‘દ્રશ્યમ’ ફિલ્મને પણ ટક્કર મારે તેવો કિસ્સો, પ્લાસ્ટર તોડીને અંદર જોયું તો ચોંકી ગઈ પોલીસ

મધ્યપ્રદેશમાં ખરગોનમાં એક એવો સનસનીખેજ હત્યાનો ખુલાસો થયો છે, જેને જાણીને તમને બૉલીવુડ ફિલ્મ ‘દ્રશ્યમ’ની યાદ આવી જશે. જેમાં આરોપીએ ઠીક એવી જ રીતે ઘટનાને અંજામ આપ્યો હતો. જેમ કે, અજય દેવગને લાશને પોલીસ સ્ટેશનમાં જ દફનાવી હતી. તે જ રીતે આરોપીએ પ્રેમિકાની હત્યા કરીને લાશને તેના નવા ઘરમાં દફન કરી હતી. પછી તે બાદ ઉપરથી સિમેન્ટનું પ્લાસ્ટર કર્યુ હતુ. જેથી કોઈ તેની ઉપર શંકા ન કરે.

વાસ્તવમાં, ફિલ્મી અંદાજનો આ ગુનો બુધવારે ખરગોનના મોહનખેડી ગામમાં પ્રકાશમાં આવ્યો છે. જ્યારે આ બનાવ એક મહિના પહેલા 30 ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવ્યો હતો. 29 વર્ષીય છાયા તેના પિતા ભાઈરામના ઘરેથી અચાનક ગુમ થઈ ગઈ હતી. તેણીએ તેના પિતાને કહ્યું કે તે વાસણો કરવા જાય છે. પરંતુ તે પરત ન ફરતાં પરિવારે તેના ગાયબ થયાનો રિપોર્ટ નોંધાવ્યો હતો.

જ્યારે છાયા ગાયબ થઈ, ત્યારે તેના ગામમાં રહેતો પ્રેમી પણ અચાનક ગાયબ થઈ ગયો હતો. આવી સ્થિતિમાં પરિવારે તેના પ્રેમી સંતોષ પર પુત્રીના ગાયબ થવાની શંકા વ્યક્ત કરી હતી. ગામલોકો અને પોલીસે અનુમાન લગાવ્યું હતું કે, બંને ગામ છોડીને ભાગી ગયા હશે. કારણ કે સંતોષના પિતા પણ તે જ દિવસથી ગુમ હતા. યુવતીના પરિવારજનોએ જણાવ્યું હતું કે, પ્રેમીએ છાયાને તેના ઘરે કેદ કરીને રાખી છે, પરંતુ જ્યારે તેની શોધખોળ કરવામાં આવી ત્યારે કંઇ મળ્યું નહી.

જણાવી દઈએ કે 26 જાન્યુઆરીના રોજ જ્યારે આસપાસના લોકોને સંતોષના ઘરેથી દુર્ગંધ આવી હતી, ત્યારે તેઓએ પોલીસને આ વિશે માહિતી આપી હતી. પોલીસે ઘરનું તાળુ તોડ્યું હતું, તો ત્યાં કંઈપણ મળ્યુ ન હતું. ત્યારબાદ પોલીસને ઘરના ફ્લોર પર શંકા ગઈ હતી, જ્યાં સિમેન્ટ પ્લાસ્ટર થયેલું હતું. ત્યાં ખોદકામ કરતી વખતે મહિલાની બંગડી, કાનની બુટ્ટી દેખાઈ. લગભગ ચાર ફૂટ જેટલું ખોદકામ કર્યા પછી,છાયાનો મૃતદેહ બહાર કઢાયો હતો, જે સંપૂર્ણ રીતે સડી ગયો હતો.

લાશ મળી આવ્યા બાદ ખરગોન પોલીસના તમામ અધિકારીઓ એસ.ડી.ઓ.પી. પ્રવિણકુમાર, ટી.આઈ. અને નાયબ મામલતદાર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ફોરેન્સિક અધિકારીઓને તપાસ માટે બોલાવવામાં આવ્યા હતા. જો કે, હજુ સુધી આરોપી વિશે કોઈ ભાળ મળી નથી.

મૃતક છાયા પરણિત છે, છેલ્લા પાંચ વર્ષથી તેના પતિને છોડીને પિતાના ઘરે ભીકનગાંવ ખાતે રહે છે. પ્રેમી સંતોષ પણ પરિણીત છે અને ચાર બાળકોનો પિતા છે. તેની પત્ની પણ પતિને છોડીને બાળકો સાથે પિયરમાં રહે છે.

બાબતની જાણ થતાં જ જિલ્લાના તમામ મોટા અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.