ઉભેલી બસ અચાનક સરકવા લાગી, દુકાનમાં ઘુસી જતાં ફેલાઈ અફરાતફરી, જુઓ તસવીરો

બનાસકાંઠાના ડીસા બસ સ્ટેન્ડ પર એવો વિચિત્ર અકસ્માત સર્જાયો કે જેના કારણે અનેક લોકોના જીવ જોખમમાં મુકાઈ ગયા. એક પાર્ક કરેલી એસટી બસ ન્યૂટલ હાલતમાં હતી અને કોઈ કારણસર તે સરકવા લાગી. બસ ગગડીને એક દુકાનમાં ઘુસી ગઇ. જેના કારણે અફરાતફરી મચી ગઈ. દુકાનમાં બેઠેલા ગ્રાહકોના જીવ તાળવે ચોંટી ગયા. એટલું જ નહીં, દુકાનના શેડ અને આગળ પડેલા એક સ્કૂટરને નુકશાન થયું હતું. જેમાં દુકાનના માલિકને આશરે એક લાખ રૂપિયાનું નુકસાન થયું.

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠાના ડીસા બસ સ્ટેશનમાં બસ ચાલકની ગંભીર બેદરકારીના કારણે રવિવારે વહેલી સવારે વિચિત્ર અકસ્માત સર્જાયો છે. જેમાં બસ સ્ટેન્ડની અંદર સાબરકાંઠા ડિવિઝનની ડીસા- પ્રાંતિજ બસ ન્યૂટલ હાલતમાં પાર્ક કરેલી હતી. તે સમયે બસ ખાલીખમ હતી.

તે દરમિયાન અચાનક બસ રગડવાની શરૂ થઇ ગઇ. કોઈ બસને અટકાવે તે પહેલા તો બાજુમાં આવેલી દુકાનના શેડમાં ઘુસી ગઈ હતી. અચાનક બસ દુકાનના શેડમાં આવી જતા બેઠેલા ગ્રાહકોમાં દોડભાગ મચી ગઇ હતી. બીજી તરફ બસ ફરી વળતા એક એકટીવા સ્કૂટરનો કચ્ચરઘાણ નીકળી ગયો.

જ્યારે 15 જેટલી ખુરશીઓ અને શેડ પણ તૂટી જતા દુકાન માલિકને આશરે એક લાખ રૂપિયાનું નુકસાન થયું હતું, જો કે આ દુર્ઘટનામાં સદનસીબે જાનહાનિ થઈ નથી કે કોઈને ઈજા પહોંચી નથી.

ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં બસચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે. બસ ન્યૂટલ હાલતમાં મુકતા સમયે યોગ્ય સ્થળે ઉભી ન રાખતા કોઈના ધક્કાથી કે પછી અન્ય કારણસર બસ ચાલવા લાગી. તેના કારણે આ વિચિત્ર ઘટના બની હોવાનું દુકાન માલિકનું કહેવું છે. જો આ બસમાં મુસાફરો બેઠા હોત તો તેઓ ઈજાનો ભોગ પણ બન્યા હોત. તેના પગલે બેકાળજી દાખવનાર બસ ચાલક સામે કઠોર કાર્યવાહી થવી જોઈએ તેવી ચર્ચા બસ સ્ટેન્ડ પરિસરમાં થઈ રહી હતી.