સુરત-રાજકોટમાં એક-એક કોરોના વાયરસનો પોઝિટિવ કેસ નોંધાતાં સમગ્ર ગુજરાતમાં દોડધામ

અમદાવાદ: સમગ્ર દુનિયામાં કોરોના વાયરસે હાહાકાર મચાવી નાખ્યો છે. જોકે ગુજરાતમાં અત્યાર સુધી એક પણ કેસ નોંધાયો નહતો જોકે આજે જ ગુજરાતમાં એક સાથે ત્રણ કેસ નોંધાતા સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચી ગયો હતો. અમદાવાદ, સુરત અને રાજકોટમાં એક-એક કોરોના વાયરસનો પોઝિટિસ કેસ સામે આવતાં આ મુદ્દો ગુજરાતમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. મહત્વની વાત છે કે, સુરત અને રાજકોટમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે IPC કલમ 188 તથા GP એક્ટ કલમ 135 મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

ગુજરાતમાં અત્યાર સુધી કોરોના વાયરસનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નહતો પરંતુ આજે રાજકોટ અને સુરતમાં એક-એક પોઝિટિવ કેસ નોંધાતાં સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચી ગયો છે. સુરતમાં એક યુવતી લંડનથી મુંબઈ થઈને સુરતમાં એન્ટ્રી કરી હતી તે દરમિયાન તે બિમાર થતાં હોસ્પિટલમાં એડમિટ કરી હતી જ્યારે રાજકોટના જંગલેશ્વરના વ્યક્તિને પણ કોરોના વાયરસનો ચેપ લાગ્યો હોવાનું જાણવા મળ્યું છે જેના કારણે તેને સારવાર માટે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો જ્યાં બન્ને રિપોર્ટ કરાવવામાં આવ્યા હતાં જેમાં પોઝિટિવ આવતાં બન્ને હાલ સારવાર ચાલુ છે.

સુરતની 21 વર્ષીય યુવતી લંડનમાં અભ્યાસ કરી રહી છે જે લંડનથી મુંબઇ થઈને સુરત પહોંચી હતી. જોકે 16 માર્ચે ઉધરસ, ખાંસી અને તાવની થોડી અસર જણાતાં સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેની તપાસ થતાં તેના લક્ષણો કોરોના રોગને મળતાં આવતાં તાત્કાલિક સેમ્પલ બી.જે.મેડીકલ કોલેજ અમદાવાદ તપાસ અર્થે મોકલ્યા હતા. જ્યાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

રાજકોટનાના જંગલેશ્વર વિસ્તારમાં રહેતા અને મક્કાથી આવેલા યુવકના સેમ્પલ જામનગર લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. પરંતુ ત્યાંનો રિપોર્ટ વધુ શંકાસ્પદ આવતાં સેમ્પલ પુનેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જ્યાં રિપોર્ટ પોઝિટિવ આવતાં યુવકની સારવાર ચાલી રહી છે.

મહત્વની વાત છે કે, ગુજરાતમાં બે પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 150થી વધુ શંકાસ્પદ કેસોના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી 123 સેમ્પલ એ નેગેટિવ આવ્યા છે. જ્યારે 2 સેમ્પલ પોઝિટીવ આવ્યા છે જ્યારે બાકીના 25 સેમ્પલના રિપોર્ટ હજુ આવવાના બાકી છે.