‘પ્રાંજલ ગેલેરીમાં બેસીને બૂમો પાડતી હતી, મેં ફાયરબ્રિગેડને સીડી ખોલવા કહ્યું પણ…’

શાહીબાગના ગિરધરનગરમાં આવેલા ઓર્ચિડ ગ્રીન ફ્લેટમાં આજે સવારે આગ લાગવાનો બનાવ બન્યો હતો. સાતમા માળે ફ્લેટમાં આગ લાગતાં ફાયરની ગાડી તો આગ બુઝાવવા માટે પહોંચી હતી, પરંતુ સમયસર સીડી ના ખૂલતાં પાણી પાંચમા માળ સુધી જ પહોંચતું હતું. થોડી મહેનત કર્યા બાદ અને થોડો સમય ગયા બાદ સાતમા માળ સુધી પાણી પહોંચી શક્યું, પરંતુ ફ્લેટમાં ફસાયેલી 17 વર્ષની સગીરાનો જીવ ના બચી શક્યો. મા-બાપથી દૂર રહેતી સગીરાએ આગમાં દાઝી જવાને કારણે જીવ ગુમાવ્યો છે. ફાયરબ્રિગેડની ભૂલને કારણે મોત થયું હોવાનું લોકો ચર્ચા કરી રહ્યું છે. આ ઘટના સંદર્ભે મિડીયાએ પ્રત્યક્ષદર્શી મહેશ ચોપડા સાથે વાતચીત કરી હતી, જેમાં તેણે પ્રાંજલની બૂમાબૂમથી માંડીને તેના સળગીને મોતને ભેટવા સુધીની દર્દભરી હકીકત રજૂ કરી હતી.

સવારે ઊઠ્યો ત્યારે બધા બૂમાબૂમ કરતા હતા
ઘટનાના પ્રત્યક્ષદર્શી મહેશ ચોપડાએ મિડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું સવારે 7-20 વાગે ઊઠ્યો તો જોયું બધા બૂમો પાડી રહ્યા હતા. હું સી બ્લોકમાં રહું છું. જેથી મેં મારા ઘરેથી જોયું તો બાજુના બિલ્ડિંગમાં આગ લાગી હતી અને એક છોકરી પણ ફસાયેલી હતી. જેથી હું તરત નીચે ગયો, હું નીચે ગયો ત્યારે ફાયર બ્રિગેડની ગાડી આવી ચૂકી હતી. ફાયર ફાઈટર દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો હતો, પરંતુ પાંચમા માળ સુધી જ પાણી પહોંચતું હતું. જેથી મેં તેમને સીડી ખોલવા કહ્યું, પરંતુ તેમની સીડી ખૂલી નહોતી. જેથી મેં તમને કહ્યું મારી સાથે આવો બાજુના બિલ્ડિંગમાંથી પાણી નાખો. બાજુના બિલ્ડિંગમાં લઈ જઈ અમે તેમની સાથે પાણી નખાવ્યું. પાણી સમયસર 7મા માળે પહોંચ્યા હોત તો છોકરી બચી જતી.

એ લાચાર દીકરીને લપેટીને નીચે લાવવામાં આવી
સીડી છેલ્લે સુધી ના ખૂલી પછી ફાયર ફાઈટર બાજુની ગાડી પણ ચઢીને પાણી છાંટવા લાગ્યા તો પણ પાણી ન પહોંચ્યું. છોકરીને મેં જોઈ ત્યારે ગેલેરીમાં બેઠી હતી. બૂમાબૂમ કરતી હતી પછી બેભાન થઈ ગઈ હતી. ફાયર બ્રિગેડ આવ્યા બાદ 30 મિનિટ બાદ આગ બૂઝાવવામાં આવી હતી અને છોકરીને નીચે લાવવામાં આવી હતી. છોકરીને લપેટીને લઈ જવામાં આવી રહી હતી.

17 વર્ષીય પ્રાંજલ કાકા-કાકી સાથે રહેતી
શાહીબાગમાં આવેલા ગિરધરનગરમાં ઓર્ચીડ ગ્રીન ફ્લેટમાં બી બ્લોકમાં સાતમાં માળે પ્રાંજલ જીરાવાલા નામની 17 વર્ષની સગીરા તેના કાકા, કાકી અને તેમના 2 દીકરા સાથે રહતી હતી. પ્રાંજલના માતા-પિતા થોડા સમય અગાઉ જ અમદાવાદથી સુરત શિફ્ટ થયા હતા. પરંતુ પ્રાંજલ બારમા ધોરણમાં ભણતી હોવાથી તેના કાકા કાકી સાથે અમદાવાદ રહેતી હતી. પ્રાંજલ માર્ચ મહિનામાં આવનાર બોર્ડની પરીક્ષા માટે તૈયારી પણ કરી રહી હતી.

લાકડાનું ફર્નિચર હોવાથી આગ વધુ પ્રસરી ને પ્રાંજલ બાલ્કનીમાં છૂપાઈ
આજે સવારે 7 વાગે ઘરમાં અચાનક કોઈ કારણસર આગ લાગી હતી. ઘરમાં લાકડાનું ફર્નિચર વધારે હોવાના કારણે આગ ખૂબ જ ઝડપથી પ્રસરી હતી. આગ લાગવાના કારણે ઘરમાંથી બહાર આવવાના રસ્તા પ્રાંજલ માટે બંધ થઈ ગયા હતા. જેથી પ્રાંજલ રૂમની બાલ્કનીમાં પહોંચી હતી, પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા પ્રાંજલ બાલ્કનીમાં લપાઈને બેસી ગઈ હતી અને મદદ માટેની ગુહાર લગાવી રહી હતી. આસપાસના લોકોએ પણ બૂમાબૂમ કરતા સમગ્ર ફ્લેટના લોકો ભેગા થઈ ગયા હતા. જોકે, પ્રાંજલના કાકી અને તેમના બે દીકરા જીવ બચાવીને નીચે જતા રહ્યા હતા.

15 ટીમ હતી છતાં સાતમા માળે ફાયરની ટીમ ન પહોંચી શકી
ફાયરની ટીમને જાણ થતા ફાયરની ત્રણ ગાડી શરૂઆતમાં પહોંચી હતી. ફાયરની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો હતો. પરંતુ પાણી સાતમા માળ સુધી પહોંચતું ન હતું. થોડા સમય બાદ બીજી ફાયરની ગાડી આવતા ફાયર ફાઈટર દ્વારા ગાડીની ઉપર ચઢીને આગ બૂઝાવવાની કોશિશ કરવામાં આવી, પરંતુ સાતમા માળે યોગ્ય રીતે પાણી પહોંચી શકતું ન હતું. આમ એક બાદ એક 15 ગાડી પહોંચતા અંતે સાતમા માળ સુધી પાણી પહોંચ્યું અને ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે ત્યાં સુધી પ્રાંજલ બેભાન થઈને બાલ્કનીમાં પડી હતી.

108માં રાજસ્થાન હોસ્પિટલ ખસેડી પણ મૃત
ફાયરની ટીમે પ્રાંજલને રેસ્ક્યૂ કરીને સારવાર માટે 108 દ્વારા રાજસ્થાન હોસ્પિટલ ખસેડી હતી. હોસ્પિટલના જણાવ્યા અનુસાર પ્રાંજલને જ્યારે હોસ્પિટલ લાવવામાં આવી હતી, ત્યારે તે થર્ડ ડિગ્રી બર્ન થઈ ચૂકી હતી, એટલે કે તેના શરીરનો મોટાભાગનો હિસ્સો બળી ગયો હતો અને તેણે જીવ પણ ગુમાવી દીધો હતો. પ્રાંજલના માતા-પિતા સુરતથી અત્યારે અમદાવાદ આવી રહ્યા છે, ત્યારબાદ પોસ્ટમોર્ટમ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.