ગુજરાતી બિઝનેસમેનની પત્ની જુહી અહીં 8 વર્ષથી કરે છે ખેતી, 200થી વધુ આંબોનો છે બગીચો

મુંબઈ: કોરોના મહામારીના કારણે દેશભરમાં લૉકડાઉન છે. સામાન્ય લોકોની જેમ જ બૉલીવુડ સેલેબ્સ પોતાના ઘરમાં પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે. તો, કેટલાક સેલેબ્સ પોતાના ફાર્મહાઉસમાં સમય પસાર કરી રહ્યા છે. જ્યાં સલમાન ખાન પોતાના ફાર્મહાઉસમાં છે તો જૂહી ચાવલા પણ ફાર્મ હાઉસમાં શાકભાજી ઉગાડવાનું કામ કરી રહી છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. જણાવી દઈએ કે જૂહી લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે.

ચહેર પર થાક, વિખરાયેલા વાળ સાથે બળબળતા તાપમાં જૂહી ખેતી કરી રહી છે. તેણે કેપ્શનમાં લખ્યું- આ જુઓ મારું નવું કામ, મેથી, કોથમીર અને ટામેટા ઉગાડી રહી છું. હવે જોઈએ શું થાય છે.

52 વર્ષના જૂહી છેલ્લા 8 વર્ષથી ખેતીનું કામ કરે છે. તે પોતાના ફાર્મ હાઉસમાં ઑર્ગેનિક શાકભાજી ઉગાડે છે. તેમની પાસે 200થી વધુ આંબાનો બગીચો છે. બગીચામાં ચીકૂ, પપૈયા અને દાડમના ઝાડ પણ છે. લાંબા સમયથી ખેતી કરી રહેલી જૂહીએ કહ્યું કે, હું માત્ર ઓર્ગેનિક ખેતી કરું છું. વાડા સ્થિતિ ફાર્મહાઉસમાં હું આ બધું ઉગાડું છું. હું એક ખેડૂત છું.

જુહીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, જો તમને એકવાર ઓર્ગેનિક ફળ અને શાકભાજીનો મીઠો સ્વાદ ચાખવા મળી જાય તો તમે ક્યારેય બજારના કેમિકલમાં ડૂબેલા ઉત્પાદનો નહીં ખરીદો.

જુહીએ કહ્યું કે, મારા ખેડૂત પિતાએ 20 એકર જમીન વાડામાં ખરીદી હતી. ત્યારે મને ખેતી વિશે કાંઈ જ ખબર નહોતી. જ્યારે તેમણે ખેતી લાયક જમીન લીધી ત્યારે હું ફિલ્મોમાં વ્યસ્ત હતી. પરંતુ તેમના નિધન બાદ મારે તેમાં ધ્યાન આપવું પડ્યું.

ઓર્ગેનિક ફળો સિવાય, જૂહી એક અન્ય ફાર્મ હાઉસમાં ઓર્ગેનિક શાકભાજી પણ ઉગાડે છે. આ જગ્યા માંડવામાં છે. જેને જૂહીએ પોતે ખરીદી છે. તે જણાવે છે કે, મારી પાસે રોકાણ કરવા માટે પૈસા હતા. કોઈએ સૂચન કર્યું કે હું જમીનમાં રોકાણ કરું. મે માંડવામાં 10 એકર જમીન ખરીદી અને ત્યાં ઓર્ગેનિક શાકભાજી ઉગાડું છુ.