લોકો આપી જતાં લોટ, ઈન્દુબેન મજૂરી લઈ બનાવી આપતાં ખાખરા, આજે આજે 20 હજાર સ્કવેર ફૂટમાં પ્લાન્ટ

અમદાવાદ: ગુજરાતીઓની વાત હોય અને ખાખરાનો ઉલ્લેખ ના થાય એવું બંને ગુજરાતીઓને દાઢે વળગેલા ખાખરાનો ઈતિહાસ પણ બહુ જૂનો છે. એમાં પણ ખાખરાને ફેમસ કરવામાં સૌથી વધુ જો કોઈનો ફાળો હોય તો તે છે ‘ઈન્દુબેન ખાખરાવાળા’. દેશ-વિદેશમાં ફેમસ ‘ઈન્દુબેન ખાખરવાળા’ની બ્રાન્ડ પાછળ એક મહિલાનો સંઘર્ષ છુપાયેલો છે. 55 વર્ષ પહેલા જ્યારે મહિલાઓને ઘરની બહાર નીકળવાની પણ આઝાદી નહોતી ત્યારે ઈન્દુબેને જે સિદ્ધિ હાંસલ કરી તે તમામ મહિલાઓને એક આદર્શ ઉદાહરણ પૂરું પાડે છે.

કેવી રીતે કરી શરૂઆત
અમદાવાદમાં મધ્યમવર્ગ જૈન પરિવારમાં 1928માં જન્મેલા ઈન્દુબેન ઝવેરીની ઘરની આર્થિત સ્થિતિ સારી નહોતી. ઓલ્ડ એસએસસી પાસ ઈન્દુબેનના પતિ મીલમાં મજૂરી કરીને ઘરનું ગુજરાન ચલાવતા હતા. ઘરમાં કંઈક મદદ કરવાની ખેવનાના કારણે ઈન્દુબેને સિવણકામ શરૂ કર્યું.

જોકે, મહેનતના પ્રમાણમાં વળતર ના મળતા ઈન્દુબેને કંઈક બીજું કરવાની ઈચ્છા જાગી હતી. તે સમયે ઓસ્વાલ કમ્યુનિટીએ પોતાના મેમ્બર્સને સારા ખાખરા મળી રહે એ માટે જૂના અમદાવાદમાં ફતેહસિંહની વાડી ખાતે ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર શરૂ કર્યું હતું. ઈન્દુબેન અહીં બપોરના 12થી 4 વાગ્યા સુધી પાર્ટ ટાઈમ ખાખરા વેચવાની જોબ કરતા હતા.

વહેલી સવારે 4 વાગ્યે ઉઠીને બનાવતા ખાખરા
જોબ કરવા કરતાં પોતાનો ધંધો હોય તો સારું એ વિચારે તેમણે 1965મા ઓર્ડર મુજબ જાતે ખાખરા બનાવવાનું શરૂ કર્યું. ખાખરા બનાવડાવા હોય એ લોકો લોટ ઈન્દુબેનને આપી જાય. ઈન્દુબેન તેના ખાખરા બનાવી પોતાની મજૂરી વસુલી લેતા હતા. ઈન્દુબેન ઘર કામની સાથે ખાખરા પણ બનાવતા હતા. વહેલી સવારે 4 વાગ્યે ઉઠીને ધગધગતા ચૂલા સામે બેસીને ખાખરા બનાવતા હતા.

કોટ વિસ્તારમાંથી મીઠાખળી શિફ્ટ થયા
વર્ષ 1965માં ઈન્દુબેન જાતે માલ ખરીદીને ખાખરા બનાવવા લાગ્યા. સાદા ખાખરાની જગ્યાએ એમાં વેરાયટી એડ કરતાં ગયા, જે લોકોને ખૂબ પસંદ આવી હતી. શુદ્ઘ લોટ, તેલ અને મસાલાના કારણે લોકોમાં ઈન્દુબેનના ખાખરા ફેમસ બનવા લાગ્યા.

અમદાવાદની પશ્ચિમ તરફનો વધુ વિકાસ થતાં અન્ય લોકોની જેમ ઈન્દુબેન પણ પરિવાર સાથે મીઠાખળી વિસ્તારમાં શિફ્ટ થયા અને ભાઈની મદદથી તેમણે બે માળનું મકાન ખરીદી લીધું હતું.

અમદાવાદીઓને લાગ્યો ચસ્કો
બાદમાં ઈન્દુબેને પાછું વાળીને નથી જોયું. જોત જોતામાં ઈન્દુબેનના ખાખરાનો લોકોને જબરદસ્ત ચસ્કો લાગ્યો હતો. બાદમાં ઈન્દુબેનની જવાબદારી તેમના પુત્ર હીરેનભાઈ અને પુત્રવધૂ સ્મિતાબેને સંભાળી લીધી હતી. વર્ષ 1981માં લીવર કેન્સરના કારણે ઈન્દુબેનનું અવસાન થયું હતું.

આજે 20 હજાર સ્કવેર ફૂટમાં પ્લાન્ટ
ઈન્દુબેનના ખાખરાની લોકોને આદત પડી ગઈ હતી. હીરેનભાઈ અને સ્મિતાબેને ખાખરાની સાથે અન્ય ગુજરાતી નાસ્તો પણ વેચવાનું શરૂ કર્યું હતું. બાદમાં ઈન્દુબેનના પૌત્ર અંકિત અને નિશિત ઝવેરીએ ફેમિલી બિઝનેસમાં ઝંપાલવી તેને મોર્ડન ટચ આપ્યો હતો.

તેમણે પાર્ટનર સત્યેન શાહ સાથે મળીને સાંતેજ ખાતે 20 હાજર સ્કવેર ફૂટમાં પ્લાન્ટ સ્થાપ્યો છે. જેમાં મશીન અને હેન્ડમેડ બંને રીતે ખાખરા બનાવવામાં આવે છે. તેમજ અંદાજે 100થી વધુ લોકોને રોજગારી પૂરી પાડે છે.

6 દેશોમાં નિકાસ
વર્ષ 2008 પછી ઈન્દુબેન ખાખરાવાળાએ બહુ મોટી હરણફાળ ભરી છે. આજે ઈન્દુબેન ખાખરાવાળા આઈકેસી (IKC) બ્રાન્ડથી ખાખરા વેચે છે. અંદાજે 100થી વધુ વેરાયટીના ખાખરા બને છે અને 6 દેશોમાં તેની નિકાસ થાય છે. અમદાવાદમાં 7 આઉટલેટ્સ છે. તાજેતરમાં મુંબઈના મલબાર હીલ એરિયામાં પણ ઈન્દુબેનના ખાખરા વેચાતા થયા છે.