દ્વારકામાં બોલેરો અને એક્ટિવા વચ્ચે સર્જાયો અકસ્માત, ઘટનાસ્થળે પતિ-પત્નીનું થયું મોત

રવિવારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બોલેરો-એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘટનાસ્થળે પતિ અન પત્નીનું મોત નિપજ્યું હતું જ્યારે પુત્રને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ એક્ટિવાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માત બાદ નજીક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં જ્યાં જોઈને જોયું તો પતિ-પત્નીનું મોત થયું હતું. માતા-પિતાનું મોત થતાં જાહેર રોડ પર પુત્રનું હૈયાફાટ રૂદન જોવા મળ્યું હતું.

રવિવારે જિલ્લાના જામખંભાળિયા-ભાણવડ રોડ પર માંઝા ગામ નજીક બોલેરો અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પીકઅપ ડાલાએ એક્ટિવાને જોરથી ટક્કર મારી હતી જેના કારણે એક્ટિવા પર સવાર પતિ-પત્ની અને પુત્ર ફંગોળાઈ ગયા હતાં અને એક્ટિવાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

ફંગોળાઈને પટકાયેલા પતિ-પત્નીને સારવાર માટે લઈ જવામાં આવે તે પહેલાં જ મોત નિપજ્યું હતું. અકસ્માતમાં માતા-પિતાનું મોતને નરી આંખે જોનાર પુત્રની દુનિયા લૂંટાઈ ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતાં. માતા-પિતાના મૃતદેહ પાસે બેસીને પુત્ર ધ્રુસકે-ધ્રુસકે રડી રહ્યો હતો.

આ અકસ્માતમાં મૃતક કેતન પરમાર અને જ્યોતિ પરમાર મૃત્યુ પામ્યા છે. આ ઘટના બાદ સ્થાનિકોએ આવી અને 108ને જાણ કરી હતી પરંતુ એમ્બ્યુલન્સ આવે તે પહેલાં પતિ-પત્નીનું અવસાન થયું હતું. ઈજાગ્રસ્ત બાળકનો સદ્દનસીબે જીવ બચી ગયો હતો. આ અકસ્માત બાદ હસતો-રમતો પરિવારનો માળો વિખાંઈ ગયો હતો.