અમદાવાદની મહિલાનું બ્રેઈનડેડથી થયું મોત, અંગદાનથી ત્રણ લોકોને મળ્યું નવું જીવન

ગુજરાતના સુરતમાં બ્રેઈન ડેડથી મોત થતાં ઘણાં લોકોના અંગોનું દાન કરવામાં આવે છે ત્યારે આ વખતે અમદાવાદમાં 48 વર્ષના મહિલાનું બ્રેઈનડેડથી મોત થયું હતું ત્યાર બાદ તેમના અંગદાનથી ત્રણ લોકોને નવું જીવન મળ્યું છે. અંગ દાન કરનાર મીનાબેનના પરિવારમાં ત્રણ પુત્રી અને બે પુત્રો છે. માતાના મૃત્યુ બાદ તેમના અંગોનું દાન કરી અન્યને નવું જીવન મળતાં પરિવારજનોમાં ખુશી જોવા મળી હતી. મહત્વની વાત એ છે કે, જે લોકોને અંગોને કારણે નવું જીવન મળ્યું તેમના પરિવારજનો પણ ખુશખુશાલ જોવા મળ્યા હતાં અને તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

અમદાવાદ શહેરના ચાણક્યપુરી વિસ્તારમાં રહેતા મીનાબેન ઝાલાનું 19 જાન્યુઆરીએ બ્રેનડેડથી મુત્યુ થયું હતું. તેમના મોત બાદ પરિવારે તેમનાં અંગોને દાન કરવાનું નક્કી કર્યું હતું જેથી અમદાવાદ સિવિલના નવનિર્મિત ટ્રોમા સેન્ટર ખાતે તેમનાં અંગો રિટ્રીવ કરી ત્રણ લોકોની જિંદગી બચાવવામાં આવી હતી.

મીનાબેનના લિવરને જામનગર જિલ્લાના 15 વર્ષના બાળકને અને બંને કિડનીને સુરેન્દ્રનગરના 30 અને 35 વર્ષની ઉંમરની વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. તબીબોએ ગુજરાત સરકારના અંગદાન કાર્યક્રમ હેઠળ અંગદાન કરવા માટે મીનાબહેનના પરિવારજનોને સમજાવ્યા હતા. આખરે મીનાબહેનની ત્રણ પુત્રીઓએ માતાની યાદોને ચિરસ્મરણિય બનાવવાનો નિર્ણય કર્યો હતો અને માતાના અંગોના દાન કરવા માટે તૈયારી બતાવી હતી.

મીનાબહેનના અંગો – બે કિડની અને એક લીવર દ્વારા કુલ ત્રણ દર્દીઓને નવજીવન મળ્યું છે. ગુજરાત સરકાર અને આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિના સતત અને પ્રેરણારૂપ માર્ગદર્શન હેઠળ છેલ્લા થોડા સમયમાં સ્ટેટ ઓર્ગન ટિશ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન (SOTTO) હેઠળ અંગદાનની પ્રવૃત્તિનો પ્રસાર વધ્યો છે.

સિવિલ સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. જે.વી. મોદીએ જણાવ્યું હતું કે, અમારા સિવિલ હોસ્પિટલ તંત્રની સમગ્ર ટીમ દ્વારા અંગદાનની શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી રહી છે. માત્ર એક મહિનાના ટૂંકા ગાળામાં 3 બ્રેઈનડેડ દર્દીના પરિવારજનોએ અંગદાન માટે સંમતિ દર્શાવી છે. આ અંગદાન દ્વારા 7 વ્યક્તિઓના જીવ બચાવી શકાયા છે.