કોરોનાની મહામારી વચ્ચે માનવતા મહેંકી, ગુજરાતમાં આ જગ્યાએ દરજીએ માસ્ક બનાવી લોકોને મફત વહેંચ્યા - Real Gujarat

કોરોનાની મહામારી વચ્ચે માનવતા મહેંકી, ગુજરાતમાં આ જગ્યાએ દરજીએ માસ્ક બનાવી લોકોને મફત વહેંચ્યા

સુરત: ગુજરાતમાં કોરોના વાઈરસ પોઝિટિવના પાંચ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. બીજી તરફ લોકો કોરોનાના ચેપથી બચવા માટે મેડિકલ સ્ટોરમાં માસ્ક અને સેનેટાઇઝર ખરીદવા માટે પડાપડી કરી રહ્યા છે અને તેની કાળાબજારી થઇ રહી છે. આવા માહોલમાં સુરતના એક ટેલરે પોતાના ખર્ચે સેંકડો માસ્ક બનાવીને મફત વહેંચી માનવતા મહેકાવી છે.

સુરતના કતરાગામ વિસ્તારમાં આવેલ એક ટેલરે કોરોના મહામારીના સમયમાં માનવતાભર્યું કામ કર્યું છે. ટેલરે પોતાની દુકાનમાં એક હજાર જેટલા માસ્ક બનાવીને લોકોને મફતમાં વહેંચ્યા અને આગામી સમયમાં પણ તેઓ સેવાનું આ કામ જારી રાખશે.

સુરતમાં કોરોના વાઈરસનો પોઝિટિવ કેસ આવ્યા બાદ તંત્ર એલર્ટ બન્યું છે. શારજહાંથી આવતી ફ્લાઇટના તમામ મુસાફરોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાંથી બે લોકોને સાવચેતીના ભાગરૂપે કોરોન્ટાઇલ વોર્ડમાં રાખવામાં આવ્યા છે. સુરતમાં વીર નર્મદ યુનિવર્સિટીની સમરસ બોયઝ હોસ્ટેલ ખાતે 500 બેડની હંગામી હોસ્પિટલ બનાવવામાં આવી છે. જ્યાં સાવચેતી માટે લોકોને કોરોન્ટાઇલ વોર્ડમાં રાખવામાં આવે છે.

આ લોકોને અન્ય લોકોના સીધા સંપર્કમાં ન આવે તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી છે અને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આગામી એક સપ્તાહ સુધી શારજહાંથી આવતી ફ્લાઇટ રદ કરવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે.

સુરતમાં સાવચેતીના પગલારૂપે સુવાલી, ગોલ્ડન અને ડુમસના દરિયાકિનારા સહેલાણીઓ માટે બંધ કરવામાં આવ્યા છે. સાથે જ સ્કૂલ, કોલેજોમાં આગામી આદેશ સુધી વેકેશન જાહેર કરવામાં આવ્યા છે. કોરોના વિશે સોશિયલ મીડિયામાં અફવા ફેલાવનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટેના આદેશ અપાયા છે.