‘પ્રમુખ સ્વામીનગર’માં એક નાનકડાં બાળ સેવકે સેલિબ્રેટ કર્યો પોતાનો બર્થ-ડે

હાલ અમદાવાદનના આંગણે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે, જેમાં વૃદ્ધથી લઈને બાળ સેવકો પણ સેવા આપી રહ્યાં છે. પ્રમુખસ્વામીનગરમાં સેવા કરનાર ભક્તો માટે તમામ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અહીં એક નાનકડો છોકરો સેવા કરવા માટે આવ્યો છે જેનું નામ છે અથર્વ. બાળ સેવક અથર્વ પ્રમુખસ્વામીનગરમાં અક્ષરધામ અને ટેલેન્ટના સ્ટેજ પર શ્લોકની રજુઆત કરી રહ્યો છે.

જોકે મહત્વની વાત એ છે કે, આ નાનકડાં સેવકનો 1 જાન્યુઆરના રોજ બર્થ-ડે હતો જેને ક્યાં સેલિબ્રેટ કરવો તેની વિચારણા ચાલતી હતી તો તેના મતા-પિતાએ અથર્વેનો બર્થ-ડે હોટલ કે પાર્ટી પ્લોટમાં નહીં પરંતુ પ્રમુખસ્વામીનગરમાં જ સેલિબ્રેટ કર્યો હતો.

બાળ સેવક અથર્વએ 2023નો જન્મદિવસ ‘પ્રમુખસ્વામી મહારાજ નગર’માં સેલિબ્રેટ કરવાનું નક્કી કર્યું હતું. 8મો બર્થ-ડે પરિવાર, સ્વયંસેવકો અને મુલાકાતી બાળકો સાથે ભગવાનને ધરાવાયેલી કેક કાપીને નગરમાં સેલિબ્રેટ કર્યો હતો. આ પહેલા ગોંડલ, સારંગપુર અને રાજકોટ સહિતના મંદિરોમાં અથર્વનો બર્થ-ડે સેલિબ્રેટ કરવામાં આવ્યો છે. બર્થ-ડે સેલિબ્રેટ કર્યો તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતાં.

બર્થ-ડે બોય અથર્વએ કહ્યું કે, ‘ગયા વર્ષે મેં બર્થ-ડે પર માતા-પિતા પાસે રમકડાં કે બીજી કોઈ ગિફ્ટ નહીં પણ ભગવાનની મૂર્તિ માંગી હતી અને આજે પણ ઠાકોરજીની નિત્ય સેવા કરું છું’. એટલું જ નહીં હું વહેલી સવારે 5.30 વાગ્યે ઉઠીને ઠાકોરજીને જગાડી, વાઘા પહેરાવી અને થાળ સહિતની નિત્યસેવા કરું છે. એટલું જ નહીં માતા-પિતા અને દાદા-દાદીના આશીર્વાદ લઈ દિવસની શરૂઆત કરે છે.

અથર્વના માતા દેવાંગીબેને જણાવ્યું કે, અથર્વના મુખમાંથી પ્રથમ શબ્દ ‘બાપા’ નીકળ્યો હતો’. પ્રેગનેન્સી વખતે આપણા ધર્મશાસ્ત્રો અને ખાસ કરી બીએપીએસ સંસ્થાનું ગર્ભ સંસ્કાર પુસ્તક વાંચ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આધુનિક સમયમાં પણ અભિમન્યુની જેમ ગર્ભસંસ્કાર થકી બાળકને શ્રેષ્ઠ જીવન માટે સજ્જ કરી શકાય તેની સાબિતી સમગ્ર પરિવારને અથર્વના જીવન થકી મળી છે.

મૌલિકભાઈને પૂછવામાં આવ્યું કે, બર્થ-ડે મંદિરમાં સેલિબ્રેટ કરવાનો વિચાર કેવી રીતે આવ્યો તો તેમણે જણાવ્યું કે, સારી પ્રેરણા ઘરસભા થકી મળી. દર મંગળવારે માત્ર મેહુલભાઈનો પરિવાર નહીં પણ અન્ય 6 પરિવારના કુલ 40 જેટલા સંબંધીઓ ઓનલાઈન માધ્યમથી ઘરસભા કરે છે. અત્યારસુધી આ રીતે આશરે 120 ઘરસભા થઈ ચૂકી છે. પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી ઘરસભાને કારણે પરિવારના બાળકોમાં અત્યારથી જ આત્મીયતા અને સુહ્રદભાવનો નાતો બની ગયો છે. આમ, ઘરસભાથી ભાવિપેઢીમાં પણ સંપ, સુહ્રદભાવ અને એકતાના ભાવ રહેશે એવી ખાતરી છે.

મહત્વની વાત એ છે કે, ઘરસભાને કારણે માતા-પિતા જ નહીં દાદા પણ અત્યંત ખુશ છે. કારણ કે અથર્વ તેમનો પૌત્ર હોવાની સાથોસાથ મિત્રની જેમ વર્તન કરે છે. પ્રમુખસ્વામી મહારાજે કહ્યું હતું કે, ઘરસભાનું સૂત્ર માત્ર દર્દ થયા બાદ જ નહીં પણ કોઈ દર્દ, વ્યસન, દુષણથી ઘર અને પરિવાર માટે રક્ષા કવચ સમાન છે અને તે મૌલિકના સમગ્ર પરિવારે અનુભવ્યું છે.