અનુષ્કા-વિરાટ જ નહીં આ સેલેબ્સે પણ પોતાના બાળકોને ઝાકમઝાળથી રાખ્યા છે દૂર

મુંબઈ: બોલીવુડ એકટ્રેસ અનુષ્કા શર્માએ 11 જાન્યુઆરીએ મુંબઈમાં તેમની દીકરીને જન્મ આપ્યો છે. દીકરીના જન્મ પહેલાં એક ઇન્ટરવ્યૂમાં અનુષ્કા શર્માએ કહ્યું હતું કે, ‘પોતાના બાળકોને હંમેશા મીડિયા અને લાઈમલાઈટથી દૂર રાખવા માગે છે.’ આ પછી અનુષ્કા અને વિરાટ કોહલીએ ફોટોગ્રાફરોને તેમની દિકરીના ફોટો ક્લિક ન કરવા માટે અપીલ પણ કરી છે. અનુષ્કા અને વિરાટ કોહલી ઉપરાંત ઘણાં સેલેબ્સ પોતાના બાળકોને લાઈમલાઈટથી દૂર રાખવાનું પસંદ કરે છે.

એકતા કપૂર
ફેમસ પ્રોડ્યૂસર અને ડિરેક્ટર એકતા કપૂર 27 જાન્યુઆરી 2019માં સરોગેસી દ્વારા મા બની હતી. એકતાએ તેમના દીકરાનું નામ રવિ કપૂર રાખ્યું છે. એકતા કપૂર હંમેશા તેમના દીકરાને ફોટોગ્રાફરોથી દૂર રાખે છે. એકતા કપૂર ઘણીવાર પોતાના દીકરાનું મોઢું પણ છુપાવતા જોવા મળી છે. એકતા કપૂર ઘણીવાર તેમના દીકરા રવિ કપૂરના ફોટો અને વીડિયો શેર કરી ચૂકી છે પણ ક્યારેય તેમાં દીકરાનું મોઢું બતાવ્યું નથી. એકતા કપૂરના તમામ પ્રયત્નો છતાં રવિના કેટલાક ફોટો ફોટોગ્રાફરના કેમેરામાં કેદ થઇ ગયા છે.

અક્ષય કુમાર-ટ્વિંકલ ખન્ના
બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્ના હંમેશાથી પોતાની દીકરી નિતારા અને મોટા દીકરા આરવને ફોટોગ્રાફરોથી દૂર રાખે છે. અક્ષય કુમાર ફોટોગ્રાફરોના કેમેરાની સામે આવતા જ પોતાની દીકરીનું મોઢું છુપાવી દે છે. એક ઈન્ટરવ્યૂમાં આ વિષય અક્ષય કુમારે કહ્યું હતું કે, ‘તે પોતાના બાળકોને લાઇમલાઇટથી દૂર રાખી નોર્મલ જિંદગી આપવા માગે છે, તે ઈચ્છે છે કે બાળકોના ચાઈલ્ડહુડ પર તેની અસર ના થાય.’ તો એક ઇન્ટરવ્યૂમાં અક્ષય કુમારે તેમની દીકરીનો કિસ્સો સંભળાવતા કહ્યું કે, ‘એક દિવસ મારી દીકરીએ ફોટોગ્રાફર્સના ડરથી એક ફંક્શનમાં જવા માટે ના પાડી દીધી હતી. નિતારાને કેમેરાની ફ્લેશ પસંદ નથી, એટલે હું તેનો ચહેરો છુપાવું છું.’

નેહા ધૂપિયા -અંગત બેદી
બોલિવૂડ એક્ટ્રેસ નેહા ધુપિયા અને અંગદ બેદીના ઘરે 18 નવેમ્બર 2018માં દીકરીનો જન્મ થયો હતો. જેનું નામ મેહર છે. નેહાએ સોશિયલ મીડિયા પર દીકરી મેહરના ઘણાં ફોટો અને વિડીયો પોસ્ટ કર્યાં છે. આ ફોટોમાં દીકરીનો ચહેરો સ્પષ્ટ દેખાતો નથી.

રાની મુખર્જી – આદિત્ય ચોપડા
એક્ટ્રસ રાની મુખરજીએ વર્ષ 2014માં ફિલ્મ મેકર આદિત્ય ચોપડા સાથે લગ્ન કર્યા હતા. લગ્નના એક વર્ષ પછી કપલના ઘરે દીકરી અદિરાનો જન્મ થયો હતો. રાની મુખર્જીએ એક વર્ષ સુધી તેમની દીકરીનું મોઢું મીડિયાથી છુપાવ્યું હતું. દીકરીના પહેલાં જન્મદિવસે રાની મુખર્જીએ તેની પહેલી ઝલક શેર કરી હતી. ઘણાં વર્ષ પછી હવે રાની મુખર્જી તેમની દીકરી અદિરાને ઇવેન્ટમાં સાથે લઈ જતી જોવા મળે છે.