વહુઓએ લાડલા સાસુમાનું મંદિર બનાવડાવ્યું, રોજ શણગાર સજાવી કરે છે પૂજા-આરતી

સાસુ-વહુ વચ્ચે સામાન્ય રીતે ઝગડાની વાતો તમે સાંભળી હશે, પણ ક્યારેય સાંભળ્યું છે કે સાસુના નિધન પછી તેમની વહુઓ મૂર્તિ બનાવી તેમની રોજ પૂજા કરે છે. પણ હા આ હકીકત છે. આ અનોખા પરિવારની કહાની વાંચીને તમને વિશ્વાસ નહીં થાય કે આજના યુગમાં પણ સાસુ-વહુ  વચ્ચે આવો પ્રેમ હોય ખરો.

આ કહાની છત્તીસગઢના વિલાસપુર જિલ્લામાં રહેતા એક પરિવારની છે. આ પરિવારની વહુઓ પોતાની સાસુમાને એટલો બધો પ્રેમ કરે છે કે તેમના અવસાન બાદ મંદિરમાં તેમની મૂર્તિ રાખી ભગવાનની જેમ રોજ પૂજા-આરતી કરે છે. એટલું જ નહીં મહિનામાં એક વખત મૂર્તિ સામે ભજન-કીર્તન પણ કરવામાં આવે છે.

વિલાસપુરથી 25 કિલોમિટર દૂર રતનપુર ગામમાં રહેતા તંબોલી પરિવારની વહુઓએ સાસુમાનું મંદિર બનાવડાવ્યું છે. 77 વર્ષના રિયાયર્ડ શિક્ષક
શિવપ્રસાદ તંબોલીનો આ પરિવાર અન્ય લોકો માટે મિસાલ બન્યો છે.

આ સંયુક્ત પરિવારમાં કુલ 39 સભ્યો છે અને કુલ 11 વહુઓ પ્રેમથી હળીમળીને એક સાથે રહે છે. આ વહુઓના સાસુમા ગીતાદેવીનું 2010માં નિધન થયું હતું, ત્યાર પછી વહુઓને ખૂબ દુ:ખ પહોંચ્યું હતું. તેમની સાસુ વહુઓને ખૂબ પ્રેમ કરતી હતી અને તેમને દરેક પ્રકારની છૂટ આપી રાખી હતી. જ્યારે વહુઓને તેમના ગયા પછી તેમની યાદ આવવા લાગી તો તેમણે મંદિર બનાવી પૂજા કરવાનું વિચાર કર્યો.

વહુઓને એકતાનો પાઠ શીખવનાર ગીતાદેવીના ગયા બાદ તેમની વહુઓએ આ વાતને સારી રીતે યાદ રાખી છે. એટલું જ નહીં તેમના સન્માન તેમની મૂર્તિ બનાવી પૂજા કરવા લગ્યા છે. વહુઓએ સાસુમાંની મૂર્તિને સોનાના ઘરેણાથી શ્રૃંગાર પણ કર્યો છે.

ગીતાદેવીને 3 વહુઓ અને ઘણી દેરાણીઓ હતી. જે તમામ કહે છે કે ગીતાદેવી તેમને વહુ કે દેરાણીની જેમ નહીં પણ બહેનની જેમ પ્રેમ કરતા હતા. દરેક કામ વહુ અને દેરાણીઓની સલાહ લઈને જ કરતા હતા. બધાને હળમળીને રહેવાની સલાહ આપતા હતા. શિવપ્રસાદ પોતાના ભાઈઓમાં સૌથી મોટા હતા અને તે પોતે પણ નાનાભાઈઓ અને પરિવારનું ખૂબ ધ્યાન રાખતા હતા.

તંબોલી પરિવાર ખૂબ ભણ્યો-ગણ્યો છે અને બધા પોસ્ટ ગ્રેજ્યુએટ છે. ઘરના પુરુષો બિઝનેસમાં મદદ કરે છે અને હિસાબ-કિતાબ સંભાળે છે. શિવપ્રસાદ શિક્ષક પદથી રિટાયર થયા બાદ પોતાની દુકાન ચલાવે છે.

આ પરિવાર પાસે હોટેલ, કરિણાયાની દુકાન, પાનની દુકાન અને સાબુ બનાવવાની ફેક્ટરી છે. તેમની પાસે અંદાજે 50 એકર જમીન છે, જેના પર આખો પરિવાર મળીને ખેતી કરે છે. તંબોલી પરિવારના તમામ સભ્ય માટે રસોઈ એક જ રસોડે બને છે, જ્યાં બધી વહુઓ હળીમળીને કામ કરે છે.