કપૂર પરિવારની ભાવિ ગુજરાતી વહુઓ કાકા સસરાનું અવસાન થતાં તમામ કામો પડતાં મૂકી દોડી આવી

મુંબઈઃ 58 વર્ષીય રાજીવ કપૂરના આકસ્મિક અવસાનથી કપૂર પરિવાર ઘેરા શોકમાં ડૂબી ગયો છે. હજી રિશી કપૂરના નિધનને 12 મહિના પણ નહોતા થયા ત્યાં તો કપૂર પરિવારને બીજો મોટો આઘાત લાગ્યો છે. કપૂર પરિવારને સાંત્વના આપવા પરિવારની ભાવિ વહુઓ તારા સુતરિયા તથા આલિયા ભટ્ટ બંને ચેમ્બુર સ્થિત રાજીવ કપૂરના ઘરે પહોંચી ગઈ હતી.

આલિયા વેકેશન ટૂંકાવીને પરત આવીઃ આલિયા ભટ્ટ પોતાની બેસ્ટ ફ્રેન્ડ્સ સાથે માલદીવ્સમાં વેકેશન મનાવવા ગઈ હતી. આલિયાને જેવા ન્યૂઝ મળ્યા કે તેના ભાવિ કાકા સસરાનું અવસાન થયું એટલે તે તરત જ વેકેશન ટૂંકાવીને ભારત પરત ફરી હતી. એરપોર્ટ પરથી આલિયા ભટ્ટ તેના ઘરે ગઈ હતી. ત્યાંથી કપડાં ચેન્જ કરીને તે સીધી રાજીવ કપૂરના ઘરે આવી હતી. અહીંયા કપૂર પરિવારના સભ્યો હાજર હતા. રણબીર કપૂર તથા નીતુ સિંહને આલિયાએ સધિયારો આપ્યો હતો.

આલિયા ભટ્ટ આ પહેલાં પણ કપૂર પરિવારના દરેક માઠાં પ્રસંગે હાજર રહી છે. જ્યારે કૃષ્ણા રાજ કપૂરનું નિધન થયું ત્યારે રણબીર-નીતુ તથા રિશી કપૂર ન્યૂયોર્ક ગયા હતા. આ સમયે રિશી કપૂરને કેન્સર હતું અને તેને સારવાર માટે તેઓ ગયા હતા. તેઓ અમેરિકાથી પરત ફરી શકે તેમ નહોતાં. આલિયાએ ફોન પર કૃષ્ણા રાજ કપૂરની અંતિમ વિધિ બતાવી હતી અને એક વહુની જેમ પરિવારને સાંત્વના આપી હતી.

રિશી કપૂરના નિધન સમયે દીકરી રિદ્ધિમા સાહની દિલ્હીથી મુંબઈ આવવા નીકળી ગઈ હતી પરંતુ તે અંતિમ સંસ્કારમાં સામેલ થઈ શકી નહોતી. આ સમયે આલિયાએ વીડિયો કોલથી રિદ્ધિમાને રિશી કપૂરની અંતિમ વિધિ તથા અંતિમ સંસ્કાર બતાવ્યા હતા. આલિયાએ નીતુ તથા રણબીરને સતત સપોર્ટ આપ્યો હતો અને મુશ્કેલ ઘડીમાં સાચવ્યા હતા. આલિયાએ હજી સુધી રણબીર સાથે લગ્ન નથી કર્યાં, પરંતુ તે વહુની જેમ આખા પરિવારને જોડી રહી છે.

તો બીજી બાજુ આદર જૈનની પ્રેમિકા તારા સુતરિયાને રાજીવ કપૂરના નિધનના સમાચાર મળ્યા એટલે તે પણ તરત જ ચેમ્બુર આવી ગઈ હતી. તેણે પણ પરિવારને આ મુશ્કેલ ઘડીમાં સધિયારો આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે આલિયા ભટ્ટના પિતા મહેશ ભટ્ટ ગુજરાતી છે. મહેશ ભટ્ટના પિતા નાનાભાઈ ગુજરાતી હતી. એ રીતે આલિયામાં પણ ગુજરાતી લોહી છે. તો સામે તારા સુતરિયા પારસી છે. એટલે તે પણ ગુજરાતી છે. આ રીતે એમ કહી શકાય કે ગુજરાતી દીકરીઓમાં એ સંસ્કાર હોય છે કે પરિવાર પર મુશ્કેલી આવે તો સાંત્વના આપવા તરત જ પહોંચી જાય છે.