ગુજરાતની ઘટના: ચમત્કારિક પથ્થરને રામાપીરના મંદિરમાં મૂકાયો, જોવા ઉમટી પડ્યા શ્રદ્ધાળુઓ

આ દુનિયા અનેક ચમત્કારોથી ભરેલી છે. કેટલાક બનાવો કે ઘટનાઓ આપણને વિચારતા કરી મૂકે છે. આવી જ એક ઘટના અરવલ્લીમાં સામે આવી છે. જેમાં એક પથ્થર આપણે કુતૂહલ કરવા પ્રેરી રહ્યો છે. મંદિરની આરતીમાં ઘંટ નહીં પણ પથ્થર વગાડવામાં આવે છે, સૂર એટલો મધૂર કે સાંભળતા જ રહેશો ! કદાચ તમે પથ્થરને કોઈ પવિત્ર ધાતુ જ માનવા પ્રેરાશો. જાણો શું છે તેનું કારણ…

અરવલ્લીના મોડાસાના ડીપ વિસ્તારમાં રામાપીરના મંદિરમાં આરતી સમયે ઘંટ નહીં પણ પથ્થરનો રણકાર સંભળાય છે. વાત કદાચ આપના ગળે નહીં ઉતરે પણ વાત સાચી છે. અહીં રણકાર ઘંટનો નહીં પણ પથ્થરમાંથી આવે છે. રામાપીરની આરતીમાં બાળકો અને દર્શનાર્થીઓ પથ્થર વગાડવા માટે આતૂર બને છે. અહીં મુકવામાં આવેલા પત્થરમાંથી આવતો સૂર મંદિરમાં લગાવેલા બેલ કરતાં પણ મીઠો છે.

આ પથ્થર અરવલ્લીની ગિરીમાળાઓના જંગલમાંથી ખાનગી ફાઉન્ડેશનની ટીમને મળી આવ્યો હતો. વાત એમ બની કે, મોડાસા દયા ફાઉન્ડેશનની ટીમ ગીરીમાળાઓમાં થોડા દિવસ અગાઉ ફરવા માટે ગઇ હતી. તે સમયે એક સભ્યને ઠેસ વાગતાં એક પથ્થરમાંથી અવાજ આવ્યો. નીચે જોતા 30 કિલોનો પથ્થર હતો. પથ્થરને જેવો ઉપાડીને બાજુમાં મૂક્યો તો તેમાંથી રણકાર થયો. દયા ફાઉન્ડેશનની ટીમને આશ્ચર્ય થયું. તેમણે ફરીથી ચેક કર્યું તો જણાયું અવાજ પથ્થરમાંથી જ આવે છે. બાદમાં દયા ફાઉન્ડેશનની ટીમના સભ્યો આ ચમત્કારિક પથ્થરને લઈને મોડાસાના ડીપ વિસ્તારના રામાપીર મંદિરમાં મૂક્યો હતો. હવે દર્શનાર્થીઓ અને પૂજારી દર્શન અને આરતીના સમયે આ પથ્થરને વગાડે છે. જો કે તેમાંથી આબેહૂબ ઘંટ વાગવા જેવો અવાજ આવ્યો હતો.

આ પથ્થરમાંથી આવતા અવાજને સાંભળવા માટે હાલ મંદિરમાં શ્રદ્ધાળુંઓ ઉમટી રહ્યા છે. મંદિરે આવતા દર્શનાર્થીઓ પણ પથ્થર વગાડીને દર્શન કરે છે. દયા ફાઉન્ડેશનના જગદીશભાઈએ જણાવ્યું હતું કે જંગલ વિસ્તારમાંથી પથ્થર મળી આવતા ત્રણ કિલોમીટર જેટલું અંતર કાપીને પથ્થરને માથે ઉઠાવીને મુખ્ય માર્ગ સુધી લાવવામાં આવ્યો હતો. આ પથ્થરનું અંદાજે વજન 25 થી 30 કિલો છે.

આ ચમત્કારિક પથ્થરની વિશિષ્ટતા તમને આશ્ચર્યમાં મૂકી દેશે. પથ્થરમાંથી ઘંટના પ્રગટે છે અને વાતાવરણ પવિત્ર કરી દે છે. જો કે, ભલે આપણી વૈજ્ઞાનિક દ્રષ્ટી સૃષ્ટિની આ કરામતમાં કાર્યકારણના સંબંધો જોતી હોય. પરંતુ જ્યાં સુધી કારણોમાં પડ્યા વગર આવી ઘટનાને માણતા નથી ત્યાં સુધી સૃષ્ટિના સૌંદર્યને માણી શકાતું નથી.

અરવલ્લી જિલ્લાના પાડોશી જિલ્લા સાબરકાંઠામાં પણ આવો જ પથ્થર છે. ઈડરના પ્રતાપગઢના સાબલી ગામ સ્થિત પથ્થરોના ડુંગર પર મહાકાળી મંદિર આવેલું છે. આ મંદિરની બાજુમાં બે પથ્થરોની શિલા આવેલી છે, આ શીલા પર બીજા પથ્થર વડે ખખડાવતા જ તેમાંથી અદભુત અવાજ આવે છે. આ પથ્થરમાંથી એવો અવાજ આવે કે, જાણે ઝાલર કે ઘંટ વાગતો હોય. અવાજ નિકળે છે અને એ પણ ઘંટરાવ જેવો અવાજ રણકાવે છે. મહત્ત્વનું છે કે, આસપાસમાં તો ઘણા પથ્થર છે પણ આ એક જ પથ્થરમાં આવો રણકાર થાય છે.