હિંમતવાન: કેન્સર સામે જંગ જીત્યા બાદ અમદાવાદની મહિલા ચલાવે છે એમ્બ્યુલન્સ

અમદાવાદ: નારા તારા નવલા રૂપ અને નારી તુ નારાયણી જેવી અનેક ગુજરાતી કહેવતો મહિલાઓ માટે છે. આ કહેવતને આર્થક કરી રહ્યા છે અમદાવાદના ગીતાબેન પુરોહિત. જેઓ ખુદ એક સમયે કેન્સરનો ભોગ બન્યા હતા. છતાં નારી શક્તિની મિસાલ એવા ગીતાબેન 15 વર્ષથી એમ્બ્યુલન્સ ચલાવી દર્દીઓની સેવામાં કાર્યરત છે. જેમણે પાંચ હજારથી વધુ દર્દી હોસ્પિટલ પહોંચાડ્યા છે તેમજ ડેડ બોડી નિયત સ્થળોએ પહોંચાડી છે. એમાંય હાલ કોરોના સામેના યુદ્ધમાં એમ્બ્યુલન્સ હાંકીને સારથીની ભૂમિકા અદા કરી રહ્યા છે.

વાત એમ બની કે 15 વર્ષ પહેલા ગીતાબેનને કેન્સર થયું હતું અને આ કેન્સરની બીમારીના કારણે તેમને અનેક વેદના અને મુશ્કેલીઓ સહન કરી હતી. તે તકલીફ અન્ય કોઈને ના પડે તે માટે તેમને એમ્બ્યુલન્સ હંકારવાનું નક્કી કર્યું હતું. હાલમાં કોરોનાની મહામારી વચ્ચે તેઓ જરાય ડર્યા વિના કોરોના યોદ્ધા તરીકે પોતાની ફરજ નિભાવી રહ્યા છે. કોરોનાના દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવાથી લઈને મૃતદેહોને પણ નિયત સ્થળે લઈ જાય છે.

15 વર્ષથી એમ્બ્યુલન્સ ચલાવતી આ નારીએ અત્યાર સુધી પાંચ હજારથી વધુ દર્દીઓનો જીવ બચાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. જેમાં ઉત્તરથી લઈને દક્ષિણ પૂર્વથી લઈને પશ્ચિમ સુધી તમામ જગ્યા તેઓ એમ્બ્યુલન્સ લઈને દોડે છે. ઈમર્જન્સીના કેસમાં મોડી રાત્રે પણ તેમનો ફોન રણકતો રહે છે. અમુક કિસ્સામાં તો ગીતાબેને ઊંઘની પરવાહ કર્યા વિના આખી રાત એમ્બ્યુલન્સ દોડાવી છે.

ગીતાબેન પુરોહિતે એક કિસ્સો યાદ કરતા જણાવ્યું કે, ઘરની જવાબદારી સંભાળવાની સાથે હું એમ્બ્યુલન્સ દોડાવું છું, ઘરના લગભગ તમામ કામ હું કરું છું, એક વખત એવો સમય આવ્યો કે, હું મુંઝાઈ ગઈ કે ઘરનું કામ મૂકીને કેમ જવાય ? પણ પછી વિચાર આવ્યો કે જો હું એમ્બ્યુલન્સ નહીં ચલાવું તો કોઈનો જીવ પણ જઈ શકે છે. તે ઘડીએ જ મેં નક્કી કર્યું કે પહેલા મારા દર્દી, પછી મારું ઘર. મારું માનવું છે કે, ઘર કરતા કોઈનો જીવ મહત્વનો છે. 15 વર્ષ પહેલા ગીતાબેનને કેન્સર થયું હતું અને આ કેન્સરની બીમારીના કારણે તેમને દર્દ અને પીડા સહન કરવી પડી. તેથી અન્ય કોઈને તકલીફ ના પડે તે માટે તેમણે એમ્બ્યુલન્સ ચલાવવાનો નિર્ણય કર્યો.

શરૂઆતમાં ગીતાબેને દર્દીઓને હોસ્પિટલમાં લઈ જતા હતા. ત્યારબાદ મૃતદેહોને પણ સ્માશાને કે નિવાસ્થાને લઈ જવાનું કામ શરૂ કર્યું. કોરોનાના કપરા કાળમાં સમયમાં પણ દર્દીઓ કે પછી મૃતકોના પાર્થિવદેહને એમ્બ્યુલન્સ મારફત નિયત સ્થળ પર પહોંચડ્યાં છે. જોકે આ સેવાકીય કાર્ય કરતા સમયે તેમને કોઈ જાતનો ડર નથી. શરૂઆતમાં પરિવારે તેમના આ કામની ટીકા કરી હતી. એટલું જ નહીં, આ કામ છોડી દેવા પણ વણમાગી સલાહ આપી હતી. પરંતુ ટીકાથી ડર્યા વિના ગીતાબેન આ કાર્યને સેવાનું કામ માનીને આગળ વધ્યા હતા. અત્યારે ગીતાબેન અને તેમના પતિ ગૌરવભાઈ ખૂબ નજીવો ચાર્જ લઈને આ સેવાકીય કાર્યને આગળ વધારી રહ્યા છે. એક મહિલા તરીકે તેમની આ હિંમતને સલામ.