દીકરી લક્ષ્મીની વિદાય ટાણે અનાથઆશ્રમની દિવાલો પણ પ્રેમથી ભીંજાઈ ગઈ

સુરતના કતારગામ ખાતે આવેલા 120 વર્ષ જૂના ‘મહાજન અનાથ બાળાશ્રમ’ને આજે દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું હતું. 120 વર્ષના ઈતિહાતમાં પહેલીવાર અનાથ આશ્રમમાં શરણાઈ વાગી હતી. કારણ કે, 4 વર્ષની ઉંમરે મળી આવેલી લક્ષ્મી આજે વર્ષની થઈ ગઈ છે અને તેના લગ્નનો રૂડો અવસરનું આયોજન કરવામાં આવ્યું હતું. લક્ષ્મીના લગ્ન અનાથ આશ્રમના આંગણે જ કરવામાં આવ્યા હતાં.

લક્ષ્મીના લગ્ન મહેતા પરિવારના પુત્ર સાથે કરવામાં આવ્યાં હતાં. વિધિવત રીતે યોજાયેલા લગ્નમાં ચાર ફેરા ફરનાર લક્ષ્મીનું કન્યાદાન ટ્રસ્ટીઓએ માતા-પિતાની ભૂમિકા નિભાવીને કર્યું હતું. આશ્રમમાં ઉછરી રહેલા અન્ય બાળકો અને સ્ટાફે પિયરીયાની ભૂમિકાની નિભાવી હતી. જ્યારે લક્ષ્મીની વિદાય વખતે અનાથ આશ્રમના લોકોની આંખો ભીની થઈ ગઈ હતી.

લંબે હનુમાન રોડ પરથી કચરાપેટીમાંથી લક્ષ્મી મળી આવી હતી તે સમયે તેની ઉંમર ચાર વર્ષની હતી. ત્યાર બાદ તેને બાળશ્રમમાં લાવવામાં આવી હતી. જ્યાં મળી આવેલી દીકરીને લક્ષ્મી નામ આપવામાં આવ્યું હતું. લક્ષ્મી અહીં જ મોટી થઈ અને અહીં જ ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો હતો. લક્ષ્મી સ્પોર્ટ્સ અને યોગામાં બહુ જ હોશિયાર છે. કરાટેમાં બ્લેક બેલ્ટ સુધી તે પહોંચી છે. લક્ષ્મી 18 વર્ષની થતાં જ તેના આજે ધામધૂમથી લગ્ન કરાવવામાં આવ્યા હતાં. લક્ષ્મીને કોઈ પણ વાતની કમી ન રહે તે માટે ટ્રસ્ટીઓ સંપૂર્ણ તકેદારી રાખી હતી અને તેના લગ્નમાં કન્યાદાન ટ્રસ્ટીઓએ કરીને માતા-પિતાની ભૂમિકા નિભાવી હતી.

લક્ષ્મીના લગ્ન અડાજણના કશ્યપ મહેતા સાથે થયા હતાં. કશ્યપ મેહતા સંગીતના ક્લાસ ચલાવે છે. તેણે ઉચ્ચ અભ્યાસ કર્યો છે. આજે લક્ષ્મી તેના ઘરની ગૃહલક્ષ્મી બની છે. કશ્યપના પિતા મેહુલભાઈ મહેતા સ્પોકન ઈંગ્લીશ ક્લાસ ચલાવે છે જ્યારે તેમના પિતા આ બાળાશ્રમમાં સેવા કરતા હતા. ત્યારે તેઓને લક્ષ્મીને જોઈ હતી. તેના દીકરાના લગ્ન માટે ટ્રસ્ટીઓ અને લક્ષ્મીને વાત કરી હતી ત્યાર બાદ બંનેના મનમેળ મળતાં આજે ભવ્ય લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.

અન્ય પરિવારજનો પોતાના પુત્ર અને પુત્રીના લગ્ન કરાવે છે તેવી જ રીતે લક્ષ્મીના લગ્ન કરાવવામાં આવ્યા હતાં. મહેંદીથી લઈ વિદાય સુધીની તમામ રીત રીવાજ પ્રમાણે તમામ રસમ પૂર્ણ કરવામાં આવી હતી.

બાળાશ્રમના ટ્રસ્ટીઓઓએ લક્ષ્મીને માતા-પિતાની કમી મહેસુસ ન થાય તે માટે પોતાની જ દીકરીની જેમ વિદાય કરી હતી. આ ઉપરાંત કરિયાવરનો પણ તમામ સમાન આપ્યો હતો. લક્ષ્મીના આ અનોખા લગ્ન સમારોહમાં મહેમાનો પણ ઉપસ્થિત રહ્યાં હતાં અને ધામધૂમથી લક્ષ્મીના લગ્ન થયા હતા.