કોરોનાના કારણે ઓળખવા પણ બન્યા હતા મુશ્કેલ, હવે લાગે છે બિલકુલ સ્વસ્થ, જુઓ તસવીરો - Real Gujarat

કોરોનાના કારણે ઓળખવા પણ બન્યા હતા મુશ્કેલ, હવે લાગે છે બિલકુલ સ્વસ્થ, જુઓ તસવીરો

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીએ કોરોનાના દર્દી તરીકે સૌથી વધુ હોસ્પિટલમાં રહીને સારવાર કરાવવાનો રેકોર્ડ તોડ્યો છે. તેઓ કોરોનાની સારવાર માટે હોસ્પિટલમાં લાંબો સમય રહેનાર એશિયાના પ્રથમ દર્દી બન્યા છે. આજે ભરતસિંહને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવાના છે. આ સાથે હોસ્પિટલમાં 102 દિવસ પૂરા થશે.

તે પહેલા ગુજરાત કૉંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તથા વિપક્ષના નેતા પરેશ ધાનાણી બુધવારે તેમની ખબર-અંતર પૂછવવા માટે પહોંચ્યા હતા. એમ્સના ડિરેક્ટર ડો. ગુલેરિયાના સતત માર્ગદર્શન હેઠળ ભરતસિંહ સોલંકીની સારવાર ચાલી રહી હતી. ભરતસિંહની સારવારમાં પ્લાઝ્મા થેરાપી અને ટોસિબિઝુલેબ ઇન્જેક્શનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, 51 દિવસ સુધી તેઓ વેન્ટિલેટર પર રહ્યા હતા.

રાજ્યસભાની ચૂંટણી સમયે ભરતસિંહ સોલંકીને તાવ હતો. છતાં તેઓ મતદાન સમયે હાજર રહ્યા હતા. બાદમાં તબિયત લથડતા તેમનો કોરોનાનો ટેસ્ટ કરાવવામાં આવ્યો. આ રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને 22મી જૂને વડોદરા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પરંતુ તબિયતમાં ખાસ સુધારો નહીં થતાં વધુ સારવાર માટે અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

ભરતસિંહને કોરોનાની સાથે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર સહિતની બીમારીઓ હતી. શરૂઆતમાં તેમનું ઓક્સિજન લેવલ ઘટવા લાગ્યું હતું. શ્વાસ લેવામાં તકલીફ થવાને કારણે તેઓને વેન્ટિલેટર પર શિફ્ટ કરવામાં આવ્યા હતા. તેઓને અસ્થમાની પણ તકલીફ હોવાથી અને ફેફસામાં સંક્રમણને પગલે ઓક્સિજન લેવલ પણ વારંવાર ઘટી જતું હતું. જેથી તેઓને ઓક્સિજન આપવામાં આવી રહ્યું હતું. પરંતુ તેઓની તબિયત એટલી નાજુક હતી કે, 90 ટકા ઓક્સિજન વેન્ટિલેટર થકી અપાઇ રહ્યું હતું. ભરતસિંહના હાર્ટ, કીડની સહિતના અન્ય અંગો સામાન્ય રીતે કાર્ય કરી રહ્યાં હતા, પણ ફેફસાં વધારે પડતાં નબળાં હોવાથી ઉપરના ઓક્સિજનની જરૂરિયાત વધી હતી. જેથી તેઓની તબિયત થોડી ગંભીર બની હતી. માત્ર એટલું જ નહીં, સતત સારવારને કારણે તેમનું શરીર પણ નબળું પડી ગયું હતું અને એક સમયે તેમને ઓળખવા પણ મુશ્કેલ બની ગયા હતા.

એક મહિનાની સારવાર બાદ ભરતસિંહની તબિયતમાં ધીમે ધીમે સુધારો આવવા લાગ્યો હતો. તેમને વેન્ટિલેટર (સી-પેપ )પર રાખ્યા બાદ સ્થિતિમાં સુધારો થવા લાગ્યો હતો. ડોક્ટર્સે ધીમે ધીમે વેન્ટિલેટર સપોર્ટ ઓછો કરવા તરફ પ્રયત્નો કર્યા હતા. તેમ છતાં 51 દિવસ સુધી તેમને વેન્ટિલેટરના સહારે રાખવા પડ્યા હતા. આ સાથે તેમની ફિઝિયોથેરપી સારવાર પણ આપવામાં આવી હતી. સેડેશન ઓછું કરતાં તેઓ શરીરનું હલનચલન પણ કરવા લાગ્યા હતા અને ધીમે ધીમે બીજા રિપોર્ટ પણ સામાન્ય આવવા લાગ્યા હતા.

એક મહિના પહેલાં તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આખરે ભરતસિંહ સોલંકીને ગુરુવારે રજા અપાશે. સિમ્સ હોસ્પિટલ તરફથી દાવો કરાયો કે, ભરતસિંહે ભારત અને એશિયામાં સૌથી લાંબો સમય કોવિડના દર્દી તરીકીની સારવાર લીધી છે. 101 દિવસ સુધી તેમની સારવાર ચાલી હતી. હવે તેમની તબિયત સુધારા પર છે. જોકે, ઈન્જેક્શન બાદ હજી પણ રોજનો તેમનો 22 દવાઓનો કોર્સ ચાલુ છે.

You cannot copy content of this page