આકાશમાંથી આવો દેખાય છે ગબ્બરનો સુંદર નજારો, પહેલીવાર સામે આવી ડ્રોનની તસવીરો

અંબાજી: બનાસકાંઠા જિલ્લામાં આવેલું અંબાજી 51 શક્તિપીઠ પૈકીનું એક પરમ પવિત્ર શક્તિપીઠ છે. આ મંદિર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં જાણીતું છે. ગુજરાત અને દેશના લાખો-કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું પ્રતીક અંબાજી જેમનાં મંદિરની મુલાકાતે રોજ સેંકડો લોકો આવે છે. ”આરાસુરી અંબાજી” માતાજીના સ્થાનકમાં કોઇ પ્રતિમા અથવા ચિત્રની નહીં ‘શ્રી વિસાયંત્ર’ની પૂજા કરવામાં આવે છે. ત્યારે અમે તમારા માટે ગબ્બરની કેટલી અદભુત તસવીરો લાવ્યા છીએ જે આ પહેલા તમે ક્યારે નહીં જોઈ હોય.

લોકો આ યંત્રના ફક્ત દર્શન જ કરી શકે છે તેનો ફોટોગ્રાફ લેવાની સખત મનાઈ છે. જુલાઈ મહિનામાં ગુજરાત તથા દેશના ખૂણેખૂણેથી લોકોમાં અંબામાં શ્રદ્ધા સાથે છે ક માતાજીના મંદિર સુધી પગપાળા આવે છે. દિવાળીના દિવસોમાં અંબાજી મંદિરને ભવ્ય રીતે સજાવવામાં આવે છે. શ્રી વિસાયંત્રની પૂજા ફક્ત આંખે પાટા બાંધીને જ કરી શકાય છે. હિંદુ માન્યતા અનુસાર અને તંત્ર ચુડામણિમાં દર્શાવવામાં આવેલી હકીકત પ્રમાણે ગબ્બર પર્વત ઉપર માતા સતીનાં મૃત શરીરનો હ્રદયનો હિસ્સો પડ્યો હતો.

ગબ્બરની ટોચે આવેલા અંબાજી મંદિરે જવા માટે 999 પગથિયાં ચડીને જઈ શકાય છે. માતા શ્રી આરાસુરી અંબિકાના નીજ મંદિરમાં રહેલા શ્રી વિસાયંત્રની સામે હંમેશા અખંડ દીવો પ્રજ્વલિત રહે છે. ગબ્બરની નજીકમાં જ સનસેટ પોઈન્ટ છે, જ્યાંથી સૂર્યોદય અને સર્યાસ્તનો નજારો જોવા જેવો હોય છે. આ સિવાય પર્વતની ગુફા, માતાજીના ઝૂલા તથા રોપ-વે દ્વારા ટ્રિપની મજા માણવા જેવી હોય છે.

અંબાજીમાં વર્ષે ચાર વખત નવરાત્રીનો ઉત્સવ મનાવવામાં આવે છે. જે પૈકી શરદ (આસો), વસંતિક (ચૈત્ર), મહા અને અષાઢમાં નવરાત્રી ઉજવાય છે, જેમાં શક્તિ સંપ્રદાયની રીત-રસમો અનુસાર યજ્ઞ સહિતની ધાર્મિક વિધિઓ યોજાય છે. શક્તિ સંપ્રદાય પ્રમાણે વસંતિક નવરાત્રીના તમામ આઠ દિન અને નવ રાત્રીનું વિશેષ મહત્વ છે, તેથી જ ચૈત્ર માસના પ્રથમ દિવસે ગર્ભ દીપના વાસણ ઉપર જ્વારા વાવીને ઉજવણીઓ શરૂ કરવામાં આવે છે. ચૈત્રી નવરાત્રીમાં શ્રધ્ધાળુઓ આ ગર્ભ દીપની ફરતે નૃત્ય કરે છે, તેમજ આરાસુરી અંબાજીના ગરબા ગાય છે.

છેલ્લાં 60 વર્ષથી ચૈત્રી નવરાત્રીના નવ દિવસ દરમિયાન દિન-રાત જય અંબેમાં જય અંબેની અખંડ ધૂન ચાલે છે. દર વર્ષે ખાસ કરીને પૂનમના દિવસોએ અંબાજી માતાના મંદિરમાં ભાવિકભક્તોનો માનવ સાગર ઊમટી પડે છે. અંબાજી નગરમાં ગબ્બર પર્વતની ટોચે આવેલા અંબાજી માતાના મંદિરે નવા વિક્રમ સંવત વર્ષના પ્રારંભના પાંચ દિવસ (કારતક સુદ એકમથી પાંચમ) માતાજીને અન્નકૂટ ધરાવવામાં આવે છે. આ પાંચેય દિવસ મંદિરમાં માતાજીના આશીર્વાદ મેળવવા કુલ 10થી 15 લાખ દર્શનાર્થીઓ આવે છે.

પોષ સુદ પૂનમના દિવસે અંબાજીમાં માતાજીની ભવ્ય રથયાત્રા યોજાય છે. ચૈત્રી નવરાત્રીના દિવસોમાં અંબાજીમાં ભક્તિનો સાગર ઉમટી પડે છે. શ્રાવણ વદ તેરસ અને અમાસે ગુજરાતના વિવિધ ભાગમાંથી લોકો અંબાજીના દર્શન કરવા આવે છે. ભાદરવી પૂનમે અંબાજીમાં ભવ્ય મેળો યોજાય છે, જે ગુજરાતમાં યોજાતો સૌથી વિશાળ મેળો છે. આ મેળાના સહેલાણીઓની સંખ્યા સામાન્ય રીતે 20 લાખની રહેતી હોવાનો અંદાજ છે. આસો સુદ નવરાત્રીના નવ દિન મંદિરના ચાંચરચોકમાં ગરબા-રાસની રમઝટ જામે છે.

નવરાત્રીના આઠમા દિવસે અંબાજી મંદિરમાં દાંતા દરબાર મોટો યજ્ઞ કરે છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સાથ અને સહકારથી અંબાજીનાં ધાર્મિક સંગઠનો દ્વારા જન્માષ્ટમી, દશેરા, અષાઢ સુદ બીજની રથયાત્રા જેવા પવિત્ર હિંદુ તહેવારો ધામધૂમપૂર્વક ઊજવવામાં આવે છે. અંબાજીમાં આવેલા શીતળામાતાના મંદિર પણ શીતળા સાતના દિવસે મેળો યોજાય છે.

1958માં શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની રચના થઇ ત્યારથી લઇ અત્યાર સુધીમાં આ ટ્રસ્ટે યાત્રિકોની સુખાકારી અને સગવડો વધારવા માટે અનેક સીમાચિહ્નરૂપ નિર્ણયો કર્યા છે. યાત્રિકોની અનુકૂળતા માટે ટ્રસ્ટે અંબાજીનગરના હાર્દમાં તમામ આધુનિક સગવડો ધરાવતા અતિથિગૃહો, પથિકાશ્રમ, ધર્મશાળા અને ભોજનાલય સ્થાપ્યાં છે. માતા આરાસુરી અંબાજીના દર્શને આવતા યાત્રિકોની સુખાકારી માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે સ્ટેટ હાઇવ અને મંદિરના ચાંચરચોકને જોડતો 120 મીટર લાંબો અને 17 મીટર પહોળો ફ્લાય ઓવરબ્રિજ બાંધ્યો છે, જેથી યાત્રિકો સીધા જ માતાજીના મંદિરે પહોંચી શકે. મંદિરના વિકાસ માટે આ ટ્રસ્ટે કોઈ જ બાંધછોડ કરી નથી.

હાલમાં ટ્રસ્ટ મંદિર સંકુલ તથા આસપાસનાં સ્થળોના જિર્ણોદ્ધારની યોજના હાથ ધરી છે. સ્ટેટ હાઇવેની જોડે જ 71 ફીટ ઊંચો અને 18 ફીટ પહોળો વિશાળ શક્તિદ્વાર બનાવવાની યોજના ઘડવામાં આવી છે, જે ગોપુરમ શૈલીમાં બનશે. ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી અંબિકા ભોજનાલયમાં અબાલવૃધ્ધ સહુને રાહતદરે સ્વાદિષ્ટ અને સંતુલિત ગુજરાતી આહાર મળે છે. મંદિર સંકુલની નજીક તથા અંબિકા ભોજનાલયમાં ટ્રસ્ટે જાહેર સુવિધાઓ સ્થાપી છે.

ધાર્મિક વિધિ તથા યજ્ઞાદિક કાર્યો માટે યજ્ઞશાળા બનાવવામાં આવી છે. યાત્રિકોના માલસામાનની સુરક્ષા માટે વિશાળ લોકર રૂમ તથા મંદિરની નજીક અને ગબ્બરની તળેટીમાં વિશાળ પાર્કિગ પ્લોટ સ્થાપવામાં આવ્યા છે. આવનાર યાત્રિકોના સ્વાસ્થ્યની રક્ષા માટે ટ્રસ્ટે 70 બેડની અદ્યતન હોસ્પિટલ પણ સ્થાપી છે, જેમાં સાવ નજીવો ચાર્જ લઇને લોકોને સારવાર આપવામાં આવે છે.

કેવી રીતે પહોંચવું
જમીન માર્ગેઃ અંબાજી જવા માટે ગુજરાતનાં મોટા ભાગનાં સ્થળોએથી બસ ટ્રાન્સપોર્ટની સેવા છે. અંબાજી અમદાવાદથી 190 કિમીના અંતરે આવેલું છે.
નજીકનું રેલવે સ્ટેશન: આબુ રોડ છે, જે 24 કિમી દૂર છે.
નજીકનું એરપોર્ટ: અંબાજીથી નજીકનું એરપોર્ટ અમદાવાદ (65 કિમી) અને ઉદેપુર (170 કિમી) દૂર છે.