આવી માનતા નહીં જોઈ હોય: જમીન પર સુઈ પેટથી ઘસડાઈને રણુજા જવાની માનતા માની

કહેવાય છે કે વ્યક્તિનો જુસ્સો બુલંદ હોય તો ગમે તેવું અશક્ય કામ પણ શક્ય બની જાય છે. ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા મજબૂત હોય તો કોઈ પણ પ્રકારનું સંકટ તેને ડગાવી નથી શકતું. ભગવાન કે માતાજી પ્રત્યેની આસ્થાના અનેક કિસ્સા તમે સાંભળ્યા હશે. પોતાનું ધાર્યુ કામ પાર પડે એટલે ભક્તો માતાજી કે ભગવાનની માનતા ઉતારે છે. કોઈ સેંકડો કિલોમિટર સાઈકલ ચલાવીને તો કોઈ ચાલીને માનતા ઉતરતા હોય છે. અમુક ભક્તો દંડવત કરીને પણ માનતા પૂરી કરતાં હોય છે. પણ આજે અમે એક એવા ભક્તની વાત કરીશું, જેવો તમે ક્યારેય નહીં જોયો હોય.

રામદેવપીરના એક ભક્તે અનોખી અને આકરી માનતા માની છે. રાજસ્થાનના એક ભક્તે સેંકડો કિલોમીટર સુધી જમીન પર પેટના બળે ઘસડાઈને રણુજા રામદેવપીર જવાની માનતા માની છે.

રાજસ્થાનના ટોંક જિલ્લાના નિમબેડા ગામે રહેતાં રામધનજી મહારાજને ભગવાની રામાપીરમાં અતૂટ શ્રદ્ધા છે.પિતાને ગંભીર બીમારી થતાં દીકરા રામધનજી મહારાજે રામાપીરની આકરી માનતા માની હતી. પિતાના સ્વાસ્થ્યની મનોકામના માટે તેમણે રામદેવરા રામાપીરની માનતા માની હતી.

રામધનજી મહારાજે દંડવત નાકની ટોચ અને પેટના બળે જમીન પર ધસડાઈને જવાની માનતા માની હતી. તેમણે રાજસ્થાનના બુંદી જિલ્લાના રામેશ્વર મહારાજના મંદિરથી રણુજા રામદેવપીર મંદિર ઘસડાઈને જવાની માનતા માની હતી.

બુંદી જિલ્લાના રામેશ્વર મંદિરથી રામદેવરા રણુજા વચ્ચે 500થી વધુ કિલોમીટરનું અંતર છે. તેમણે ગત 3 જાન્યુઆરીના રોજ સરકારથી પરમિશન લઈને આ યાત્રા શરૂ કરી હતી.

સોશ્યલ મીડિયામાં અમુક વીડિયો વાઈરલ થયા છે. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે આ યાત્રા 800 દિવસમાં તામિલનાડુના રામેશ્વર મંદિરથી નીકળી રામદેવરા રણુજા મંદિર જઈ રહી છે. જોકે એ સાચુ નથી. આ યાત્રા તામિલનાડુના રામેશ્વર મંદિરથી નહીં પણ રાજસ્થાનના બુંદીના રામેશ્વર મહાદેવથી નીકળી રણુજા જઈ રહી છે.

રામાદેવ પીર પરમ ભક્ત રામધનજી મહારાજે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે એક પણ દિવસ અટક્યા વગર રોજ એક કિલોમીટર ઘસડાઈને ચાલે છે. આ યાત્રા પૂરી કરવામાં અંદાજે 700 દિવસ લાગશે.

રામધનજી મહારાજની આ યાત્રા જે પણ ગામમાંથી પસાર થાય છે ત્યાં મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી રહી છે. લોકો ઠેર-ઠેર રામધનજી મહારાજનું ભવ્ય સ્વાગત કરે છે.

રામધનજી મહારાજની આ માનતામાં સહયોગ આપવા માટે અનેક ભાવિકો જોડાયે છે. તેમનો ફોજી ભાઈ નેમીચંદ નોકરીમાંથી 6 મહિનાની રજા લઈને રામધનજી મહારાજ સાથે યાત્રાને સફળ બનાવવામાં દિવસ-રાત સેવા આપી રહ્યા છે.

રામધનજી મહારાજ સાથે એક રથ પણ ચાલે છે. જેમાં અખંડ જ્યોત પ્રગટી રહી છે. રસ્તામાં સેવકો લાલ જાજમ પાથરીને રામધનજી મહારાજની યાત્રામાં સેવા આપે છે. અમુક ભક્તો રસ્તો સાફ કરીને પણ પોતાનો સહયોગ આપે છે.

એટલું જ નહીં અમુક લોકો છત્રી લઈને તો અમુક ભક્તો પંખો લઈને પણ ઉભા કરે છે. એટલું જ નહીં આ યાત્રા જ્યાંથી પસાર થાય ત્યાં પોલીસ તંત્ર પણ સહયોગ આપે છે.

રાત્રિ દરમિયાન જે ગામમાં રોકાણ થાય છે ત્યાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે. રાત્રે ભજન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

અમુક ગામના લોકો ડીજેના તાલ સાથે નાચીને પણ રામધનજી મહારાજનું સ્વાગત કરે છે.

એટલું જ નહીં સ્થાનિક ધારાસભ્યો અને નેતાઓ પણ રામધનજીના દર્શન કરવા ઉમટી પડે છે.