ગમે તે દુકાનેથી આભૂષણો ખરીદતા પહેલાં ધ્યાન રાખો, દાનમાં આવેલામાંથી મોટાભાગના ખોટા નીકળ્યા

અંબાજી : યાત્રાધામ અંબાજીમાં ચાલુ વર્ષે ભાદરવીપૂનમનો મેળો બંધ રખાતા અંબાજી મંદિર ટ્રસ્ટને દાનની રકમમાં મોટી ખોટ પડી છે. દરવર્ષે 7 દિવસના મેળા દરમિયાન 25 થી 30 લાખ શ્રદ્ધાળુઓ અંબાજી મંદિરે આવતા હોય છે, પરંતુ, ચાલુ વર્ષે કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈ મેળો બંધ રખાયો હતો, પણ બાધા આખડી પુરી કરનારા શ્રદ્ધાળુઓ માટે મંદિર ખુલ્લું રાખવામાં આવ્યું હતુ.

15 સપ્ટેમ્બરથી ભાદરવીપૂનમ 20 સપ્ટેમ્બર સુધી 5 થી 6 લાખ જેટલા જ યાત્રિકો અંબાજી આવ્યા હતા. યાત્રિકો દ્વારા માતાજીના ભંડારમાં છૂટક દાન ભેટ નાખવામાં આવે છે તેની ગણતરી હાથ ધરવામાં આવી છે. CCTV કેમેરાની નિગરાનીમાં ને સુરક્ષાકર્મીની ઉપસ્થતિમાં 80 જેટલા કાર્મીચારીઓ દ્વારા આ ભંડારાની ગણતરી હાથ ધરવામાં આવી હતી.

જોકે ગત મેળા ની આવક કરતા ચાલુ વર્ષે આવકમાં 50 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. ગત ભાદરવીપૂનમના મેળામાં દાનભેટની આવક 1.56 કરોડ થઈ હતી, તેની સામે આજે સંપૂર્ણ ભાદરવી પૂનમની છ દિવસના ભંડારાની ગણતરીના અંતે 72.54 લાખ રૂપિયાની આવક થઈ છે, જે જોતા મંદિર ટ્રસ્ટને દાનભેટની આવકમાં 50 ટકાનો ઘટાડો નોધાયો છે.

જોકે અંબાજી મંદિર માં જેમ લોકો બાધા માનતા પુરી કરે છે ત્યારે માતાજીને ચાંદીથી બનેલા છત્તર, ત્રિશુલ, નાના ઘર જેવા અનેક આભૂષણો માતાજીને ધરાવી પોતાની માનતા પૂર્ણ કરતા હોય છે પણ મંદિરમાં મોટી સંખ્યામાં આવેલા આવા ચાંદીના આભૂષણોમાં 90 ટકા જેટલા આભૂષણો ખોટા જોવા મળ્યા છે, જેને લઈ મંદિર ટ્રસ્ટ એ પણ ચિંતા વ્યક્ત કરી છે ને આવા આભૂષણોમાં છેતરાતા યાત્રિકોને ખરાઈ કરવા અપીલ કરવામાં આવી છે.

એક તરફ ચાંદીના ભાવના ખોટા આભૂષણ ખરીદી માતાજીને અર્પણ કરે છે, જેનાથી મંદિરને પણ મોટી ખોટનો સામનો કરવો પડે છે, જેથી યાત્રિકો આવા આભૂષણો કોઈ પણ દુકાનથી ન ખરીદી ચોકસાઈ વાળી દુકાનેથી ખરીદવા જોઈએ. એટલુ જ નહીં, મંદિરમાં લાખો રૂપિયાની પરચુરણ પણ એકત્રિત થઈ જતા પરચુરણની જરૂરિયાત વાળા લોકોને મંદિરનો સંપર્ક કરવા જણાવાયું છે.

જરૂરિયાતવાળા લોકોને ઘર બેઠા પરચૂરણ પહોંચાડાશે – હિસાબી અધિકારી, મંદિર ટ્રસ્ટ અંબાજી સવજીભાઈ પ્રજાપતિએ જણાવ્યું છે કે, અંબાજી મંદિરમાં હાલ 60 થી 70 લાખ રૂપિયાનો ભરાવો થયો છે ને હવે મંદિર ટ્રસ્ટે પરચુરણની જરૂરીયાત વાળા લોકોને ઘર બેઠા પહોંચાડવાની પણ વ્યવસ્થા કરી છે.