દાંતા સ્ટેટના રાજકુંવરે 33 વર્ષની ઉંમરે 86 મંદિરોનો કરાવ્યો જીર્ણોદ્ધાર

અંબાજી: જગત જનની મા અંબા પ્રત્યે કરોડો ભક્તો અતૂટ આસ્થા ધરાવે છે. જેમાં દાંતા રાજવી પરિવાર માના પરમ ભક્ત મનાય છે. પણ આ રાજવી પરિવારમાં જન્મેલા 33 વર્ષીય પરમવીરસિંહજીની શ્રદ્ધા અને આસ્થાની તોલે કોઈ ન આવી શકે. માત્ર 33 વર્ષની નાની વયે તેઓ અત્યાર સુધીમાં 86 મંદિરો બંધાવવાની સાથે જીર્ણોધ્ધાર કરાવી ચૂક્યા છે.

આઝાદી પહેલાં અંબાજી દેવસ્થાનનો વહીવટ પણ જેમના હસ્તક હતો તે દાંતા સ્ટેટના રાજવી પરિવારમાં ભગવાન પ્રત્યે આસ્થા ખૂબ છે. દાંતા રજવાડાની સ્થાપના 1068માં થઇ હતી. રજવાડા પર દાંતા અને સુદાસણાના હિંદુ બારડ (પરમાર) વંશનું શાસન રહ્યું હતું. અંબાજી ધામ દાંતા સ્ટેટમાં આવતું હોય આઝાદી પૂર્વે મંદિરનો વહીવટ દાંતા રાજ્ય હસ્તક હતો અને તે વખતે મંદિરને મળતું હીરા ઝવેરાત સોના, ચાંદી અને રોકડનું દાન 8 ગદર્ભ પર ભરીને દાંતા રાજ મહેલમાં લવાતું હતું. જોકે આઝાદી બાદ રજવાડાઓનું વિભાજન થતા સને 1960માં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મંદિરના વહીવટ માટે ટ્રસ્ટ બનાવવામાં આવ્યું હતું. જેમાં માતાજીની પાવડી પૂજા અને દર્શનોનો અધિકાર દાંતા સ્ટેટ પાસે છે.

આમ પહેલાથી જ આ પરિવાર શિવ અને શક્તિનો ઉપાસક રહ્યો છે. જો કે રાજવી પરિવારના સભ્ય 33 વર્ષીય પરમવીરસિંહજી વાત થોડી વિશિષ્ટ છે. નાની વયે તેઓ અત્યાર સુધીમાં 86 મંદિરો બંધાવવા ઉપરાંત તેનો જીર્ણોધ્ધાર કરાવી ચૂક્યા છે. દાંતા સ્ટેટના પૂર્વ રાજવી મહારાણા ભવાનીસિંહજી મા અંબાના પરમ ઉપાસક હતા. જેમના ત્રણ પુત્રો પૈકી તૃતીય પુત્ર મહારાજ રઘુવીરસિંહજી ખૂબ ધાર્મિક હતા. તેમના એક માત્ર પુત્ર પરમવીરસિંહ કે જેમને ધાર્મિક અને આધ્યાત્મિક સંસ્કારો જાણે ગળથૂથીમાં જ પ્રાપ્ત થયા છે.

પ્રસિદ્ધિથી ખૂબ દૂર રહેતા મહારાજ કુંવરએ તેમની જીવનશૈલી જાણવાનો પ્રયાસ કરતાં જાણવા મળ્યું કે, આજે પણ એમના દ્વારે કોઈ યાચક ખાલી હાથ પાછો ફરતો નથી. તે પછી ધાર્મિક કાર્ય હોય કે શૈક્ષણિક કે પ્રજાપયોગી. 7 ડિસેમ્બર-1988માં જન્મેલા પરમવીરસિંહે 2011ના વર્ષમાં નાની વયે પિતાની છત્રછાયા ગુમાવી હતી.

આ રાજકુંવર તેમના નિવાસ્થાને જ મંદિરનું નિર્માણ કરી 7 વર્ષથી માતાજીની અખંડ જ્યોત સાથે ગુરુ શિવગીરી મહારાજની અખંડ ધૂણીની નિયમિત પૂજા-અર્ચના કરે છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધીના બાર જ્યોતિલિંગ અને શક્તિપીઠોનાં દર્શન પણ કરી ચૂક્યા છે. જ્યારે યમુનોત્રી, ગંગોત્રી અને બદ્રીનાથ કેદારનાથની યાત્રા પગપાળા કરીને શિવજીને રીઝવવાનો પ્રયાસ પણ કરી ચુક્યા છે.

પરમવીરસિંહજી હાલ રાજપૂત કરણી સેના ગુજરાતના સંયોજક અને ઝારખંડના પ્રભારી તરીકે તેમજ અખિલ ભારત હિન્દુ ક્રાંતિ સેના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ છે. મહત્વનું છે કે, યાત્રાધામ અંબાજી મંદિરમાં દર વર્ષે નવરાત્રિની અષ્ટમીના દાંતા રાજવી પરિવાર દ્વારા પ્રાચીન પ્રણાલી અને પરંપરાગત રીતે નવચંડી યજ્ઞ કરવામાં આવે છે.