અંબાજી નજીક ચામુંડા મંદિર પાસે સફાઈ કરતાં પ્રાચીન જૈન મૂર્તિઓનો નિકળી પછી…..

અંબાજી નજીક શુક્રવારે સાંજે વસી ગ્રામ પંચાયતના દીવડી ગામની સીમમાં ચામુંડા માતાજીના પોરાણિક મંદિર નજીકથી પાશ્વનાથ ભગવાનની પ્રાચિન મૂર્તિઓ મળી આવી હતી. આ મૂર્તિઓ પર સંવત 1254 અને સાંસ્કૃતિક ભાષાના શ્લોકનો ઉલ્લેખ કરાયો જોવા મળ્યો હતો. આથી આ મૂર્તિઓ ૧૨મી સદીની હોવાનું માનવામાં આવી રહ્યું છે.

અંબાજી નજીક શુક્રવારે સાંજે વસી ગ્રામ પંચાયત ના દીવડી ગામની સીમમાં ચામુંડાજી માતાજી નું પૌરાણિક મંદિર આવેલું છે . 1985માં પંચાયતના રેકર્ડ મુજબ સર્વે નંબર 137 વાળી જમીન સીટ નંબર 3 નોંધ નંબર 105 થી ચામુંડા મંદિરના નામે આ જમીન સાર્વજનિક હિત માટે ફાળવવામાં આવી હતી. ઘણા સમયથી જમીન પડી રહેલ હોવાથી જમીનમાં ગાંડા બાવળનું સામ્રાજ્ય થઈ ગયું હતું. જેના કારણે મંદિરે દર્શનાર્થે આવતા યાત્રિકોને પણ અગવડતાનો સામનો કરવો પડતો હતો.

આ ઉપરાંત ગામ લોકો તેમજ દર્શનાર્થે આવતા યાત્રાળુ ભેગા મળી આ જમીનને સમતળ કરી માતાજીના મંદિર સુધી સરળતાથી જઇ શકાય એ હેતુથી સફાઈ કામ કરતા હતા. જેમાંથી સફાઈ કામ કરતા એકાએક પૌરાણિક મૂર્તિઓના અવશેષ દેખાયા જેને બહાર કાઢતા આ બે મૂર્તિઓ જૈન ધર્મના પાશ્વનાથ ભગવાનની જાણવા મળતાં ગામ લોકો દ્વારા તાત્કાલિક મામલતદાર કચેરી જાણ કરવામાં આવી હતી. જેથી અધિકારી સ્થળ ઉપર દોડી આવી પંચનામુ કરી મૂર્તિઓને ગ્રામપંચાયત વસી મુકામે મૂકવામાં આવી હતી.

આ સર્વે નંબર 137માં પુરાતત્વ ખાતા દ્વારા ખોદકામ કરવામાં આવે તો પૌરાણિક ચીજ વસ્તુઓ મળી આવે તેવું સ્થાનિક પ્રજાનું માનવું છે. તેમજ સર્વે નંબર 137 માં જેટલા દબાણો કરેલા છે એ પણ ખુલ્લા થાય એવી ગ્રામજનોની માંગ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ મંદિરની જગ્યા વધુ છે. પરંતુ કેટલાક વ્યક્તિઓ દ્વારા તેની કેટલીક જગ્યા પર કબજો કરી દિધો હોવાનું પણ લોકોમાં ચર્ચાઇ રહ્યુ છે. તો આ બાબતે પણ તપાસ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે.