ગુજરાતી ઠગે ફેક આઈડી બનાવ્યા, મોટી વાતોથી યુવતીને ફોસલાવી, નકલી માતા-પિતા પણ રાખ્યા

વિશ્વમાં લોકો હવે ઓનલાઈન કામ તરફ વળ્યાં છે ત્યારે યુવતીઓ પણ હવે પોતાના જીવનસાથીને શોધવા ઓનલાઈનનો ઉપયોગ કરી રહી છે. પરંતુ ધીમે ધીમે મેટ્રોમોનિયલ સાઈટની ડિમાન્ડ વધતાં ઘણીવાર યુવતીઓને ફસાવસામાં આવી રહી છે. યુવતીઓને ફસાવવા માટે યુવકો ફેક પ્રોફાઈલ મુકતા હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક યુવકે દેશમાં એક બે નહીં પણ 50 યુવતીઓને ફસાવી હતી અને યુવતીઓની સાથે આર્થિક ત્યાર બાદ શારીરિક ઉપયોગ કરીને તે ફરાર થઈ જતો હતો. ત્યારે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે તેને પકડીને તેની સામે કાર્યવાહી કરી છે. આ ભેજાબાજ પાસેથી એવા-એવા સર્ટિફિકેટ મળ્યાં હતાં કે જે જોઈને તો પોલીસ પણ ચોંકી ગઈ હતી. આ ભેજાબાજ યુવક પાસે ગુગલના એચઆર મેનેજરની સાથે આઈઆઈએમ સહિતના ફેક સર્ટિફિકેટ મળ્યાં હતાં.

અમદાવાદ સાયબર ક્રાઈમ સેલને માહિતી મળી હતી કે, અમદાવાદની 28 વર્ષીય યુવતીએ મેટ્રિમોનિયલ સાઈટ પર એક યુવકની પ્રોફાઈલ ચેક કરી હતી અને યુવકે પોતે ગૂગલ કંપનીમાં એચઆર મેનેજર છે અને વાર્ષિક 40 લાખનું પેકેજ છે. આ જોઈને યુવતી તે પ્રોફાઈલમાં ફસાઈ ગઈ હતી ત્યાર બાદ તેના સંપર્કમાં કર્યો હતો. યુવકે પોતાની મોડસ ઓપરેન્ડીના આધારે તેની સાથે મોટી મોટી વાતો કરી હતી. આ સાંભળીને યુવતી તેના કારસામાં ફસાઈ ગઈ હતી.

ત્યાર બાદ યુવકે તે યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતાં અને તેના રૂપિયા લઈને તે યુવક ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટનાનો શિકાર બન્યા બાદ યુવતીએ પોલીસને આ વાતની જાણ કરીને પોતાના વતનમાં જતી રહી હતી. પરંતુ સાયબર ક્રાઈમ સેલના પીઆઈએ આ સમગ્ર રેકેટને જાણવા માટે સપ્ટેમ્બર મહિનાથી આ ભેજાબાજ યુવકની શોધ કરતી હતી પરંતુ તે રોજ અલગ-અલગ સિમકાર્ડ બદલતો હતો. આખરે આ શખસની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી જેના આધારે પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.

ચોંકાવનારી વાત એવી છે કે, પોલીસ યુવકની પૂછપરછ કરી રહી હતી ત્યારે પણ છેલ્લી ઘડી સુધી તે યુવકે પોલીસને પણ પોતાનું ખોટું નામ કહેતો રહ્યો પરતું ડોક્યુમેન્ટના આધારે આ યુવકનું નામ સંદીપ શંભુનાથ મિશ્રા હોવાનું જાણવા મળ્યું હતું. સંદીપની તપાસ દરમિયાન અનેક વાતો સામે આવી હતી.

આ અંગે સાઇબર ક્રાઇમના ડીસીપી અમિત વસાવાએ જણાવ્યું હતું કે, સંદીપ પોતે 10 ધોરણ પાસ છે અને અત્યાર સુધીમાં 50 જેટલી યુવતીઓને વાતો કરીને તેમનું શારીરિક શોષણ કર્યું છે અને તેમની પાસેથી લાખો રૂપિયા પડાવ્યા છે. અન્ય રાજ્યોમાં ભોગ બનેલી યુવતીઓનો અમે સંપર્ક કરી રહ્યા છે પરંતુ તેઓ ખૂલીને સામે આવતી નથી.