2800 કરોડની માલકિન છે જૂહી ચાવલા, ગુજરાતના આંગણે કરે છે ઓર્ગેનિક ખેતી

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ જૂહી ચાવલા હવે કેરેક્ટર રોલ કરવા લાગી છે. આટલું જ નહીં જૂહી ચાવલા માત્ર ફિલ્મ્સમાં જ નહીં પરંતુ સામાજિક જાગૃત્તિ ફેલાવવાનું પણ કામ કરે છે. જૂહી ચાવલા હવે ઓર્ગેનિક ખેતી પર ભાર મૂકી રહી છે. જૂહી ચાવલાના પતિ જય મહેતાની હોટલમાં ઓર્ગેનિક શાકભાજીમાંથી બનાવેલી વસ્તુઓ જ બનાવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે જય મહેતા ગુજરાતી છે અને મહેતા ગ્રૂપ 2800 કરોડથી વધુ સંપત્તિનું માલિક છે. જૂહી ચાવલાને દીકરી જાહન્વી તથા દીકરો અર્જુન છે.

જૂહી ચાવલા ખેડૂત છેઃ
જૂહી ચાવલાએ કહ્યું હતું કે તેના પિતા ખેડૂત હતાં અને બધુ તે જ સંભાળતા હતાં. જોકે, તેમના નિધન બાદ તેના પર જવાબદારી આવી ગઈ હતી. એક સમય હતો જ્યારે તે ખેતરના નામ માત્રથી ચિડાતી હતી. જોકે, હવે તે પાક્કી ખેડૂત બની ગઈ છે. જૂહીની જમીન મહારાષ્ટ્રના વડામાં છે. 20 એકર જમીનમાં 200 કેરીના ઝાડ, ચીકું, પપૈયું, દાડમ સહિતના ફ્રૂટ્સ છે. આટલું જ નહીં જૂહી હવે ઘરે પણ ઓર્ગેનિક શાકભાજી ઉગાડે છે.

આમિરના શોમાંથી મળી પ્રેરણાઃ
જૂહીએ કહ્યું હતું કે તેને આમિર ખાનના શો ‘સત્યમેવ જયતે’માંથી ઓર્ગેનિક ખેતીની પ્રેરણા મળી હતી. તેણે મહારાષ્ટ્રના માંડવામાં પણ જમીન ખરીદી છે અને અહીંયા તે શાકભાજી ઉગાડે છે. આ જ ખેતરમાંથી ઉગાડેલા શાકભાજી સીધા તેના પતિ જયની બાંદ્રામાં આવેલી રેસ્ટોરન્ટ Gustosoમાં જાય છે. નોંધનીય છે કે જૂહી ચાવલા છેલ્લે વિધુ વિનોદ ચોપરાના પ્રોડક્શનની ફિલ્મ ‘એક લડકી કો દેખા તો ઐસા લગા’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તે ઘણાબાદ અનિલ કપૂર સાથે જોવા મળી હતી.

ગુજરાતમાં ઉગાડી ઓર્ગેનિક કેરીઃ
ગુજરાતમાં રાણાવાવમાં આવેલા જૂહીના ખેતરમાં પહેલાં કેમિકલનો ઉપયોગ કરીને કેરી ઉગાડવામાં આવતી હતી. જોકે, ગયા વર્ષથી જૂહીએ ઓર્ગેનિક કેરી ઉગાડવાનું શરૂ કર્યું છે. જૂહીએ કહ્યું હતું કે જો તમે એકવાર ઓર્ગેનિક ટેસ્ટ કરી લો પછી તમને કેમિકલયુક્ત ભોજન ભાવશે જ નહીં.