લખી છે, તેમણે તેમના કોલેજના એક રિટાયર્ડ પ્રોફેસરની વાત જણાવી છે. 82 વર્ષના સુભાષ ચંદ્ર રિટાયર્ડ છે અને કોલકાતામાં એકલા જ રહે છે. તેમણે લોકડાઉન દરમિયાન આસપાસ ફરતા પોલીસ જવાનોને જોયા અને બોલાવ્યા. પોલીસ ઓફિસરોને લાગ્યું કે, તેમને કોઇ મદદની જરૂર છે. પરંતુ સુભાષ ચંદ્રએ તેમને જે ચેક આપ્યો એ જોઇને તેઓ ચોંકી ગયા.

સુભાષ ચંદ્રએ રાહત ફંડમાં આપ્યા 10 હજાર રૂપિયા
સુભાષ ચંદ્રએ કોરોના સામેની લડાઇમાં મુખ્યમંત્રી રાહત કોષમાં 10 હજાર રૂપિયા દાનમાં આપ્યા. તેમણે કહ્યું કે, ઓનલાઇન કેવી રીતે ટ્રાન્સફર કરવા તે તેમને ખબર નથી, એટલે તેમણે પોલીસને બોલાવ્યા.

સુભાષ ચંદ્રના પૈસા દવાઓ પર ખર્ચ
આચાર્યની પોસ્ટ અનુસાર, સુભાષ ચંદ્ર રિટાયર્ડ છે. તેમને પેન્શન મળે છે, પરંતુ મોટાભાગનું પેન્શન દવાઓ પાછળ જ ખર્ચાઇ જાય છે. છતાં તેમણે નક્કી કર્યું કે, કોરોના સામેની લડાઇમાં મુખ્યમંત્રી રાહત કોષમાં દસ હજાર રૂપિયા આપશે.