વ્યાજે પૈસા આપતી મીનાનું અપહરણ અને પછી મળી આવી લાશ

દિલ્હીના બહારના વિસ્તાર મંગોલપુરી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 54 વર્ષિય મહિલાનું અપહરણ કરી નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી છે. આરોપીઓએ હત્યા બાદ પૂરાવાનો નાશ કરવા માટે તેના શબને કબ્રસ્તાનને દફનાવી દીધું. મુબીન સહિત ત્રણ લોકોએ મહિલા સાથે આ નિર્દય કૃત્ય કર્યું છે.

સમાચાર એજન્સી આઈએએનએસથી મળતી માહિતી અનુસાર, લગભગ 10 દિવસ પહેલાં મહિલાનું અપહરણ કરી હત્યા કરી દેવામાં આવી છે. આરોપીઓની પૂછપરછ દરમિયાન ખુલાસો થતાં પોલીસે ગત બુધવારે શબને કબ્રસ્તાનમાંથી બહાર કાઢ્યું.

પોલીસના જણાવ્યા અનુસાર, ગત ગુરૂવારના રોજ સંજય ગાંધી મેમોરિયલ હોસ્પિટલમાં શબનું પોસ્ટમાર્ટમ કરવામાં આવ્યું હતું. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આરોપીઓની ઓળખ મુબીન ખાન, નવીન ખાન અને રેહાન તરીકે કરવામાં આવી છે. અત્યારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

ઉલ્લેખનિય છે કે, અવંતિકા એન્ક્લેવની રહેવાસી મૃતક મીના વાધવાન વ્યાજે પૈસા આપતી હતી. આ ત્રણેય આરોપીઓ તેને વર્ષોથી ઓળખતા હતા. તેમણે તેની પાસેથી વ્યાજે પૈસા લીધા હતા. આરોપી વધારે પૈસા માંગતા હતા અને જ્યારે મીનાએ પૈસા આપવાની ના પાડી દીધી ત્યારે તેનું અપહરણ કરી હત્યા કરી નાખી.

કેરટેકરને આપ્યા હતા 5 હજાર રૂપિયા, તેની પણ ધરપકડ

દિલ્હી પોલીસે આ બાબતે કબ્રસ્તાનના કેરટેકર સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે. કેરટેકર પર આરોપ છે કે, તેણે કબ્રસ્તાનમાં દફનાવવા માટે આરોપીઓ પાસેથી 5000 રૂપિયા લીધા હતા.