અમદાવાદની આ ગરીબ પુત્રીએ માતા-પિતાનું નામ કર્યું રોશન, CSની પરિક્ષામાં ગુજરાતમાં મેળવ્યું 5મું સ્થાન

અમદાવાદની દીકરી મુસ્કાન શૈખે તમામ પ્રયત્નો કરીને સીએસની પરિક્ષામાં ઉચ્ચ રિઝલ્ટ લાવીને માતા-પિતાનું નામ રોશન કર્યું છે. પુત્રી સીએસની પરિક્ષામાં ઉચ્ચ રિઝલ્ટ લાવતાં પરિવારજનો ખુશખુશાલ જોવા મળ્યાં હતાં. મુસ્કાને નેશનલ લેવલની પરિક્ષા આપી હતી જેમાં તે પાસ થઈ છે અને સમગ્ર ભારતમાં 24મું સ્થાન મેળવ્યું છે જ્યારે ગુજરાતના આંગણે 5મું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં રહેતી મુસ્કાન શૈખ સામાન્ય પરિવારમાંથી આવે છે. મુસ્કાનના પિતા મહંમદ શરીફ શૈખ ઓટો રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે અને આખરી મહેતન કરીને દિકરીને ભણાવે છે. મુસ્કાન એટલા સામાન્ય ઘરમાંથી આવે છે કે, તેના માતા-પિતાને મુસ્કાનના ભણવાની ફી ભરવામાં પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

પરંતુ પિતા રાત-દિવસ આકરી મહેનત કરીને બન્ને પુત્રીઓને ભણાવી અને હાલ બન્ને પુત્રીઓ સીએસનો અભ્યાસ કરી રહી છે. પિતાની આ સ્થિતિ જોઈ બન્ને પુત્રીઓએ નક્કી કર્યું કે તેઓ ખૂબ મહેતન કરશે અને પિતાને વધારે મહેનત ન કરવી પડે તે રીતે પરિવારનું નામ રોશન કરશે. સીએસની પરિક્ષામાં પુત્રીનું ઉચ્ચ પરિણામ આવતાં પિતા ખુશ થઈ ગયા હતાં અને તેમની આંખોમાં ખુશીના આસું વહેતા હતાં.

એક રૂમ રસોડામાં પાંચ સભ્યો સાથે મુસ્કાનનો પરિવાર રહે છે. ઘરમાં માતા-પિતા અને નાની બહેન અને ભાઈ છે. પરિવારની સ્થિતિ લોકડાઉન સમયે એટલી કથળી ગઈ હતી કે બે સમયનાં ભોજનના પણ ફાંફા હતા. તે સમયે મુસ્કાન અને તેની બહેન રાત-દિવસ ઉજાગરા કરીને ખુબ મહેનત કરતી હતી. પરંતુ મહંમદ ભાઈને ગર્વ છે કે બંન્ને દિકરીઓ તેમના દિકરા કરતા પણ સવાઈ છે.

મુસ્કાન બીકોમની સાથે સીએસનો અભ્યાસ કરી રહી છે. તેને પોતાના સ્વપ્નને સાકાર કરવા માટે અને પોતાના પિતાની મહેનતને રંગ લાવવા માટે મુસ્કાન હજુ પણ આગળ ભણવા માંગે છે અને કંઈક કરીને પોતાના પિતાને રિક્ષા ન ચલાવવી પડે તેવું કાર્ય કરવા માંગે છે.