કરોડપતિ બિઝનેસમેન ગાયને ખાવામાં આપે છે ફ્રુટ, નવડાવી અને શણગારી ફેરવે છે કારમાં

અમદાવાદ: ગૌ પ્રેમીઓ તો તમે બહુ જોયા હશે. પણ જો અમદાવાદમાં રહેતા એક કરોડપતિ ગાયોને જેટલો પ્રેમ કરે છે તે જોયા પછી તમે કહી ઉઠશો કે આનાથી મોટા ગૌપ્રેમી મળવા મુશ્કેલ છે. ગાય માતાના ચાહકનું નામ છે વિજય પરસાણા. પોતાના મોટા બંગલામાં તેઓ 11 ગાયોને ત્રણ પેઢીથી સાચવી રહ્યા છે. તેમનો ગૌ સેવાના યજ્ઞ જોયા બાદ તમારા મનમાં પણ ગાયો માટે છે એના કરતા પણ વધુ સંવેદના જાગશે તે નક્કી છે.

અમદાવાદ નજીક આવેલા મણિપુર ગામની પાછળ ગાયો માટે બંગલો ખાલી કરીને એ બંગલાની અંદર 11 ગાય અને વાછરડાંને પ્રેમથી રાખવામાં આવી રહ્યાં છે અને એમનું જતન કરવામાં આવી રહ્યું છે. તેમના માટે બેડરૂમ પણ છે, જેમાં ચાર વાછરડાં મોજથી રહે છે. ગાયોને તકલીફ ન પડે એ માટે અમદાવાદના નોખી માટીના ગૌપ્રેમી વિજય પરસાણા પાંચ હજાર વારના પ્લૉટમાં બનાવેલા બંગલામાં ગાયોને રાખી રહ્યા છે.

વિશાળ ફાર્મહાઉસમાં આવેલા બંગલામાં ગાયો અને વાછરડાં આરામથી વિહરે છે અને મોજથી રહે છે. ડ્રૉઇંગરૂમમાં ગાયો લપસી ન પડે એ માટે ટાઇલ્સ કાઢી નાખવામાં આવી છે.

મચ્છર ન કરડે એ માટે મચ્છરનું મશીન અને રૅકેટ પણ રાખવામાં આવ્યું છે. આ ગાયો અને વાછરડાંઓને વીઆઇપી ટ્રીટમેન્ટ મળે છે. બેડરૂમ સાથેનો બંગલો રહેવા મળી ગયો.

બંગલાની બહાર નીકળો એટલે મોટું ફાર્મહાઉસ. ગાયોની દેખરેખ માટે વિજય પરસાણા ઉપરાંત રખેવાળ પણ છે. ગાયો માટે ગૌભોજનશાળા બનાવી છે. પાણી પીવા માટેનો અલગથી હવાડો, બેડરૂમ અને ડ્રૉઇંગરૂમમાં પંખા, હવાની અવરજવર રહે અને સફોકેશન ન થાય એ માટે બારીઓને ઝીણી જાળી કરાવી દીધી છે.

બંગલાના દરવાજા પાસે ગાય કે વાછરડાં લપસી ન પડે એ માટે મૅટ મુકાઈ છે. વિજય પરસાણા ત્રણ વાર ગાયોને નવડાવે છે. તેમનાં ગોબર ઉપાડી લે છે અને છાણાં થાપે છે.

ગાયોને પાણી પીવા લઈ જાય, જમવા માટે ભોજનશાળામાં લઈ જાય, ફાર્મહાઉસની બહાર ચરાવવા લઈ જાય. ઘણી વાર કારમાં વાછરડાંઓને બેસાડીને આજુબાજુના ગામમાં ફરવા લઈ જાય. ફરવા લઈ જતી વખતે વાછરડીઓને શણગાર કરવાનો. બેડરૂમમાં વાછરડીઓનું કબાટ છે જેમાં વાછરડીઓનાં કપડાં, બુટ્ટી, દોરો, પગનાં ઝાંઝર, પૂંછડાના દુપટ્ટા સહિત શણગારની વસ્તુઓ મૂકવામાં આવી છે.

વિજયભાઈ પોતે ગૌમૂત્ર પીએ, ગોબરથી સ્નાન કરે છે. વર્ષ 2016માં અગ્રણી ફિટનેસ ચેઈનના માલિક વિજય પરસાના તેમની ગીર ગાય પૂનમાં ધામધૂમથી લગ્ન કરાવવા બદલ સમાચારમાં ચમક્યા હતા.

તેમણે પૂનમના લગ્ન ભાવનગરના કોટિયા ગામના બળદ અર્જુન સાથે કરાવ્યા હતા. આ ગાયના લગ્નમાં લાખો રૂપિયાનો ખર્ચો થયો હતો અને તેમાં ગાયને સાડી અને ગોલ્ડ જ્વેલરી પણ પહેરાવવામાં આવી હતી.