અક્ષય કુમાર સાંજે છ વાગ્યા પછી ક્યારેય નથી કરતો આ કામ, જાણો ખિલાડી કુમારના ફિટનેસનું રહસ્ય

મુંબઈઃ અક્ષય કુમાર 52નો થયો છતાં પણ તે આજે માત્ર 30-32 વર્ષનો જ લાગે છે. જોકે, આ પાછળ મહેનત અને લગનની સાથે અક્ષય કુમારે પોતાને ફિટ રાખવા માટે જે ડિસિપ્લિન દેખાડી તે જરાય સરળ નથી. અક્ષય કુમારના ફેન્સ હંમેશા તેની ફિટનેસના કાયલ રહે છે, આથી હાલમાં જ અક્ષય કુમારે પોતાના ફિટનેસને લઇને કેટલીક ટિપ્સ શેર કરી લોકોને ફિટ રહેવા માટે પ્રેરિત કર્યા છે.

અક્ષય કુમાર પોતાની ફિટનેસનું સૌથી મોટું રહસ્ય પોતાના ડાઇટ ટાઇમિંગને માને છે. તેનું કહેવું છે કે સાંજે 6 વાગ્યા પછી તે ક્યારેય જમતો નથી. તેણે વધુમાં જણાવ્યું હતું કે આવું આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે સૂરજ ઢળ્યા બાદ ભોજન ના કરવું જોઇએ. આથી જો તમે પણ અક્ષય કુમાર જેવી પર્સનાલિટી ઇચ્છો છો તો સાંજે 6 વાગ્યા બાદ ખાવાની આદતમાં બદલાવ કરી શકો છો.

આ વાત જાણી તમામ લોકો હેરાન છે કે અક્ષય કુમાર બોલિવૂડની પાર્ટીમાં ભાગ્યે જ જોવા મળે છે. આ પાછળનું કારણ એવું પણ છે કે અક્ષય કુમાર મોટાભાગે મોડી રાત સુધી જાગતો પણ નથી. અક્ષય કુમાર રાત્રે 9થી 10 વાગ્યાની વચ્ચે સૂઇ જાય છે. તે સવારે ચાર વાગે ઊઠી જાય છે. જો તમે પણ મોડી રાતે સુધી ફોનમાં ચિપકીને રહો છો તો આજથી જ પોતાની આદતમાં બદલાવ કરી નાખો અને વહેલા સૂવાનો પ્રયાસ કરો.

અક્ષય કુમાર રોજ ચાર વાગ્યે ઉઠી જાય છે, ખુદ બોલીવૂડ ઇન્ડસ્ટ્રીના લોકોનું કહેવું છે કે જ્યારે તેઓ પાર્ટી કરીને પરત આવે ત્યારે અક્ષય કુમાર પોતાના જીમમાં કે પછી મુંબઈના બીચ પર વર્કઆઉટ કરતો હોય છે. અક્ષય કુમારનું સવારે ચાર વાગ્યે ઉઠવાનું એક કારણ એવું પણ છે કે આ સમયે ચોખ્ખી હવા પણ મળે છે, જે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આથી વહેલા ઉઠવાનો પ્રયાસ કરવો.

ખિલાડી કુમાર જો કોઇ દિવસ શૂટિંગમાં વ્યસ્ત હોય અને તે સાંજે છ વાગ્યા પહેલાં ભોજન ના લઈ શકે તો તે રાત્રે માત્ર સલાડ કે ફ્રૂટ્સ લેવાનું પસંદ કરે છે. વિજ્ઞાનમાં પણ આ વાતની પુષ્ટી થઇ છે કે રાતે હળવો ખોરાક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. અક્કીએ ચાહકોને સલાહ આપી છે કે મોડી રાતે માત્ર હળવું જ ખાવું અથવા સલાડનું સેવન કરવું.

અક્ષય કુમાર દારૂ પીતો નથી. દારૂ પીવાથી આપણા શરીરના અનેક અંગોને નુકસાન પહોંચે છે. એટલું જ નહીં ચહેરાની રોનક પણ ગુમ થઇ જાય છે. આથી ફિટ અને ગ્લોઇંગ સ્કિન માટે દારૂનું સેવન ક્યારેય ના કરવું.

અક્ષય કુમારનું કહેવું છે કે ફિટનેસ મેળવવા માટે આ નિયમોનું પાલન કરવા ઉપરાંત તમારે આ નિયમોને રોજ ફોલો પણ કરવા પડે છે. તેણે પોતાના ફેન્સને પણ કહ્યું હતું કે રોજ સવારે વહેલાથી ઊઠવાથી અને રાતે વહેલા સૂવાથી તમે ખુદ ફિટ હોવાનું ફીલ કરશો. તમે પણ અક્ષય કુમારની ફિટનેસ ટિપ્સને અપનાવીને એક હેલ્થી લાઇફનો આનંદ ઉઠાવી શકો છો.