મોઢામાં સોનું લઈ દુબઈથી દિલ્હી પહોંચ્યા 2 લોકો, એરપોર્ટ પર અધિકારી ચોંકી ગયા

દિલ્હીના IGI એરપોર્ટ પર સોનાની તસ્કરીનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. કસ્ટમ વિભાગના અધિકારીઓએ મોઢામાં લગભગ 45 લાખ રૂપિયાનું કિંમતી સોનું લઈને દુબઈથી દિલ્હી આવેલા 2 લોકોની ધરપકડ કરી છે. આ બંને પોતાના મોઢાની અંદર સોનુ છુપાવીને લાવી રહ્યા હતા. જેમને કસ્ટમ વિભાગના અધિકારીઓએ એરપોર્ટ પર પકડી લીધા છે.

દિલ્હી કસ્ટમ જોન તરફથી કહેવામાં આવ્યું છે કે, આ ઘટના 28 ઓગસ્ટની છે. દુબઈથી ગ્રીન ચેનલમાં આવી રહેલા ઉઝ્બેકિસ્તાનના બે નાગરિકોને ઇન્દિરાગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પકડી લેવામાં આવ્યા હતાં. તેમની તલાશી કરતાં મોઢામાંથી 951 ગ્રામ સોનું અને એક ધાતુની ચેન ઝડપાઈ હતી. તેમણે દાંતની ઉપર સોનું ચઢાવ્યું હતું અને ચેન મોઢામાં રાખી હતી. આ પછી સોનું જપ્ત કરી લીધું છે.

વિચિત્ર રીતે સોનું અને બીજી મોંઘી ધાતુઓનું સ્મગલિંગનો કોઈ પહેલો મામલો નથી. આ પહેલાં પણ ઘણાં લોકો શરીરમાં સોનું લગાવીને આવતાં પકડાઈ ગયા છે.

ગત મહિને દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક મહિલા સહિત સૂડાનના ત્રણ નાગરિકોની ધરપકડ કરી તેમની પાસેથી 1.82 કરોડ રૂપિયાનું 4.1 કિલો સોનું ઝડપવામાં આવ્યું હતું.