વડોદરા નજીક કાર અને ટ્રેલરનો થયો જોરદાર અકસ્માત, અડધી કાર ચિરાઈ ગઈ

બુધવારે વહેલી સવારે મધ્ય ગુજરાતના કરજણ તાલુકાના સંભોઈ ગામથી ધનોરા જઈ રહેલી કાર અંપાડ ગામની નજીક સામેથી આવી રહેલ ટ્રેલરે ટક્કર મારી હતી જેમાં કારમાં સવાર એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ હતું જ્યારે બે વ્યક્તિને ઈજા પહોંચી હતી જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. અકસ્માત થયા બાદ હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો અને બચાવ કામગીરી માટે લોકો દોડી આવ્યા હતા.

પોલીસ સુત્રો પ્રમાણે, બુધવારે વહેલી સવારે અંપાડ ગામની નજીક ટ્રેલર અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં એક યુવકનું મોત નીપજ્યું હતું. કેબિન કરતા તેનું પાછળનું ટ્રેલર મોટું હોવાથી તે કારમાં ભટકાઈ ગયું હતું. જેમાં કારનો આગળનો બોનેટ અને દરવાજાનો ભાગ ટ્રેલર પર લટકી ગયો હતો.

કરજણ તાલુકાના સંભોઈ ગામે રામદેવપીરના પાટોત્સવમાં ધનોરા ગામનો પરિવાર હાજરી આપવા માટે ગયો હતો. ત્યાંથી કાર્યક્રમ પતાવીને પરિવાર ધનોરા ગામ જવા નીકળ્યા હતાં તે સમયે હાઈવે પર આવેલા અંપાડ ગામની નજીક સામેથી આવી રહેલા ટ્રેલરે જોરદાર ટક્કર મારી હતી.

ટ્રેલર અને કારના અકસ્માતમાં કારમાં સવાર મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી જોકે યુવરાજસિંહની ગંભીર ઈજા થતાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ અકસ્માતની જાણ થતાં જ નજીકના ગામના લોકો દોડી આવ્યા હતાં અને ધનોરા ગામના સરપંચ સહિતના લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતાં.

અકસ્માતની જાણ થતાં જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યાર બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક યુવરાજસિંહ પઢીયાર કરજણના ખાંધા ગામનો રહેવાસી હતો. તે વડોદરાની જીએસેફસી કંપનીમાં હેલ્પર તરીકે ફરજ બજાવતો હતો અને તેના પિતા ભરતસિંહ પઢીયાર ખાંધા ગામના માજી સરપંચ છે.

કારચાલક ધનોરા દૂધ ડેરીના પૂર્વ મંત્રી રણજીતસિંહ પરમારને અકસ્માતમાં પગમાં ઈજાઓ થઈ હતી જ્યારે બીજા અન્ય આગળ બેઠેલા વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતાં. જ્યારે મહિલા અને બાળકને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.