પિતાના મોતને કારણે દીકરાએ ધીકતો બિઝનેસ છોડવો પડ્યો, હવે લીંબુની ખેતી કરીને બની ગયો લાખોપતિ

રાજસ્થાનના ભિલવાડા જિલ્લાનો રહેવાસી અભિષેક જૈન ખેડુતોના પરિવાર સાથે સંબંધ રાખે છે. પિતા ખેતમજૂરી કરતા હતા. અભિષેકનો શરૂઆતનો અભ્યાસ ગામમાં જ થયો હતો. ત્યારબાદ તેણે બીકોમમાં પ્રવેશ મેળવ્યો, કેમ કે તેને પોતાનો વ્યવસાય કરવો હતો. અભ્યાસ પૂરો કર્યા પછી અભિષેકે આરસનો ધંધો શરૂ કર્યો. તે સારી કમાણી કરતો હતો, પરંતુ 2007 માં તેના પિતાનું હાર્ટ એટેકથી નિધન થયું હતું.

અભિષેક બે ભાઈઓમાં મોટો હતો. પરિવારની જવાબદારી પણ તેના ખભા ઉપર આવી ગઈ. ગામની બહાર ધંધો કરવો મુશ્કેલ બની ગયો. આ પછી તેણે 2008 માં આ વ્યવસાય છોડી અને ખેતીને તેની કારકીર્દિ બનાવી દીધી. તેમણે નવી રીતે કોમર્શિયલ ખેતી શરૂ કરી. આજે તેઓ 6 એકર જમીનમાં લીંબુ અને જામફળની ખેતી કરી રહ્યા છે. આની સાથે તેઓ વાર્ષિક 12 લાખ રૂપિયાનો નફો મેળવી રહ્યા છે.

ઓર્ગેનિક ખાતરના ઉપયોગથી ખર્ચમાં ઘટાડો
35 વર્ષના અભિષેક માટે આ સફર સરળ નહોતી. તે ખેડૂત પરિવારનો હતો, પરંતુ તેણે ક્યારેય ખેતી કરી ન હતી. આ ફિલ્ડ તેના માટે સંપૂર્ણપણે નવું હતું. તેના પિતા જે છોડીને ગયા હતા, અભિષેકે તેની માવજત કરવાનું શરૂ કર્યું. નવી ખેતીની તકનીકો વિશે વાંચવાનું શરૂ કર્યું. રાસાયણિક ખાતરોની જગ્યાએ ઓર્ગેનિક ખાતરોનો ઉપયોગ કરવા લાગ્યો હતો. આનાથી તેનો બેવડો ફાયદો થયો. એક તરફ, ખર્ચમાં ઘટાડો થયો, બીજી તરફ ઉત્પાદનનો દર અને જમીનની ફળદ્રુપતામાં પણ વધારો થયો.

આજે અભિષેક ત્રણ એકર જમીનમાં લીંબુ અને ત્રણ એકરમાં જામફળની ખેતી કરે છે. તેઓએ દેશી અને ગ્રાફ્ટેડ બંને રીતે છોડ રોપ્યા છે. તેના બગીચામાં 800 જામફળના છોડ અને 550 થી વધુ છોડ લીંબુનો સમાવેશ થાય છે. તેમના મોટાભાગના ફળ ખેતરમાંથી જ વેચાઈ જાય છે. જે બાકી છે, તેઓ તેને બજારમાં મોકલે છે. તેઓ જામફળના વાવેતરથી ત્રણ લાખ રૂપિયાની આવક કરી રહ્યા છે, જ્યારે લીંબુના વાવેતરથી તેઓ 6 લાખ રૂપિયાની આવક કરી રહ્યા છે.

દર વર્ષે 2 હજાર કિલો અથાણાનું વેચાણ
અભિષેક કહે છે, ‘ઘણીવાર લીંબુ પુરા વેચાતા ન હતા. પછી તેને જાળવવા મુશ્કેલ કામ હતું. આ પછી, મેં વિચાર્યું કે આપણે ઘર માટે જે અથાણું બનાવીએ છીએ, તે બજાર માટે કેમ તૈયાર નથી કરતા. મારી માતા અથાણાં બનાવતી હતી. તેમણે કેટલાક અથાણાં તૈયાર કર્યા અને મને લોકોને ટેસ્ટ કરાવવા માટે આપ્યા. જેણે પણ ટેસ્ટ કર્યા, તેમને અથાણા ખૂબ ગમ્યા. આ પછી 201 માં, અમે અથાણાનું માર્કેટિંગ શરૂ કર્યું. આજે દર વર્ષે અમે 2 હજાર કિલો અથાણું વેચીએ છીએ. અભિષેક આ અથાણા તૈયાર કરવા માટે કોઈપણ પ્રકારના કેમિકલ અથવા પ્રિઝર્વેટિવનો ઉપયોગ કરતો નથી.

હમણાં અભિષેક સોશિયલ મીડિયા દ્વારા તેની પ્રોડક્ટનું માર્કેટિંગ કરી રહ્યો છે. તેઓએ એક વૉટ્સએપ ગ્રુપ પણ બનાવ્યું છે, જ્યાં લોકો તેમની જરૂરિયાત પ્રમાણે ઓર્ડર આપે છે. તે પોતાની બ્રાન્ડ વિકસાવવા જઈ રહ્યો છે. જેથી તેની પ્રોડક્ટનું ઓનલાઇન વેચાણ કરી શકે. અભિષેક સાથે ત્રણ લોકો કામ કરે છે. આ સાથે, તેઓ જરૂરિયાત મુજબ વધુ મજૂરોને બોલાવતા રહે છે.

લીંબુની કેવી રીતે કરશો ખેતી
લીંબુની ખેતી સખત માટી સિવાય કોઈપણ જમીનમાં કરી શકાય છે. તેને લગાવવાનો સૌથી સારો સમય જુલાઈથી ઓગસ્ટની વચ્ચેનો છે. આપણે લીંબુનો છોડ બંને ગ્રાફ્ટેડ અને બીજ વાવીને ઉગાડી શકીએ છીએ. એક એકરમાં 140 રોપાઓ રોપશો અને તેમની વચ્ચેનું અંતર 18 બાય 18 ફૂટ હોવું જોઈએ. છોડને વાવેતર કરતી વખતે છાણનાં કંમ્પોસ્ટ ખાતરનો ઉપયોગ કરો. ટપક સિંચાઈએ સિંચાઈ માટેની શ્રેષ્ઠ પદ્ધતિ છે. દેશી લીંબુ ત્રણ વર્ષમાં ફળ આપવાનું શરૂ કરે છે અને તેમની ઉંમર 30 થી 35 વર્ષ સુધીની હોય છે. આ સાથે સમયે સમયે નીંદણ કરવું પડે છે.

કેવી રીતે સારી કમાણી
અભિષેકના જણાવ્યા મુજબ એકર દીઠ લીંબુના વાવેતરનો ખર્ચ 25 થી 30 હજાર રૂપિયા છે. બીજા વર્ષમાં ખર્ચ નીકળી જાય છે, જ્યારે ત્રીજા વર્ષે સારી આવક થાય છે. તેઓ કહે છે કે જો લીંબુનું યોગ્ય રીતે વાવેતર કરવામાં આવે તો તમે આરામથી એકર દીઠ ત્રણથી ચાર લાખ સુધીની કમાણી કરી શકો છો. આ સાથે, જો આપણે અથાણા અથવા અન્ય ઉત્પાદનો તૈયાર કરીએ, તો તેમાં વધુ નફો થશે.