કારચાલકને ફટકાર્યો ઝીબ્રાલાઇન ક્રોસિંગનો દંડ પણ ઈ-મેમોમાં એક્ટિવાનો ફોટો આવ્યો

પોલીસની વધુ એક બેદરકારી સામે આવી છે. જેમાં ગોંડલના કારચાલકને ઝીબ્રાલાઇન ક્રોસિંગનો દંડ તો ફટકારી દીધો. પરંતુ જ્યારે મેમો આપ્યો તો તેમાં એક્ટિવાનો ફોટો હતો. જેને લઈને પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થઈ રહ્યા છે.

રાજકોટ પોલીસ કમિશનર કચેરીમાં આઈવે પ્રોજેક્ટનું મોનિટરિંગ સેન્ટર છે. અહીંથી સીસીટીવી કેમેરાની મદદથી ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહનચાલકોને ઈ-મેમો મોકલીને દંડ વસૂલવામાં આવે છે. પરંતુ અવારનવાર તેમાં છબરડાઓ થતા રહે છે. આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં ગોંડલના કાર ચાલકને ઝીબ્રા ક્રોસિંગનો દંડ ફટકારવામાં આવ્યો છે. જોકે, ઈ-મેમોમાં કારની જગ્યાએ એક્ટિવાનો ફોટો આપવામાં આવ્યો છે.

ગોંડલના મહાદેવ વાડી વિસ્તારમાં રહેતા અને ગવર્નમેન્ટ કોન્ટ્રેક્ટરનું કામ કરતા કાર્તિકભાઈ દુધાત્રા GJ-03-KH-1801 નંબરની ટાટા નેક્સા કારના માલિક છે. તેમને રાજકોટ ટ્રાફિક-પોલીસ દ્વારા ગત તારીખ 6 જાન્યુઆરીના રોજ કેકેવી ચોક પાસે ઝીબ્રાલાઇન ઉલ્લંઘન કર્યાનો રૂપિયા 500નો દંડ ફટકારતો મેમો મોકલવામાં આવ્યો છે, પરંતુ મેમોની અંદર એક્ટિવાનો ફોટો પ્રિન્ટ થયેલો છે. નવાઈની વાત એ છે કે ઝીબ્રાલાઇનની આસપાસ ક્યાંય પણ કાર્તિકભાઈ દુધાત્રાની કાર નજરે પડતી નથી.

આ કંઈ પહેલી ઘટના નથી. ગોંડલની નાની બજારમાં કામદાર સાડીના શો રૂમમાં કામ કરતા અને ધારશી પારેખની શેરીમાં રહેતા મહેન્દ્રભાઈ હસમુખભાઈ ઉદેશી પાસે ગ્રે કલરનું GJ03 KE 8312 એક્ટિવા સ્કૂટર છે. કોઈ દિવસ એક્ટિવા લઈ તેઓ રાજકોટ ગયા ન હોવા છતાં રાજકોટ ટ્રાફિક-પોલીસે 2 જાન્યુઆરીના બપોરે 12 વાગ્યે કુવાડવા રોડ ઉપર હેલ્મેટ પહેર્યા વગર પસાર થવા અંગે રૂપિયા 500નો દંડ ફટકારતો ઇ-મેમો આપી દીધો. ફક્ત રાજકોટમાં નહીં અમદાવાદ અને સુરતમાં પણ છબરડાંના આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે.