અમિતાભ બચ્ચને ફિલ્મ ‘શહેનશાહ’માં પહેરેલુ ખાસ જેકેટ આ શખ્સને ગિફ્ટમાં આપ્યુ

શહેનશાહ અમિતાભ બચ્ચનના કરિયરની યાદગાર ફિલ્મોમાં સામેલ છે. આ ફિલ્મમાં તેમણે એક ખાસ પ્રકારનું જેકેટ પહેર્યુ હતુ, જેની એક બાજુ સ્ટીલના તારોથી બનેલી હતી. આ જેકેટ આજે પણ અમિતાભ બચ્ચનના ચાહકોના મનમાં વસેલુ છે.

પરંતુ એક ચાહક એવો છે જે હવે આ જેકેટને નજીકથી જોઈ શકશે અને પોતાની પાસે અમૂલ્ય યાદ તરીકે રાખી શકશે, કારણ કે બિગ બી એ આ જેકેટ પોતાના આ ચાહકને ગિફ્ટ કરી દીધુ છે. આનો ખુલાસો તેમણે સોશિયલ મીડિયામાં પોતે જ કર્યો છે.

તુર્કી અલલશિખ નામના ટ્વીટર એકાઉન્ટથી અમિતાભ બચ્ચનની ફિલ્મ શહેનશાહના ફોટો સાથે લખેલુ હતુ કે દુનિયાના શ્રેષ્ઠ અને દિગ્ગજ કલાકારોમાં સામેલ તમે માત્ર ભારત નહીં પરંતુ સમગ્ર દુનિયા માટે એક સન્માનની વાત છો. તમે જે ભેટ મોકલી છે તે માટે ખૂબ આભાર. આ મારા માટે ખૂબ મહત્વનું છે.

બિગ બી એ આ થેન્ક્યુ નોટને રીટ્વીટ કરતા લખ્યુ- મારા વ્હાલા અને સૌથી વિચારશીલ મિત્ર, આ મારા માટે ખૂબ સન્માનની વાત છે કે તમને સ્ટીલ આર્મ વાળી જેકેટની ભેટ મળી ગઈ છે, જેને મે પોતાની ફિલ્મ શહેનશાહમાં પહેર્યુ હતુ. કોઈક દિવસ હુ તમને જણાવીશ કે મે આને કેવી રીતે પ્રાપ્ત કર્યુ હતુ. તમને મારા તરફથી પ્રેમ!

શહેનશાહ ફિલ્મે અમિતાભ બચ્ચનનો ખરાબ સમય પલટી દીધો

ફિલ્મ શહેનશાહ 1988માં 12 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ હતી. તેનું નિર્દેશન ટીનુ આનંદે કર્યુ હતુ. ફિલ્મની કહાની ઈંદર રાજ આનંદે લખી હતી અને સ્ક્રીનપ્લે સંતોષ સરોજનું હતુ. આ ફિલ્મની કહાનીનું ક્રેડિટ જયા બચ્ચનને આપવામાં આવ્યુ હતુ. ફિલ્મમાં અમિતાભ બચ્ચનની સાથે મીનાક્ષી શેષાદ્રિ, પ્રાણ, કાદર ખાન અને અમરીશ પુરીએ મહત્વની ભૂમિકા નિભાવી હતી.

ફિલ્મમાં અમિતાભ બચ્ચને વિજય કુમાર શ્રીવાસ્તવ નામનું પાત્ર નિભાવ્યુ હતુ જે દિવસે લાંચખોર અને ડરપોક પોલીસ અધિકારી હોય છે પરંતુ રાત્રે ગુનેગારોને શોધવા અને તેમને સબક શીખવાડવા રસ્તા પર નીકળે છે. ફિલ્મનું ટાઈટલ ટ્રેક ‘અંધેરી રાતોં મેં…’ ખૂબ લોકપ્રિય થયુ હતુ. બિગ બીનો મોનોલોગ- રિશ્તે મેં તો હમ તુમ્હારે બાપ લગતે હૈં- આજે પણ યાદ કરવામાં આવે છે.

શહેનશાહ એવા સમયે રિલીઝ થઈ હતી જ્યારે સ્ટાર અમિતાભ બચ્ચનની કારકિર્દી ડગમગવા લાગી હતી. તેમનું સ્ટારડમ જોખમમાં પડવા લાગ્યુ હતુ પરંતુ આ ફિલ્મની સફળતાએ બાજી સંપૂર્ણરીતે પલટી દીધી અને અમિતાભ બચ્ચન એક વાર ફરી બોક્સ ઓફિસ પર રાજ કરવા લાગ્યા હતા.