આ આર્મી ઓફિસરે દેશ માટે જે કર્યું તે જાણ્યા બાદ તમે અચૂકથી કરશો સો-સો સલામ!

મેરઠઃ આખો દેશ કોરોના સામેની લડાઇમાં જીતવા માટે પોતપોતાની શક્તિ અનુસાર યોગદાન આપી રહ્યો છે. આ લડાઇમાં સરકારની સાથે-સાથે દેશવાસીઓ પણ આગળ આવ્યા છે, રોજ એવા કિસ્સા જોવા મળે છે, જેમાં લોકો પોતાની મહેનતની કમાણીને કોરોનાને હરાવવાની લડાઇમાં સફળ થવા સરકારને આપી રહ્યા છે. આવો જ એક કિસ્સો મેરઠમાં પણ જોવા મળ્યો. ત્યાં સેનાના એક રિટાયર્ડ ઓફિસરે તેના જીવનભરની કમાણીને પીએમ કેયર્સ ફંડમાં દાનમાં આપી દીધી. રિટાયર્ડ સૈનિકનાં આ કામનાં ચારેય તરફ લોકો વખાણ કરી રહ્યાં છે.


મેરઠના તોપખાના વિસ્તારમાં રહેતા આર્મીના રિટાયર્ડ જૂનિયર કમિશન ઓફિસર સરદાર મોહિંદર સિંહે કોરોના સામેની લડાઇમાં મદદનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સરદાર મોહિંદર સિંહે તેમના પેન્શન અને ગેજ્યુઇટીમાંથી બચાવેલ 15 લાખ 11 હજાર પીએમ કેયર્સ ફંડમાં દાનમાં આપી દીધા. સરદાર મોહિંદર સિંહ ગુરૂવારે (10 એપ્રિલ) તેમની પત્ની સુમન ચૌધરી સાથે પંજાબ એન્ડ સિંધ બેન્કમાં ગયા અને ત્યાંના મેનેજર નલિન કુમારને આ રકમનો ચેક આપ્યો. આ રકમ કોરોના વાયરસ સામેની લડાઇમાં લોકો પોતપોતાની રીતે મદદ કરી શકે એ માટે ખોલવામાં આવેલ પીએમ કેયર્સ ફંડના અકાઉન્ટમાં જમા કરાવી દેવામાં આવી.


પાકિસ્તાન સામેના યુદ્ધમાં ગુમાવી હતી આંખઃ સરદાર મોહિંદર સિંહે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, 1971માં ભારત-પાકિસ્તાનના યુદ્ધમાં તેઓ પણ લડ્યા હતા. આ યુદ્ધમાં તેઓ પાકિસ્તાનની ગોળીઓથી ઘાયલા થયા હતા, જેમાં તેમને પોતાની એક આંખ પણ ગુમાવવી પડી હતી. તેમણે જણાવ્યું કે, મારી પાસે જે પણ છે તે હવે દેશનું થયું. દેશને અત્યારે જરૂર છે એટલે હું દેશને પાછું આપી રહ્યો છું.


બધાં જ બાળકો કરી રહ્યાં છે નોકરીઃ સરદાર મોહિંદર સિંહને બે દીકરા અને બે દીકરીઓ છે. એક દીકરો અને એક દીકરી જર્મનીમાં જોબ કરી રહ્યાં છે. જ્યારે એક દીકરો વિએતનામ અને એક દીકરી દિલ્હીમાં જોબ કરી રહ્યાં છે. તેમણે જણાવ્યું કે, મારી ઉંમર અત્યારે 85 વર્ષ છે. એટલે હવે આ પૈસાની મારા કરતાં વધારે દેશને જરૂર છે. એટલે હું તેને પીએમ કેર્સ ફંડમાં આપી રહ્યો છું.