ફ્રિઝમાં ચિકન અને ઘરમાં રાશન છતાં પણ ભૂખ્યો મરતો હતો આ શખ્સ, કારણ જાણીને ચોંકી જશો

અજમેર: કોરોનાના લીધે લોકડાઉનને કારણે કેટલાંક લોકોની મુશ્કેલીઓ વધી રહી છે. સરકાર દ્રારા જરૂરિયાતમંદોને સંભવ મદદ પણ કરવામાં આવી રહી છે પણ, તેનો અનેક લોકો ગેરલાભ ઊઠાવી રહ્યા છે. આવો જ એક કિસ્સો રાજસ્થાનના અજમેરમાં સામે આવ્યો છે. અહીં ખાનપુરામાં રહેતાં ચાંદ મોહમ્મદે કંટ્રોલરૂમમાં ફોન કરી ભોજન માટે મદદ માગી હતી. પ્રશાસને આ વાતને ગંભીરતાથી લીધી અને ખાનપુરાના રસદ વિભાગના અધિકારીઓએ તરત જ રાશન સામગ્રી અને તૈયાર ફૂડ પેકેટ આપવાં પહોંચ્યા પરંતુ ઘરમાં સપ્લાય દરમિયાન કરાયેલી તપાસમાં સામે આવ્યું કે, તેના ઘરમાં એક મહિનાનું રાશન પહેલાંથી જ પડ્યું છે.

ખાનપુરાના ચાંદ મોહમ્મદે શુક્રવારે જિલ્લાસ્તરીય કંટ્રોલ રૂમ પર ફોન કરી ભોજન માટે સહાયતા માગી હતી. જે બાદ ચાંદ મોહમ્મદે ફરી ફોન કરી કહ્યું હતું કે, ‘હું, ભૂખ્યો મરી રહ્યો છું, શું હું મરી જવ પછી સહાયતા મોકલશો?’. આ વાતને પ્રશાસને ગંભીરતાથી લીધી અને ખાનપુરાના રસદ વિભાગના અધિકારી તરત જ રાશન સામગ્રી અને તૈયાર ફૂડ પેકેટ લઈને તેના ઘરે પહોંચ્યા હતાં.’

જિલ્લા પ્રશાસન મુજબ, જરૂરિયાતમંદ માટે પ્રયત્ન કરવામાં આવે છે. ત્યારે જરૂરિયાતમંદ સુધી સામગ્રી પહોંચાડતી વખતે વ્યક્તિની જરૂરિયાતોની તપાસ કરવામાં આવે છે. પણ, ચાંદ મોહમ્મદ ઘરમાં તપાસ કરતા તે બાઇક, ગેસ કનેક્શન, ફ્રિઝ, કૂલર જેવી સુવિધાઓથી સંપન્ન હતો. ફ્રિઝમાં ચિકન અને ઘરમાં મહિનાનું રાશન પહેલાંથી જ હતું. જે પછી પ્રશાસનની સુવિધાનો ખોટો લાભ ઊઠાવવા મામલે ચાંદ મોહમ્મદ સામે અધિકારીઓએ કાયદાકીય કાર્યવાહીની વાત કરી છે.

દેશના 28 રાજ્યો અને 4 કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 8 હજારની નજીક પહોંચી ગઈ છે અને અત્યાર સુધી 249થી વધુ લોકોનાં મોત થયા છે. શુક્રવારે દેશમાં કોરોનાના નવા 871 કેસ સામે આવ્યા છે, જ્યારે 22 લોકોનામાં મોત થયાં છે.

શુક્રવારે મહારાષ્ટ્રમાં સૌથી વધુ નવાં 210 કેસ સામે આવ્યા છે, જ્યારે 13 લોકોએ દમ તોડ્યું છે. આ આંકડા covid19india.org મુજબ છે. સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ, દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા દેશમાં કુલ 7600 કરતાં વધારે છે અને અત્યાર સુધી 503 લોકો સાજા થઈ ગયા છે.