10મું નાપાસ રિક્ષા ડ્રાઈવરને થયો ગોરી મેમ સાથે પ્રેમ, ફ્રાંસ જઈને કર્યું પ્રપોઝ

જયપુરઃ ફિલ્મ્સમાં ઘણીવાર એવી લવ સ્ટોરીઝ દેખાડવામાં આવતી હોય છે જેને આપણે વાસ્તવિક જીવનમાં કલ્પના કરી શકતા નથી. પરંતુ ખરેખર રિયલ લાઈફમાં પણ આવી લવ સ્ટોરીઝ જોવા મળે જે લોકો માટે સાચી માનવી મુશ્કેલ હોય છે. આવી જ એક લવ સ્ટોરી છે જયપુરના 10મું પાસ રિક્ષા ડ્રાઈવર રંજીત સિંહ અને ફ્રાન્સની એક મહિલાની.

રંજીત સિંહ એક ગરીબ પરિવારમાંથી આવે છે. તે બાળપણથી અભ્યાસમાં નબળો હતો પરંતુ ક્રિએટિવિટીમાં ઘણો રસ હતો. જોકે 10મું ફેલ થયા બાદ તેના પરિવારજનોએ તેને સ્કૂલમાંથી નીકાળી કામ ધંધે લગાવી દીધો હતો.

રંજીત 16 વર્ષની વયે અભ્યાસ છોડી રિક્ષા ચલાવવા લાગ્યો. ઘણા વર્ષો સુધી તે જયપુરમાં રિક્ષા ચલાવવા લાગ્યો હતો. આ દરમિયાન તેના ધ્યાને આવ્યું કે, અહીં ઘણા રિક્ષા ડ્રાઈવર વિદેશી પ્રવાસીઓને આકર્ષવા ઈંગ્લિશ, ફ્રેન્ચ, સ્પેનિશ જેવી ભાષા બોલતા હતા. જેથી રંજીતે પણ અંગ્રેજી શીખવાનું શરૂ કર્યું. રંજીતે કહ્યું કે- વર્ષ 2008માં જ્યારે બધા આઈટી સેક્ટર તરફ આગળ વધતા હતા ત્યારે હું માત્ર અંગ્રેજી શીખવા માંગતો હતો.

અમુક વર્ષ રિક્ષા ચલાવ્યા બાદ રંજીતે રિક્ષાની સાથે ટૂરિઝમનો બિઝનેસ શરૂ કર્યો. તે વિદેશી આવનારાઓને રાજસ્થાનમાં ફરવા લઈ જતો. એકવાર ફ્રાન્સની એક યુવતી તેની ક્લાઈન્ટ બની. રંજીતે તેને રાજસ્થાનમાં તમામ સ્થળોની મુલાકાત કરાવી.

આ ટૂર દરમિયાન બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. બંનેની પ્રથમ મુલાકાત સિટી પેલેસમાં થઈ હતી. બંને વચ્ચે ઘણી રસપ્રદ વાતો થઈ હતી. જે પછી યુવતી ફ્રાન્સ પરત ફરી હતી. જોકે બંને વચ્ચે સ્કાઈપ થકી વાતો થતી રહેતી હતી. આ દરમિયાન બંનેને એકબીજાના પ્રેમમાં હોવાનો અનુભવ થયો.

રંજીતે પોતાનો પ્રેમ પામવા ફ્રાન્સ જવાના ઘણા પ્રયાસ કર્યા પરંતુ દરવખતે તેના વિઝા રિજેક્ટ થઈ જતા હતા. જોકે તેની અસર તેના પ્રેમ સંબંધ પર નહોતી પડી. વિઝા મેળવવા રંજીતે ફ્રાન્સ દૂતાવાસ સામે ધરણા દીધા હતા અને તે પછી તેને 3 મહિનાના વિઝા મળ્યા હતા.

જે પછી 2014માં રંજીતે પોતાની ફ્રેન્ચ પ્રેમિકા સાથે લગ્ન કરી લીધા. તેમને 2 બાળકો પણ છે, લગ્ન બાદ રંજીતે લોન્ગ ટર્મ વિઝા માટે અરજી કરી હતી. આ માટે તેણે ફ્રેન્ચ ભાષા પણ શીખવી પડી હતી. હાલ રંજીત પોતાની પત્ની અને બાળકો સાથે જીનેવામાં રહે છે. અહીં તે એક રેસ્ટોરાંમાં જોબ કરે છે. તેનું સ્વપન છે કે, તે વહેલી તકે પોતાની રેસ્ટોરાં શરૂ કરે.