પૈસા ખોવાયાનો વોટ્સએપ ગ્રુપમાં એક મેસેજ આવ્યો અને રાજપૂત યુવાને બતાવી દરિયાદિલી

મુસાફરી કે ચાલતા જતી વખતે ઘણાં લોકોની પર્સ, થેલો સહિતનો માસાન પડી જતો હોય છે ત્યારે ભાગ્યેજ કોઈ જે તે મૂળ માલિક ને પરત કરતાં હોય છે તો આવો જ એક કિસ્સો બનાસકાંઠાના સુઈગામે બન્યો છે. સુઈગામના એક વ્યક્તિને દોઢ લાખ રૂપિયા ભરેલું પાકીટ રસ્તામાંથી મળ્યું હતું. ત્યાર બાદ તે વ્યક્તિએ મૂળ માલિકનો સંપર્ક કર્યો અને પ્રામાણિક રીતે પૈસા ભરેલું પાકીટ પરત આપ્યું હતું. આવી પ્રામાણિકતા જોઈને પાકીટ ખોવાઈ ગયેલા વ્યક્તિ પણ અંચબામાં પડી ગયા હતા અને રાજી રાજી થઈ ગયા હતાં.

સુઈગામમાં એક વ્યક્તિને દોઢ લાખ ભરેલું પાકીટ રસ્તામાં મળતાં મુળ માલિકનો સંપર્ક કરી તેને પરત કરી પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું હતું. સુઈગામના જૈન મહાજન મંગળદાસ મહેતાની પેઢીમાં વર્ષોથી મહેતા તરીકે નોકરી કરતા મનસુખભાઈ માળી ઘરેથી દેવદર્શન કર્યા બાદ પેઢીએ જવા નીકળ્યા હતા. તે સમયે દોઢ લાખ જેટલી રકમનું પાકીટ રસ્તામાં પડી ગયું હતું. રસ્તામાં પાકીટ પડી જતાં તેઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા અને ગભરાઈ ગયા હતાં. પેઢીને હિસાબ તેની પાસે હતો એટલે આટલી મોટી રકમ તેમની પાસે હતી.

દોઢ લાખ રૂપિયા ભરેલું પાકીટ ખોવાયો અંગે ગામના રાજપૂત વોટ્સએપ ગ્રુપમાં કોઈએ મેસેજ કર્યો હતો ત્યાર બાદ ગ્રુપમાં રહેલા સુઈગામના ધનાભાઈ વિસાજી રાજપૂતે દુકાનના મહેતા મનસુખભાઇ માળીનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે દૂધ ડેરીથી રાજેશ્વર દાદાના મંદિર વચ્ચે ક્યાંક પાકીટ પડી ગયું હતું. જે પાકિટમાં રૂપિયા 1,52,000 હતા. તેમણે બતાવેલ રકમ અને નિશાની પ્રમાણે ધનાભાઈ રાજપૂતને મળેલ પાકીટ મનસુખભાઈને બતાવતાં તેઓએ ખોવાયેલા એ જ પાકીટ હોવાનું જણાવ્યું હતું.

પાકીટ ખોલી તેમાંથી રકમ ગણી પુરા પૈસા હોઈ ધનાભાઈ રાજપુતે મનસુખભાઈનેએ પૈસાનું પાકીટ પરત સોંપ્યું હતું. આટલી મોટી રકમ હેમખેમ પરત મળતાં મનસુખભાઈ ખુશખુશાલ થઈ ગયા હતા અને તેમણે બતાવેલ પ્રામાણિકતા બદલ તેમને સાલ ઓઢાડી સન્માન કરી અભિનંદન આપ્યા હતા.