2 બંગલા, 3 ફ્લેટ, 30 બેન્ક એકાઉન્ટ: નિવૃત ના. મામલતદાર પાસેથી 35 કરોડની બેનામી સંપત્તિ મળી

અમદાવાદઃ ગુજરાતમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ કલોલના નિવૃત્ત નાયબ મામલતદાર વિરમ દેસાઈ પાસેથી લગભગ 44 કરોડ રૂપિયાની મિલકતો ઝડપી હતી જે સમાચાર વાયુવેગે પ્રસરતાં કડી સહીત ગુજરાતમાં ખળભળાટ મચી ગયો હતો. વિરમ દેસાઈ પાસે 11 દુકાનો, કરોડોના પ્લોટ સહિત કુલ રૂપિયા 33.47 કરોડની બેનામી સંપત્તિ મળી આવી છે. ગુજરાતમાં એસીબીના ઈતિહાસમાં સરકારી કર્મચારી પાસેથી આટલા મોટા પ્રમાણમાં અપ્રાણસર મિલકત ઝડપાઈ હોય એવો આ પહેલો કેસ છે. ત્યારે હાલ વિરમ દેસાઈને સૌથી ભ્રષ્ટ કર્મચારી ઘણાવાઈ રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

વિરમ દેસાઈએ કેવો ભ્રષ્ટાચાર કર્યો છે તેનો પુરાવો એ છે કે, તેમની પાસે 11 જેટલી મોંઘી લક્ઝુરીયસ કાર્સ છે. મમહત્વની વાત એ છે કે, બિઝનેસમેન અંબાણી કે અદાણી જેવા મોટા ઉદ્યોગપતિ પાસે લક્ઝુરિયસ કાર્સ હોય એવી કાર્સ આ ભ્રષ્ટાચાર વિરમ દેસાઈ પાસે છે.

વિરમ દેસાઇ પાસેથી જેગુઆર, ઓડી, બીએમડબલ્યૂ, હોન્ડા સિટી, ફોર્ચ્યુનર, સિઆઝ, હેરિઅર, જિપ કમ્પાસ, ઓલ્ટીઝ, કોરોલા અને ઝાયલો કાર મળી આવી છે. દેશના મોટા-મોટા માલેતુજારો પાસે આટલી મોંઘીદાટ કાર્સ નહીં હોય. વિરમ દેસાઈ પાસેથી 11 વૈભવી કાર્સ ઉપરાંત 11 દુકાનો 3 ફ્લેટ, 2 બંગલા, એક ઓફિસ, 30 બેન્ક એકાઉન્ટ, ગાંધીનગરમાં બે પ્લોટ ઉપરાંત કરોડોની જમીનો મળી આવી છે.

નિવૃત્ત નાયબ મામલતદાર વિરમ દેસાઈ પ્રથમ ગાંધીનગરમાં નોકરી કરતા હતા ત્યારે બિલ્ડરો સાથે મળીને વ્યાપક ભ્રષ્ટાચાર આચર્યો હતો. તેમાં પણ ખાસ કરીને વર્ષો સુધી ગુજરાત મહેસુલ વિભાગના મંડળ પ્રમુખ તરીકે રહીને હોદ્દાનો દુર ઉપયોગ કરીને કરોડોની અઢળક જમીનો લીધી હતી. પોલીસ તપાસમાં મોટા ભાગની જમીનો તેઓએ ગાંધીનગર આસપાસ લીધેલી છે.

વિરમ દેસાઈએ નાયબ મામલતદાર પદેથી નિવૃત્તિ લીધી ત્યારે કલેક્ટર ઓફિસમાં જેગુઆર કાર લઈને એન્ટ્રી મારી હતી. આ વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થતાં મહેસૂલ વિભાગના વર્ગ-3ના અધિકારી પાસે આટલી બધી સંપત્તિ કેવી રીતે આવી તેની ચર્ચાએ જોર પડ્યું હતું.

આ અંગે એસીબી વડા કેશવકુમારે કરેલી તપાસમાં ગાંધીનગર, કલોલ, અડાલજ અને વાવોલમાં વિરમ દેસાઈ અને તેમના સાથીદારોએ જમીનોના કામકાજમાં કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો પર્દાફાશ થતાં આ મામલે તપાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બીજી તરફ, વિરમ દેસાઈ ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળનો પ્રમુખ હોઈ તેની વિરુદ્ધ તપાસની વાત લીક થાય તો આખી વાત પર પડદો પડી શકે તેવી સંભાવના હોવાથી એસીબીના ખાસ અધિકારીઓની એક સ્પેશિયલ ટીમ તૈયાર કરવામાં આવી હતી.

આ ટીમને ખાનગી રાહે મહેસૂલ વિભાગમાં જઈને વિરમ દેસાઈની માહિતી મેળવવાનું કામ સોંપવામાં આવ્યું હતું. આ સમગ્ર કામગીરીના અંતે એસીબીને આધારભૂત પુરાવા હાથ લાગ્યા હતા. આ બધી જ માહિતી ભેગી કરીને તેની સામે અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અન્ય 6 વ્યક્તિને પણ આ કેસમાં આરોપી બનાવાયા હતા.