પતિએ પહેલા બાથરૂમમાં પડ્યાનું કહ્યું, પછી ફાંસાની વાર્તા ઘડી અને છેવટે પત્નીની હત્યા કબૂલી

બોરસદમાં ઠક્કર ખમણ હાઉસ તરીકે પ્રતિષ્ઠિત ઠક્કર પરિવારની પુત્રવધુ રોક્ષા ઉર્ફે નીશાની પતિ અમિતે જ ગળું દબાવી હત્યા કરી હોવાનું ખૂલતાં જ બોરસદ ગ્રામ્ય પોલીસે સમગ્ર મામલે પતિ સહિત સાત સાસરીયાઓ સામે હત્યાનો ગુનો નોંધી અટકાયત કરી હતી.

જોકે, સૌથી રસપ્રદ બાબત તો એ છે કે, સમગ્ર બનાવમાં પોલીસને પ્રથમ દિવસે બાથરૂમમાં પડી જવાથી મોત નીપજ્યું હોવાનું જણાવી ગેરમાર્ગે દોરી હતી. એ પછી પોલીસ સમક્ષ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની થિયરી રજૂ કરી હતી. પરંતુ પોલીસ દ્વારા પતિ અમિતની સઘન પૂછપરછ કરતાં તેણે જ મંગળવારે સવારે આઠથી નવ વાગ્યાની આસપાસ ગળું દબાવી હત્યા કરી નાંખી હોવાની કબુલાત કરી હતી.

સુરતના લસકાણા ખાતે રહેતા અને માર્કેટીંગનો વ્યવસાય કરતાં ધવલભાઈ બટુકભાઈ ગંગદેવ (લોહાણા)ના 35 વર્ષીય બહેન રોક્ષાબેન ઉર્ફે નીશાના લગ્ન પંદરેક વર્ષ પહેલા સાવરકુંડલાના રહેવાસી અમિત પ્રવિણ ઠક્કર સાથે થયાં હતાં. અમિત ઠક્કર બોરસદ ખાતે ખમણનો વેપાર ધંધો કરતા હતો અને વહેરા લેગ્સી ગાર્ડન સોસાયટીમાં સંયુક્ત પરિવારમાં રહેતો હતો. તેમણે બોરસદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેની બહેનને અવાર-નવાર તેના સાસરીયાઓ દ્વારા જમવાનું બનાવતા નથી આવડતું તેમ કહી શારીરિક-માનસિક ત્રાસ આપવામાં આવાતો હતો.

અવાર-નવારના ત્રાસથી કંટાળી તેણી તેના પિયર જતાં રહેતાં હતાં. પરંતુ તેને સમજાવી તેઓ પરત સાસરીમાં મોકલી આપતાં હતા. દરમિયાન, ગત 18મી જાન્યુઆરીએ સવારે દસેક વાગે ધવલભાઈને તેમની બહેનનું બાથરૂમમાં પડી જતાં મોત નીપજ્યું હોવાનું જણાવ્યું હતું. જેને પગલે તેઓ તાબડતોડ આણંદ આવી પહોંચ્યા હતા અને તેમણે બહેનના મોત સંદર્ભે શંકા વ્યક્ત કરી હતી. મૃતક બહેનનું પેનલ પીએમ કરવામાં આવયતાં તેનું ગળું દબાવવાથી મોત નીપજ્યું હોવાનું ખૂલ્યું હતું.

આ મામલે પોલીસ દ્વારા પતિ અમિતની પૂછપરછ કરવામાં આવીત હતી. જેમાં તેણે દુપટ્ટાથી ગળેફાંસો ખાધો હોવાની ખોટી માહિતી આપી પોલીસને ગેરમાર્ગે દોરી હતી. પરંતુ પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરતાં તે ભાંગી પડ્યો હતો અને આખરે તેણે જ મંગળવારે સવારે તેણીનું ગળું દબાવી હત્યા કરી હોવાની કબુલાત કરી હતી.

આખરે, પોલીસે ઘટનાના ચાર દિવસ બાદ પતિ અમિત પ્રવિણ ઠક્કર, સસરા પ્રવિણ મગનલાલ ઠક્કર, ગીતા ઠક્કર, વિજય મગન ઠક્કર, ચંદન વિજય ઠક્કર, મનોજ વિજય ઠક્કર, ભક્તિ ઉર્ફે પુંજા મનોજ ઠક્કર સામે હત્યાનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

ગત 18મી તારીખે સમગ્ર ઝઘડો કઈ બાબતનો હતો તે બાબતે પૂછતાં પીએસઆઈ એમ.વી. ચૌધરી સમક્ષ કબુલાત કરતાં આરોપી અમિતે જણાવ્યું હતું કે, તેના ભાઈએ પાંચેક વર્ષ અગાઉ હાથ ઉછીના પૈસા લીધા હતા. જોકે, પૈસા પરત લેવા બાબતે તેમની વચ્ચે ઝઘડો થયો હતો અને ઘટના બની હતી. જોકે, મૃતકના ભાઈએ પૈસા લીધા હોવાનો ઈન્કાર કર્યો હતો. આમ, સમગ્ર ઘટનામાં ઝઘડો કઈ બાબતને લઈને હતો તેને લઈને પણ રહસ્ય સર્જાયું છે. જોકે, ક્યાંક આરોપી દહેજની અવાર-નવારની માંગણીને છુપાવવા પોલીસને ગેરમાર્ગે તો નથી દોરી રહી ને તે બાબતને લઈને પણ તર્ક વિતર્ક સર્જાયા છે.