પરિવારની નજર સામે 15 વર્ષની દીકરી જીવતી ભુંજાઈ ગઈ… જુઓ કંપારી છૂટાવી દેતી તસવીરો

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં ગિરધરનગર સર્કલ પાસે ઓર્ચિડ ગ્રીન ફ્લેટમાં સાતમા માળે આવેલા મકાનમાં આગ લાગી હતી. મકાનમાં લાગેલી આગને પગલે એમ્બ્યુલન્સ સહિત ફાયરબ્રિગેડની 15 ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી. ઘરમાં રહેલા પાંચ સભ્યમાંથી ચાર લોકોને બહાર નીકળવામાં સફળતા મળી હતી, જ્યારે એક તરુણી અંદર ફસાઈ ગઈ હતી. એ બાદ ફસાયેલી 15 વર્ષીય તરુણીને ફાયરબ્રિગેડની ટીમે જીવિત હાલતમાં બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી હતી, જ્યાં તેનું ગંભીર રીતે દાઝી જવાથી મોત નીપજ્યું હતું.

મળતી માહિતી મુજબ, આજે સવારે 7:28 વાગ્યે અમદાવાદ ફાયરબ્રિગેડને કોલ મળ્યો હતો કે શાહીબાગ ગિરધરનગર સર્કલ પાસે આવેલા ઓર્ચિડ ગ્રીન ફ્લેટમાં સાતમા માળે મકાનમાં આગ લાગી છે. ફાયરબ્રિગેડનાં રેસ્ક્યૂ વાહનો અને એમ્બ્યુલન્સ સાથે 15 ગાડી રવાના કરવામાં આવી હતી.

ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને રેસ્ક્યૂબિકલ સાથે તેમણે પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાના પ્રયત્ન શરૂ કર્યા હતા. ઘરમાં રહેલા પરિવારના પાંચમાંથી ચાર સભ્ય બહાર નીકળી ગયા હતા, પરંતુ એક રૂમમાં 15 વર્ષીય પ્રાંજલ ઉર્ફે પ્રાચી નામની તરુણી આગમાં ફસાઈ ગઈ હતી, જેથી ફાયરબ્રિગેડના જવાનોએ તેને બચાવવા માટેની કવાયત શરૂ કરી હતી.

ફાયરબ્રિગેડના જવાનો આઠમા માળે પહોંચ્યા હતા અને ત્યાંથી દોરડું બાંધીને ફાયરબ્રિગેડના બે જવાનો દોરડા વડે સાતમા માળે આગ લાગી હતી એ મકાનમાં પહોંચ્યા હતા. ત્યાંથી દરવાજો તોડીને ચાલુ આગમાં રહેલી પ્રાંજલ નામની તરુણીને બહાર કાઢી હતી.

આગને કારણે દાઝી ગયેલી તરુણીને બચાવી ફાયરબ્રિગેડે સારવાર માટે હોસ્પિટલમાં પહોંચાડી હતી. એ દરમિયાન ગંભીર રીતે દાઝી ગયેલી તરુણીનું મોત નીપજ્યું હતું. આગ કયા કારણસર લાગી એ હજુ સુધી જાણવા મળ્યું નથી.