ટીનાને બ્લેક સાડીમાં જોઈ પ્રેમમાં પડ્યા હતા અનિલ અંબાણી, આ રીતે થયા હતા બંનેના લગ્ન

મુંબઈઃ બિઝનેસમેન અનિલ અંબાણી જેટલા જાણીતા પોતાના બિઝનેસ માટે છે તેના કરતા વધુ પોતાની પર્સનલ લાઈફને લીધે ચર્ચામાં રહ્યાં છે. બોલિવૂડ એક્ટ્રેસ ટીના મુનીમ સાથે લગ્ન બાદ તેમના દીકરા જય અનમોલ અને અંશુલનો જન્મ થયો. અનિલ અને ટીના એક ખુશહાલ દાંપત્ય જીવન જીવી રહ્યાં છે. પરંતુ તેમની લવ સ્ટોરીનો પ્રારંભ કેવી રીતે થયો? અનિલના પ્રેમના પ્રસ્તાવને ફગાવ્યા બાદ પણ ટીના મુનિમ કઈ રીતે લગ્ન માટે તૈયાર થયા? તે જાણવા લાયક છે. આ સાથે જ અનિલ અંબાણી કઈ રીતે ટીનાના પ્રેમમાં પડ્યા હતા.

ટીના મુનીમે માત્ર 21 વર્ષની વયે બોલિવૂડમાં એન્ટ્રી કરી. તેમણે 1978માં ફિલ્મ ‘દેશ-પરદેશ’ સાથે પોતાના કરિયરનો પ્રારંભ કર્યો. ટીના તે સમયની સુપરસ્ટાર એક્ટ્રેસ હતી. તેણે પોતાના કરિયરમાં ઘણી સિદ્ધીઓ મેળવી હતી. ટીનાએ ‘લૂંટમાર’, ‘મનપસંદ’, ‘રૉકી’, ‘સૌતન’,‘કર્ઝ’ જેવી સુપરહિટ ફિલ્મ્સમાં કામ કર્યું હતું. તે સમયે જાણીતા બિઝનેસમેન ધીરુભાઈ અંબાણીના દીકરા અનિલ અંબાણી પિતા સાથે તેમના કામમાં સાથ આપતા હતા. આ સમયે તેઓ ઘણી બોલિવૂડ પાર્ટીઝમાં પણ સામેલ થતા હતા.

અનિલ અંબાણીએ ટીનાને પ્રથમવાર એક લગ્નમાં જોઈ હતી. અનિલ અંબાણીએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ટીના લગ્નમાં કાળા રંગની સાડીમાં આવી હતી અને સમયે તેઓ તેની તરફ આકર્ષિત થયા હતા. તે લગ્નમાં અનિલની ટીના સાથે વાત નહોતી થઈ પરંતુ તેઓ ટીનાના પ્રેમમાં જરૂર પડી ગયા હતા.

અમુક સમય બાદ અમેરિકાના ફિલાડેલ્ફિયામાં બંનેની મુલાકાત થઈ. એક મિત્ર થકી ટીના અને અનિલ અંબાણી મળ્યા. ત્યારે અનિલે ટીનાને સાથે ફરવા માટે આમંત્રણ આપ્યું. ટીના એક મોટી સ્ટાર હતી અને તેની પાસે આવા ઘણા પ્રસ્તાવ આવતા રહેતા હતા તેથી તેમણે આ માટે ઈન્કાર કર્યો હતો.

ટીના અનિલ અંબાણીને મળવા નહોતી માગતી પરંતુ ભાગ્યમાં કંઈક અલગ જ લખાયેલું હતું. વર્ષ 1986માં ટીના મુનીમની એક ભત્રીજીએ તેમની મુલાકાત ફરીવાર અનિલ અંબાણી સાથે કરાવી. આ સમયે ટીના અનિલ અંબાણીની સાદગીથી પ્રભાવિત થઈ. જે પછી ટીના અને અનિલ અંબાણીના અફેરની શરૂઆત થઈ.

ટીના અને અનિલે લગ્નનો નિર્ણય કર્યો. તેઓ બંને ગુજરાતી પરિવાર સાથે સંબંધ ધરાવતા હતા. જોકે એક તરફ ટીનાનો પરિવાર મુક્ત વિચારો ધરાવતું જ્યારે અનિલનો પરિવાર થોડો રૂઢિવાદી હતો. તેથી અનિલ અને ટીનાના લગ્ન માટે બંને પરિવારો એટલી સરળતાથી રાજી નહોતા થયા જેટલું લોકો વિચારે છે.

અંબાણી પરિવારે ટીનાને વહુ તરીકે સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો. જે પછી બંને વચ્ચે લગભગ 4 વર્ષ સુધી કોઈ વાતચીત થઈ નહીં. તેઓ નિરાશ અને એકલતા સાથે જીવતા હતા. અમુક વર્ષ બાદ અનિલે પોતાના પરિવારને મનાવી લીધા અને બંનેના લગ્ન માટે તૈયાર થયા. ઘણી મુશ્કેલીઓ છતાં તેમના લગ્ન થઈ ગયા. ટીના મુનીમ અને અનિલ અંબાણીના લગ્ન તે સમયે દેશના સૌથી મોટા લગ્નમાંથી એક હતા. આ લગ્નમાં દેશની ઘણી જાણીતી હસ્તીઓ સામેલ થઈ હતી.