LICના પોલિસીધારકોને મળી મોટી રાહત, પ્રીમિયમ ચૂકવણીમાં મળી આ છૂટ

નવી દિલ્હી: સમગ્ર દેશમાં હાલ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે જીવન વીમા નિગમ (એલઆઈસી) એ માર્ચ અને એપ્રિલનું પ્રીમિયમ ચૂકવવા માટે પોલિસીધારકો માટે વધુ 30 દિવસ આપવાની જાહેરાત કરી છે. કંપનીએ કોવિડ-19 મહામારીને કારણે દેશમાં લાગૂ લોકડાઉનને ધ્યાનમાં રાખીને પૉલિસીધારકોને રાહત આપવા માટે આ પગલું ભર્યુ છે.

એલઆઈસીએ કહ્યુ હતું કે ફેબ્રુઆરીના પ્રીમિયમ માટે આપવામાં આવેલ વધારાનો સમય 22 મી માર્ચે પૂરો થયા બાદ 15 એપ્રિલ સુધી વધારવામાં આવ્યો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એલઆઈસીના વીમાધારક કોઈ પણ સેવા શુલ્ક લીધા વિના એલઆઈસી ડિજિટલ ચુકવણી વિકલ્પ દ્વારા પ્રીમિયમ ચૂકવી શકે છે.

પોલિસીધારકોને રજીસ્ટર કરવાની જરૂર નથી
વીમા કંપનીએ કહ્યું છે કે પોલિસીધારકોને પ્રીમિયમ ચુકવણી માટે વેબસાઇટ પર નોંધણી કરવાની જરૂર નથી. તેઓ સીધી કેટલીક માહિતી આપીને ચુકવણી કરી શકે છે. આ સિવાય, મોબાઇલ એપ્લિકેશન ‘એલઆઈસી પે ડાયરેક્ટ’ ડાઉનલોડ કરીને પ્રીમિયમ ચુકવણી પણ કરી શકાય છે. તેના સિવાય નેટ બેંકિંગ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, પેટીએમ, ફોનપે, ગૂગલ પે, ભીમ, યુપીઆઈ દ્વારા પ્રીમિયમની ચુકવણી કરી શકાય છે.

કોરોનાથી મૃત્યુ થવા પર પણ મળશે ક્લેમ
આઈડીબીઆઈ બેંક અને એક્સિસ બેંકની શાખાઓ અને બ્લોક સ્તરે ચાલી રહેલાં સામાન્ય સર્વિસ સેન્ટર્સ (સીએસસી) પર પણ પ્રીમિયમની ચૂકવણી કરવામાં આવી રહી છે. વીમા કંપનીએ પોલીસીધારકોને ખાતરી આપી છેકે, કોવિડ-19થી મૃત્યુ થવા પર તેને સામાન્ય મામલાઓની જેમ જ માનવામાં આવશે અને તેના દાવાની ચૂકવણી તરત જ કરવામાં આવશે.