પપલા ગુર્જરને પોલીસે દબોચ્યો, હવે તેની ગર્લફ્રેન્ડ પાસેથી પોલીસ કઢાવશે રાઝ

કોલ્હાપુરઃ રાજસ્થાનના ગેંગસ્ટર પપલાને છ સપ્ટેમ્બર, 2019ના રોજ લૉકઅપ તોડીને તેના સાથીઓ છોડાવી ગયા હતા. ત્યારબાદથી પોલીસની ઊંઘ હરામ થઈ ગઈ હતી. બરોબર એક વર્ષ, ચાર મહિના અને 23 બાદ પોલીસે પપલાને ઝડપી પાડ્યો હતો. તે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં પોતાની પ્રેમિકા સાથે મોજ માણતો હતો અને પોલીસના હાથ ઝડપાઈ ગઈ હતી. છ સપ્ટેમ્બર, 2019ના રોજ પોલીસે 32 લાખ રૂપિયાની સાથે પપલાની ધરપકડ કરી હતી. તેના સાથીઓ તે જ દિવસે લૉકઅપમાંથી પપલાને ભગાવી ગયા હતા. પોલીસે તેની પર પાંચ લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું.

પોલીસ છેલ્લાં એક વર્ષથી પપલાની પાછળ હતી. મહરાષ્ટ્રના કોલ્હાપુર સ્થિત 3 માળના મકાનમાં પપલા રહેતો હતો. આ જ મકાનમાં પપલાની પ્રેમિકા પણ હતી. પોલીસનું કહેવું છે કે પપલા તથા તેની પ્રેમિકા છેલ્લાં 12 દિવસથી સાથે હતા. જોકે, પોલીસ આ અંગે તપાસ કરી રહી છે.

પ્રેમિકાના માતા-પિતા ડૉક્ટરઃ પોલીસના મતે, જિયા તથા પપલા છેલ્લાં 12 દિવસથી સાથે હતા. ધરપકડ બાદ પોલીસ પપલા તથા જિયાને કોલ્હાપુરથી અલવરના બહરોડ લઈને આવી હતી. અહીંયા પોલીસે જિયાને કોર્ટમાં રજૂ કરી હતી અને કોર્ટે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસ જિયા તથા પપલાની પૂછપરછ કરશે. જિયાની અલગથી પૂછપરછ કરીને તેની પાસેથી પપલાની ગુનાહિત દુનિયા વિશે જાણવાનો પ્રયાસ કરશે. માનવામાં આવે છે કે જિયા ડિવોર્સી છે. તેના માતા-પિતા ડૉક્ટર છે. જોકે, જિયા માતા-પિતાથી અલગ રહે છે. તે અલગ રહીને જિમ ચલાવે છે.

જિમમાં થઈ પપલા-જિયાની મુલાકાતઃ જિયા દેખાવે ઘણી જ સુંદર છે. પપલાએ જિમમાં જવાની શરૂઆત કરી હતી. જિમમાં જ જિયા તથા પપલા વચ્ચે મિત્રતા બંધાઈ હતી. આ મિત્રતા ટૂંક સમયમાં જ પ્રેમમાં પરિણમી હતી. ત્યારબાદ બંને લિવ ઈનમાં રહેવા લાગ્યા હતા.

પોલીસે દરોડા પાડ્યા ત્યારે પપલા 3 માળની બિલ્ડિંગ પરથી કૂદ્યો હતોઃ પોલીસે જ્યારે પપલાના ઠેકાણે દરોડા પાડ્યા ત્યારે તેણે ભાગવા માટે ત્રીજા માળથી કૂદકો માર્યો હતો. આ કારણે તેને પગમાં ઈજાઓ થઈ હતી. પોલીસે પપલાનો સૌ પહેલાં મેડિકલ રિપોર્ટ કરાવ્યો હતો, તેમાં એક્સરે, કોવિડ 19નો ટેસ્ટ તથા અન્ય ટેસ્ટ સામેલ છે. પોલીસે જિયા તથા પપલાને અલગ-અલગ બેરેકમાં રાખ્યા હતા.

આ વખતે ચુસ્ત પોલીસ બંદોબસ્તઃ એક વર્ષ પહેલાં પપલા પોલીસને ચકમો આપીને ભાગી છૂટ્યો હતો. તેમાંથી બોધપાઠ લઈને પોલીસે આ વખતે પપલા ભાગી ના જાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે. 300થી વધુ જવાનો તથા ક્યૂઆરટીની એક મોટી ટીમ પપલા પર નજર રાખશે.