ભેજું લગાવી લિમોઝિન બનાવી, લગ્નમાં એક દિવસનું 40 હજાર રૂપિયા ભાડું લેવાતું, પોલીસે કરી જપ્ત

અમદાવાદ જિલ્લાના સાણંદમાંથી મોડિફાઈડ કારને અમદાવાદ આરટીઓએ ડીટેઈન કરી દીધી છે. મોડિફાઈડ લિમોઝિન કારમાં વૈભવી સોફા, ટીવી અને ક્રોકરી સહિતની વ્યવસ્થાથી સજ્જ છે. જોકે અમદાવાદ આરટીઓએ આ લક્ઝુરિયસ કારને ડિટેઈન કરી જપ્ત કરી હતી. મહત્વની વાત એ છે કે, અમદાવાદમાં મોડિફાઈડ કારની પરમિશન ન હોવા છતાં ટાટા સુમોને મોડિફાઈડ કરીને તૈયાર કરેલી આ લિમોઝિન કારનો ઉપયોગ કરવામાં આવતો હતો. માલિક આ કારને રોજ 40 હજારના ભાડે આપતો હતો.

આરટીઓ દ્વારા સાણંદ ખાતે વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું તે દરમિયાન આ ભાંડો ફૂટ્યો હતો. આ લિમોઝિન કારનું કોઈ પણ જગ્યાએ રજિસ્ટ્રેશન ન હોવા છતાં લગ્ન પ્રસંગો સહિત અનેક જગ્યાએ એક દિવસ માટે ભાડે અપાતી હોવાની માહિતી પણ જાણવા મળી રહી હતી. સમગ્ર ભાાંડો ફૂટ્યા બાદ આરટીઓએ મોડિફાઈડ લીમોઝિન કારને ડિટેઈન કરીને જપ્ત કરી લીધી હતી.

સાણંદ પાસે ડિટેઈન કરેલી લીમોઝિન કાનનું પાર્સિંગ પંજાબનું છે. પાર્સિંગ પીબી 10 સીવાય 3300 નંબરની કારની બજાર કિંમત આશરે 20 લાખ રૂપિયા જેટલી હોવાનું લોકો કહી રહ્યાં છે. સુમો કારમાંથી મોડિફાઈ કરેલી આ કાર સાણંદના કલાણા ગામે લગ્ન પ્રસંગમાં ભાડે આપી હતી પરંતુ સુભાષબ્રિજ આરટીઓ ઈસ્પેક્ટર એ.પી.પંચાલ અને જે.એચ.મિસ્ત્રી સાણંદ ખાતે ચેકિંગ કરી રહ્યાં હતા તે દરમિયાન જઈ રહેલા આ લીમોઝિન કાને રોકી હતી ત્યાર બાદ સમગ્ર ભાંડો ફૂટ્યો હતો.

આ કાર 2015થી ગુજરાતમાં ફરી રહી છે. સોમુમાંથી મોડિફાઈડ કરી ઉપર ઔડીનો સિમ્બોલ મુક્યો હતો. કારનો મૂળ માલિક નડિયાદનો છે અને તેની પાસે આવી બે કાર હોવાનું જાણવા મળ્યું હતું.

કારનું સુભાષબ્રિજ કે અન્ય કોઈ પણ આરટીઓમાં રજિસ્ટ્રેશન હતું નહીં. કારચાલક વાહનની પીયુસી, પોલિસી કે આરસીબુક સહિતના એક પણ પુરાવા નહીં આપી શક્તા કાર ડિટેઇન કરી હતી. આ કારને જોવા હાઈવે પર લોકોનાં ટોળાં વળ્યાં હતાં.