ભાજપને જીત અપાવનાર ભાજપ પ્રમુખ C R પાટીલ વિશે તમે જે જાણવા માંગો છો તે બધું જ

આજે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની 182 બેઠકોની મતગણતરી થઈ રહી છે જેમાં ભાજપે 157 બેઠકો વિજયો મેળવ્યો છે. ભાજપને 157 બેઠકો પર જીત અપાવવામાં ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનો સિંહ ફાળો રહ્યો છે તેવું માનવામાં આવી રહ્યું છે. હાલ ગુજરાતમાં સી આર પાટીલના ભરપુર વખાણ થઈ રહ્યાં છે. નવસારીના સાંસદ સી.આર. પાટીલ 2020માં ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારથી સતત ચર્ચામાં રહે છે. તેમનો જન્મ એકદમ સામાન્ય પરિવારના રઘુનાથ પાટીલ અને સરુબાઈ પાટીલના ઘરે 16 માર્ચ 1955ના રોજ મહારાષ્ટ્રના જલગાંવ નજીક એદલાબાદના પિંપરી- અકા રાઉત ખાતે થયો હતો. તેમનું સ્કૂલિંગ દક્ષિણ ગુજરાતનાં વિવિધ સ્થળે થયું હતું. છેલ્લે, સુરતની ITIમાં અભ્યાસ કર્યો. વર્ષ 1975માં પિતા અને આસપાસના અનેક લોકોને જોઈને ગુજરાત પોલીસમાં જોડાયા હતા.

1984માં નેતૃત્વ અને સંગઠનના ગુણ પ્રથમ વખત સામે આવ્યા
સરકારી નોકરીમાં તેમની અંદર રહેલા નેતૃત્વ અને સંગઠનના ગુણના કારણે તેમને અનેક સંઘર્ષો અને તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. પોલીસની નોકરી કરતા લોકોનું કોઈ સંગઠન હતું નહીં તેમજ પોલીસકર્મીઓના પ્રશ્નો પણ ઉઠાવતા નહોતા. આ મુદ્દો લઈને સી.આર.પાટીલે 1984મા પોલીસકર્મચારીનું યુનિયન બનાવવાનો પ્રયત્ન કર્યો. પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને સરકારને આ ગમ્યું નહીં અને સી.આર.પાટીલ સામે સસ્પેન્શનનો કોરડો વિંઝાયો. પોતાના સહ-પોલીસકર્મીની ભલાઈ માટે અને તેમને થતા અન્યાય સામે અવાજ ઉઠાવતાં સી.આર.પાટીલે સરકારી નોકરી છોડી દીધી અને સંઘર્ષનો માર્ગ લીધો. ત્યાર બાદ તેમની અંદર રહેલા નેતૃત્વ અને સંગઠનના ગુણ પ્રથમ વખત સામે આવ્યા હતા.

અનેક યોજનાઓ આગળ ધપાવવામાં સિંહફાળો
1989માં સી. આર પાટીલની રાજકીય આલમમાં એન્ટ્રી થઈ હતી. સામાજિક કાર્યને પગલે સરળતાથી લોકચાહના મેળવવા લાગ્યા હતા. અનેક સંસ્થાઓમાં વિવિધ પદો પર કામગીરી કરી આગળ ધપતા ગયા હતા. સુરત હોય કે નવસારીનો વિસ્તાર, કોઈપણ પ્રશ્ન માટે તેઓ સદા અગ્રેસર હોય છે. ગુજરાત ભાજપની અનેક યોજનાઓ આ વિસ્તારમાં આગળ ધપાવવામાં સિંહ ફાળો આપે છે.

ઓફિસમાં ISO લેનારા સમગ્ર દેશના પ્રથમ સાંસદ
2009માં ભાજપ તરફથી નવસારી લોકસભા બેઠક પર ચૂંટણી લડી સાંસદ બન્યા હતા. ત્યાર બાદ 2014માં પણ ફરી આ જ બેઠક પર જંગી મતે વિજયી બની આ બેઠક ભાજપને જ અપાવી હતી. ત્યાર બાદ ગત લોકસભા ચૂંટણીમાં નવસારી લોકસભા વિસ્તારમાંથી ત્રીજી વખત સાંસદ બનેલા સી.આર.પાટીલની પોતાના મતદારોમાં લોકપ્રિયતા એટલી પ્રચંડ છે કે ગત લોકસભા ચૂંટણીમાં સૌથી વધુ લીડથી જીત મેળવવામાં પણ તેમનો ક્રમ સમગ્ર દેશમાં ત્રીજો હતો. પોતાની ઓફિસમાં ISO લેનારા એ સમગ્ર દેશના પ્રથમ સાંસદ છે.

સી.આર. પાટીલનો પરિવાર
સી.આર પાટીલ સાંસદ તરીકે તો એક જવાબદારી નિભાવે જ છે. જોકે 3 દીકરી અને 1 દીકરા-પુત્રવધૂના પિતા અને ગંગાબેન પાટીલના પતિ તરીકે એક પરિવારને પણ એટલો જ સમય અને સ્નેહ આપે છે. સતત વ્યસ્તતા વચ્ચે તેઓ જાહેર જીવન અને અંગત જીવન વચ્ચે સંતુલન જાળવે છે.