2 અઠવાડિયાથી આવી રહ્યો છે રહસ્યમય અવાજ, ડરનો માર્યો સુતો નથી પરિવાર

21મી સદી અંધશ્રદ્ધામાં નહીં પણ વિજ્ઞાનમાં વિશ્વાસ કરે છે, પરંતુ લખનઉના અલીગંજ વિસ્તારમાં આરતીના ઘરે જે બન્યું છે તેનાથી બધા ભયમાં છે. છેલ્લા 2 અઠવાડિયાથી આરતીના ઘરેથી એક રહસ્યમય અવાજ આવી રહ્યો છે.

આરતી છેલ્લા 27 વર્ષથી તેના પતિ, પુત્રી અને વૃદ્ધ માતા સાથે રહે છે, પરંતુ આ પરિવાર છેલ્લા 2 અઠવાડિયાથી ભયમાં જીવી રહ્યો છે. આ ભયંકર અવાજ આરતીની માતાના ઓરડાની દિવાલથી આવે છે અને તે આખા ઘરમાં સંભળાઈ રહ્યો છે.

પહેલા એવી આશંકા હતી કે બાજુમાં આવેલા મકાનમાં કોઈ કામ ચાલી રહ્યુ હશે, પછી મશીન ચલાવવાનો અવાજ આવે છે, જે પછીથી આપમેળે બંધ થઈ જાય છે. પરંતુ ધીરે ધીરે આ અવાજો વધતા જતા રહ્યા અને કોઈપણ સમયે આવવા લાગ્યા.

આરતીએ જણાવ્યું કે તે અને તેનો પતિ કામ કરે છે જેના કારણે તેઓ આખો દિવસ ઘરની બહાર જ રહે છે. પુત્રી અને સાસુ ઘરે એકલા રહે છે. એક દિવસ જ્યારે આરતી ઓફિસથી ઘરે આવી ત્યારે સ્કૂટી પાર્ક કરતી વખતે મશીનગન જેવો મોટેથી અવાજ આવ્યો કે તે સ્કૂટી પરથી પડી ગઈ. ડરને કારણે આ પરિવાર 12 દિવસ સૂઈ શક્યો નથી.

આ મામલે પોલીસમાં ફરિયાદ પણ નોંધાઈ છે. પોલીસ પણ આવી પરંતુ કોઈ સમાધાન આવ્યું નહીં. અહીં મહિલા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, પરંતુ હવે અવાજ સંભળાયો નથી. પડોશમાં રહેતા એક વ્યક્તિએ જણાવ્યું હતું કે બાજુનું મકાન ઈન્સ્પેક્ટરનું છે અને થોડા સમય પહેલા ત્યાં એક મહિલાનું મોત નીપજ્યું હતું. જેના કારણે વિવિધ અફવાઓ ફેલાઇ રહી છે.

જોઇન્ટ પોલીસ કમિશનર નીલબાજા ચૌધરીએ જણાવ્યું હતું કે અમને ફરિયાદ મળી હતી કે ઘરની કોઈ ખાસ દિવાલ પરથી અવાજ આવી રહ્યો છે પરંતુ અમે સવારથી જ એક મહિલા કોન્સ્ટેબલ રાખી છે પરંતુ અવાજ સાંભળવા મળ્યો નથી. આ અવાજ ક્યાંથી અને કેમ આવી રહ્યો છે તેના દરેક પાસાની અમે તપાસ કરી રહ્યા છીએ.