ખુશીઓ આંસુમાં ફેરવાઈ, ગંભીર અકસ્માતમાં બે ભાઈના મોતથી પરિવાર પર આભ ફાટ્યું

જબલપુરઃ મધ્યપ્રદેશના સિહોર જિલ્લા નેશનલ હાઈવે 30 પર રાત્રે એક ભીષણ અકસ્માત સર્જાયો હતો. મોડી રાત્રે બે વાગે પૂરપાટે આવતી સ્કોર્પિયો ફ્લાયઓવરનું રેલિંગ તોડીને 35 ફૂટ નીચે પડી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે વાહનના ભૂક્કા બોલી ગયા હતા. વાહનમાં ત્રણ મિત્રો હતાં અને ત્રણેયનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. તો અન્ય બે મિત્રો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમાં એક આઉટ ઓફ ડેન્જર છે અને બીજાની હાલત નાજુક છે.

રાત્રે 12.30 વાગે નીકળ્યા હતાઃ પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે, વોર્ડ નંબર 6માં રહેતા રૂપસિંહ ઠાકુરની પૌત્રના ત્યાં બાળકીનો જન્મ થતાં પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે આસપાસના લોકો તથા પરિવારના સભ્યો ભેગા થયા હતા. રૂપસિંહનો મોટો દીકરો શેખર (30), આ જ વોર્ડમાં રહેતો પિતરાઈ ભાઈ અખિલેશ ઠાકુર (18), લટૂઆ લખનપુરનો સની પટેલ (21), બ્રાહ્મણ પુરા વોર્ડ નંબર 8નો સોનુ ગુપ્તા (28) તથા મહાવીર ચોક વોર્ડ નંબર 6નો રિંકુ માલી (25) મોડી રાત્રે અંદાજે 12.30 વાગે સ્કોર્પિયો લઈને મનસકાર ઢાબા પર ચા પીવા ગયા હતા. ત્યાંથી રાત્રે 2 વાગ્યાની આસપાસ ઘરે પરત ફરતા હતા.

ફ્લાયઓવર પર કારે કાબૂ ગુમાવ્યોઃ બાયપાસ નેશનલ હાઈવે 30 ફ્લાયઓવર પર કારચાલકે કાબૂ ગુમાવ્યો હતો. કાર શેખર ચલાવતો હતો. વાહન ફ્લાયઓવરની 25 ફૂટ રેલિંગ તોડીને 35 ફૂટ નીચે પડ્યું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે કારના પતરાં નીકળી ગયા હતા. ત્રણ યુવકો માથાના બળે રસ્તા પર પડ્યા હતા.

શેખર, અખિલેશ તથા સનીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે રિંકુ ઉર્ફએ ભૂરા માલીને પગમાં ફ્રેક્ચર થયું છે. તેને ચહેરા તથા માથામાં ગંભીર ઈજા થઈ છે. સોનુને સામાન્ય ઈજા થઈ છે. તેણે જ અકસ્માતની માહિતી પોલીસને આપી હતી.

ઘરમાં માતમઃ અકસ્માતના સમાચાર મળતા જ ઘરમાં ગમગીની છવાઈ ગઈ હતી. જે ઘરમાં થોડીવાર પહેલાં ખુશીઓ હતી ત્યાં હવે રોકકળ ચાલુ થઈ ગઈ છે. પરિવારને વિશ્વાસ નથી થતો કે તેમના સંતાનો હવે આ દુનિયામાં નથી. શેખર પ્રોપર્ટીનું કામ કરતો હતો અને તેને બે બાળકો છે. નાના ભાઈ જય સિંહને ત્યાં બે મહિના પહેલા જ દીકરી જન્મી છે અને તેનો જ પ્રોગ્રામ હતો.

શેખરનો પરિવાર પહેલાં બાયપાસ પર જ રહેતો હતો. છ મહિના પહેલાં જ પરિવાર વોર્ડ નંબર 6માં શિફ્ટ થયો હતો. અખિલેશ ઠાકુર અત્યારે બીકોમનો અભ્યાસ કરે છે. સની પટેલ પિતાની સાથે ખેતી કરતો હતો. શેખર તથા અખિલેશનો અંતિમ સંસ્કાર એક સાથે કરવામાં આવ્યા હતા.