એક સમયે કાજોલ પ્રેમીની ફરિયાદ કરતી હતી ‘સિંઘમ’ને, આ રીતે બંને વચ્ચે પાંગર્યો હતો પ્રેમ

મુંબઈઃ અજય દેવગણ અને કાજોલનાં લગ્નની 24 ફેબ્રુઆરીએ 21મી મેરેજ એનિવર્સરી હતી. બંનેએ 24 ફેબ્રુઆરીએ, 1999 ના રોજ મુંબઈમાં લગ્ન કર્યાં હતાં. લગ્ન પહેલાં બંનેએ એકબીજાને ચાર વર્ષ સુધી ડેટ કર્યાં હતાં. આમ તો બહુ ઓછા લોકોને ખબર હશે કે, અજય સાથે લગ્ન પહેલાં કાજોલ કોઇ બીજાના પ્રેમમાં પાગલ હતી. એટલું જ નહીં, તે તેના બૉયફ્રેન્ડની ફરિયાદ અજયને પણ કરતી હતી. જોકે, કાજોલનો બૉયફ્રેન્ડ કોણ હતો અને તે કોને પ્રેમ કરતી હતી, એ હજી સુધી કોઇને ખબર નથી.

એક ઈન્ટરવ્યૂમાં કાજોલે જણાવ્યું હતું કે અજય સાથે પહેલો શૉટ (ફિલ્મ હલચલ) કરતી વખતે જ તેને સમજાઇ ગયું હતું કે, આ વ્યક્તિ તેના જીવન માટે બહુ મહત્વનો સાબિત થશે.

જોકે, એ સમયે કાજોલ અને અજય બંને કોઇ બીજાના રિલેશનમાં હતાં. બંને એકબીજા સાથે મિત્રોની જેમ જ વર્તતાં હતાં. એ સમયે કાજોલ તેની લવલાઇફ માટે અજયની સલાહ પણ લેતી અને ‘બાબા જી’ ની જેમ અજય ટિપ્સ પણ આપતો.

બંનેની મુલાકાત ફિલ્મ ‘હલચલ’ના શૂટિંગ સમયે થઈ હતી. જ્યારે કાજોલ અજયને પહેલીવાર મળી ત્યારે તેણે જોયું કે, અજયને ખૂણામાં એકલા બેસવું ગમે છે. વધારે વાતો નથી કરતો. ત્યારે કાજોલને એમ લાગતું હતું કે, આવું કોઇ કેવી રીતે હોઇ શકે, કે કંઈ વાત જ ના કરે, પરંતુ ધીરે-ધીરે તે કાજોલ સાથે વાત કરવા લાગ્યો અને કાજોલ સાથે મિત્રતા થઈ ગઈ.

ધીરે-ધીરે અજય અને કાજોલ વચ્ચે પ્રેમ પાંગરવા લાગ્યો અને બંનેએ 1999 માં લગ્ન કરી લીધાં. લગ્ન દેવગણ હાઉસના ટેરેસ પર પરંપરાગત મહારાષ્ટ્રિયન સ્ટાઇલમાં થયાં હતાં. છેલ્લાં 21 વર્ષોથી આ જોડીના સંબંધો અકબંધ છે અને તેમને દીકરી ન્યાસા અને દીકરો યુગ એમ બે બાળકો છે.

કાજોલે એક ચેટ શોમાં જણાવ્યું હતું કે, કોઇ ઇચ્છતું નહોતુ કે તે અને અજય લગ્ન કરે. તેનો પરિવાર ખૂબ જ કન્ફ્યૂઝ્ડ હતો. જ્યારે તેણે પિતાને કહ્યું કે તે અજય સાથે લગ્ન કરવા ઇચ્છે છે, ત્યારે તેમણે એક અઠવાડિયા સુધી તેની સાથે વાત પણ નહોતી કરી. કાજોલના જણાવ્યા અનુસાર તેના પિતાએ કહ્યું હતું કે અત્યારે તેનું કરિયર બહુ સારું ચાલી રહ્યું છે અને લગ્ન માટે હજી ઉંમર પણ નાની છે, પરંતુ કાજોલ તેની વાત પર અડગ રહી.

કાજોલે એક ઈન્ટરવ્યૂ દરમિયાન અજય સાથે લગ્ન કરવાનું કારણ જણાવ્યું હતું. કાજોલે ખુલાસો કર્યો હતો કે, તે જીવન અને કરિયરમાં મુકામ ઇચ્છતી હતી. એટલે જ તેણે લગ્ન કરવાનો નિર્ણય લીધો.

કાજોલે જણાવ્યું હતું, હું લગભગ 9 વર્ષથી કામ કરી રહી હતી, દર વર્ષે 4-5 ફિલ્મો આવી રહી હતી. મારી પાસે પૈસા, નામ અને કામયાબી બધું જ હતું, બસ પોતાના માટે સમય અને શાંતિ નહોતી. એટલે જ આટલો મોટો નિર્ણય કરવા માટે આ યોગ્ય સમય હતો. તે સમયે મેં નક્કી કર્યું કે હવે લગ્ન કરીશ અને વર્ષમાં વધુમાં વધુ એક જ ફિલ્મમાં એક્ટિંગ કરીશ.

કાજોલે ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું, ‘કભી ખુશી કભ ગમ’ સમયે હું પ્રેગ્નન્ટ હતી, પરંતુ એ દરમિયાન મિસકેરેજ થઈ ગયું હતું. ફિલ્મે બહુ સારી કમાણી કરી, પરંતુ એ વખતે હું હોસ્પિટલમાં હતી. ત્યારબાદ ફરી એકવાર મિસકેરેજ થયું. પછી ન્યાસા અને યુગનો જન્મ થયો. અમે બંને વધારે પડતાં રોમેન્ટિક નથી, પરંતુ એકબીજાનું બહું ધ્યાન રાખીએ છીએ.