માર્કેટમાંથી પેકિંગવાળી વસ્તુ ખરીદતા પહેલાં આ વાંચી લેજો, નાનકડી માસૂમને હોસ્પિટલમાં થવું પડ્યું એડમિટ

કેનબેરાઃ ઘણા લોકો એવું માને છે ડબ્બામાં પેક થઈને આવતી વસ્તુઓ સુરક્ષિત હોય છે. ખાસ તો ખાવા-પીવા લાયક વસ્તુઓ. તેમાં કોઈ બેક્ટેરિયા કે નુકસાન પહોંચાડનારી વસ્તુ નહીં હોય તેમ લોકોને વિશ્વાસ હોય છે. પરંતુ વાસ્તવિક્તા કંઈક અલગ જ હોય છે. ઓસ્ટ્રેલિયાના નોર્થ ક્વીન્સલેન્ડમાં રહેતી એક મહિલાને ડબ્બામાં પેક રહેલી વસ્તુ પર આંધળો વિશ્વાસ મુકવો ભારે પડ્યો. તેણે પોતાની દીકરી માટે પેક્ડ સ્ટ્રૉબેરી ખરીદી હતી. પરંતુ તેની અંદરથી એવી વસ્તુ નીકળી કે તેણે પોતાની 6 વર્ષીય દીકરીને હોસ્પિટલમાં દાખલ કરવી પડી.

ઓસ્ટ્રેલિયાના નોર્થ ક્વીન્સલેન્ડમાં રહેતી 2 બાળકોની માતા મિશેલે સુપરમાર્કેટથી સ્ટ્રોબેરીનો ડબ્બો ખરીદ્યો હતો. મિશેલે ઘરે આવી સ્ટ્રોબેરીનો બોક્સ પોતાની 6 વર્ષીય દીકરી મેડિસનને ખાવા માટે આપ્યો. બાળકીએ પ્રથમ સ્ટ્રોબેરી ખાધી કે તુરંત જ તેણે પીડાથી બુમો પાડી. મિશેલે તાત્કાલિક દીકરીના મોઢામાં જોયું તો તે પોતે ચોંકી હતી.

બાળકીના મોઢામાં એક પીનનો ટુકડો જોવા મળ્યો હતો. મિશેલે પિન બહાર કાઢી અને તાત્કાલિક દીકરીને હોસ્પિટલ લઈ ગઈ. તેને ડર હતો કે પીનના કારણે ક્યાંક દીકરીને ઈન્ફેક્શન ના થઈ જાય.

ડૉક્ટર્સે મેડિસનને ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરી, તેના ઉપરના હોઠમાં સોજો આવી ગયો હતો. જોકે ડૉક્ટર્સે તેને ઈન્ફેક્શન સંબંધિત ઈન્જેક્શન આપ્યા હતા. મિશેલે જણાવ્યું કે, ‘આ વાત સારી રહી કે દીકરીએ બુમ પાડી અને મારી પાસે આવી. જો હું આ સ્ટ્રોબેરી મારા 3 વર્ષના દીકરાને આપતી તો તે તેને ગળી શકતો હતો.’

મિશેલે આ મામલે સુપરમાર્કેટમાં પણ ફરિયાદ કરી અને તેમણે બાકીના પેક્ડ ડબ્બાઓની તપાસ કરવાનું આશ્વાસન આપતા તેમની માફી માગી હતી. મિશેલની 6 વર્ષીય દીકરીએ જણાવ્યું કે, તેના સ્ટ્રોબેરીના પેકેટમાંથી પિન નીકળવાની ઘટનાથી તે દુઃખી છે. જોકે તેને સ્ટ્રોબેરી ઘણી ગમે છે, તેથી તે તેને ખાવાનું બંધ તો નહીં જ કરે.